મીરા રોડના જિમ ટ્રેઇનરને ૧૩.૫૦ લાખની રોકડ સાથે બોલાવીને બે જણે લૂંટી લીધો
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડના સાંઈબાબા નગરમાં રહેતા ૨૬ વર્ષના જિમ-ટ્રેઇનર અનિકેત સિંહને ક્રિપ્ટોકરન્સી ઓછા ભાવે આપવાનું કહીને કારમાં બેસાડી ૧૩.૫૦ લાખ રૂપિયા લૂંટી લીધા હોવાની ફરિયાદ મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં બુધવારે નોંધાઈ હતી. અનિકેતને ક્રિપ્ટોકરન્સી લેવા માટે મીરા રોડના એસકે સ્ટોન વિસ્તાર નજીક બોલાવીને આરોપીઓએ ગુજરાતની નંબર-પ્લેટવાળી કારમાં તેને બેસાડ્યા બાદ ધમકાવીને પૈસા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
અનિકેતે ઇન્વેસ્ટમેન્ટના ચક્કરમાં તમામ બચત ગુમાવી દીધી છે એમ જણાવતાં મીરા રોડના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનિકેતને અફાન અને સાહિલ નામના યુવાનોએ પોતાની પાસે રહેલી ક્રિપ્ટોકરન્સી વેચવાની હોવાનું કહી મીરા રોડના એસકે સ્ટોન નજીક બોલાવ્યો હતો. ત્યાં તેને કારમાં બેસાડીને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા અને સામે ક્રિપ્ટોકરન્સી આપવાની વાત કરવામાં આવી હતી. જ્યારે આ વ્યવહાર ચાલી રહ્યો હતો ત્યારે પાછળથી ત્રણ બાઇક પર ૬ જણ આવ્યા અને તેમણે અનિકેતને ચાકુ દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી ૧૩.૫૦ લાખ રૂપિયા ઝૂંટવી લીધા હતા. એ પછી તેઓ બાઇક પર નાસી ગયા હતા. જોકે પછી અફાન અને સાહિલ પણ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. અંતે ઘટનાની ફરિયાદ બુધવારે નોંધવામાં આવી હતી. આ કેસમાં અમે આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ.’