ટૉઇલેટમાં હાર્ટ-અટૅક આવ્યો હતો, ૩૦ કલાકથી વધુ સમય પછી ડેડબૉડી મળી
આવી અવસ્થામાં દિનેશ પરમાર ૩૦ કલાકથી વધુ સમય રહ્યો હતો.
પ્રભાદેવીના ધનમિલનાકા પાસે રહેતો ૩૦ વર્ષનો ગુજરાતી યુવાન દિનેશ પરમાર પાંચ મેના રવિવારે સવારે દહિસરમાં ઘરવાળાઓ માટે નાસ્તો લઈને આવ્યા બાદ આવું છું એમ કહીને ઘરેથી નીકળ્યા બાદ તેનો કોઈ પત્તો લાગી રહ્યો નહોતો. પરિવારે વિવિધ ઠેકાણે તપાસ કરીને અંતે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવાનને શોધવા માટે પરિવારે પરિસરના ચાલીસથી વધુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તપાસ્યા હતા જેમાં છેલ્લે તે સાર્વજનિક શૌચાલયમાં જતો દેખાયો હતો. એના આધારે સોમવારે સાંજે એ સાર્વજનિક શૌચાલયનો દરવાજો તોડીને જોતાં એમાં તેની કોહવાયેલી ડેડબૉડી મળી આવી હતી. ગઈ કાલે બપોરે તેના દાદર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પ્રભાદેવીનો રહેવાસી દિનેશ પરમાર પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતો હતો, જ્યારે તેના ગોરેગામ રહેતા પિતા રામજી પરમાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં કામ કરે છે. દિનેશને ત્રણ વર્ષની દીકરી અને એક વર્ષનો દીકરો છે. દિનેશની પત્ની વર્ષાનું ઑપરેશન થયું હોવાથી તે દહિસર-ઈસ્ટમાં વીર સંભાજીનગરમાં આવેલા તેનાં માતા-પિતાના ઘરે આરામ કરવા ગઈ હતી એટલે દિનેશ પણ બે દિવસ સાસરે રોકાવા ગયો હતો. પાંચ મેએ સવારે દિનેશ પરિવાર માટે નાસ્તો લાવ્યો હતો અને બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ આવું છું એમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. મોડી સાંજ સુધી દિનેશ ઘરે પાછો ફર્યો નહોતો એમ કહેતાં બોરીવલીમાં રહેતા દિનેશ પરમારના સાઢુભાઈ નરેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધાએ તેને સતત શોધ્યો હતો, પણ તેના વિશે કોઈ માહિતી ન મળતાં અંતે અમે દહિસર-પોલીસનો સંપર્ક કરીને તેની ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. દિનેશનાં બન્ને બાળકો પણ ખૂબ નાનાં છે અને પત્ની પણ ખૂબ ચિંતામાં આવી ગઈ હતી એટલે અમે બધાએ પોલીસ સાથે મળીને આસપાસના પરિસરના લગભગ ૪૦થી ૫૦ CCTV કૅમેરા તપાસ કર્યા હતા. પહેલાં અમે મુખ્ય રસ્તાઓના અને ત્યાર બાદ પરિસરની અંદરના ભાગના કૅમેરા જોયા હતા.’
ADVERTISEMENT
પ્રભાદેવીના આ ગુજરાતી યુવાને ટૉઇલેટમાં જીવ ગુમાવ્યો હતો.
શૌચાલય સંભાળનારે દરવાજો બંધ છે એ રાતના પણ જોયું નહીં એટલે ડેડબૉડી કોહવાઈ ગઈ હતી એમ કહેતાં નરેશ મારુએ કહ્યું કે ‘એક જ્વેલરની દુકાનની બહારના CCTV કૅમેરામાં દિનેશ શૌચાલય તરફ જતો જોવા મળ્યો હતો. પોલીસ અને ફાયર-બ્રિગેડ ત્યાં પહોંચ્યાં અને શૌચાલયનો બંધ દરવાજો તોડ્યો હતો. દરવાજો તોડતાં એમાં ૩૦થી વધુ કલાક રહેલી દિનેશની ડેડબૉડી મળી આવી હતી. ડેડબૉડીને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોસ્ટમૉર્ટમમાં દિનેશનો જીવ હાર્ટ-અટૅકથી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ડેડબૉડીનો ચહેરો કાળો પડી ગયો હતો અને આખી બૉડી સૂજી ગઈ હતી. શૌચાલય પાસે વિચિત્ર દુર્ગંધ આવી રહી હોવા છતાં BMCનું આ શૌચાલય સંભાળી રહેલા કર્મચારીએ રાતે બંધ કરતાં પહેલાં બધાં ટૉઇલેટ જોવાની જરૂર હતી, પણ એવું તેણે કર્યું નહોતું.’
CCTV કૅમેરામાં દિનેશ પરમાર શૌચાલયની પાસે જતો દેખાઈ આવ્યો હતો.

