ચંડોળા તળાવમાં બહારથી આવેલા મુસ્લિમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદે રહેઠાણ, દુકાનો તેમ જ દરગાહ અને મસ્જિદ બનાવવામાં આવ્યાં છે એની સામે કાર્યવાહી કરવામાં મદદ કરવા માટે એક યુવાને એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેને અપીલ કરી
અમદાવાદના ચંડોળા તળાવનો ગૂગલ મૅપનો ગ્રૅબ, જેમાં મોટા પ્રમાણમાં મકાનો દેખાય છે અને રાજ ઠાકરેને ટ્વીટ કરનારા લિંકન સોખડિયા.
અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં ૧૨૦૦ હેક્ટર જમીનમાં ફેલાયેલા સૌથી મોટા ચંડોળા તળાવમાં બહારથી આવેલા મુસ્લિમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદે રહેઠાણ, દુકાનો તેમ જ દરગાહ અને મસ્જિદ બનાવવામાં આવ્યાં છે એની સામે કાર્યવાહી કરવામાં મદદ કરવા માટે એક યુવાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેને અપીલ કરી છે. ગુજરાતમાં વર્ષોથી હિન્દુત્વ તરફી સરકાર છે અને આ તળાવનો એક ખૂણો અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચાર વખત મુખ્ય પ્રધાન તરીકે જે વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવ્યા હતા એ મણિનગરને અડીને આવેલો છે. આમ છતાં ચંડોળા તળાવમાં કરાઈ રહેલા અતિક્રમણ વિશે કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી એવો સવાલ ઊભો થાય છે. રાજ ઠાકરે અમદાવાદના લોકોની મદદ કરશે?
એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ તાજેતરમાં ગુઢીપાડવા નિમિત્તે આયોજિત કરવામાં આવેલી જાહેરસભામાં મુંબઈમાં માહિમના દરિયામાં બની રહેલી ગેરકાયદે મજાર અને સાંગલીમાં મુસ્લિમો દ્વારા રમતગમતના મેદાનમાં ગેરકાયદે મસ્જિદ બનાવનારાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. મુદ્દો ઉઠાવ્યાના ગણતરીના કલાકમાં પ્રશાસને કાર્યવાહી કરી હતી. આથી ચંડોળા તળાવના અતિક્રમણ દૂર કરવામાં પણ રાજ ઠાકરે મદદરૂપ બનશે એમ માનીને દાણીલીમડા વિસ્તારમાં રહેતા પત્રકાર અને સામાજિક કાર્યકર લિંકન સોખડિયાએ બે દિવસ પહેલાં રાજ ઠાકરેને એક ટ્વીટ કર્યું હતું.
ADVERTISEMENT
આ ટ્વીટમાં ચંડોળા તળાવના એરિયલ ફોટોની સાથે લખવામાં આવ્યું હતું કે ‘આ છે ‘અમદાવાદ`નું ચંડોળા તળાવ, જે હવે લુપ્ત થઈ ગયું છે. અહીંનું અડધું તળાવ ગેરકાયદે મુસ્લિમ વસાહતીઓએ પચાવી નાખ્યું છે અને આ સમગ્ર ગુજરાત જાણે છે. અહીં એક નહીં પરંતુ અનેક મસ્જિદો અને મદરેસાઓ બનાવવામાં આવી છે. આજ સુધી ગુજરાતના એક પણ નેતામાં એટલી ત્રેવડ નથી દેખાઈ કે એના વિશે અવાજ ઉઠાવે. આપ કમ સે કમ એક ટ્વીટ કરી દો જેથી આ વિસ્તારના અમારા જેવા બચ્યા ખૂચ્યા હિન્દુઓનું ભવિષ્ય બચી જાય.’
રાજ ઠાકરે પર આશા
લિંકન સોખડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતના સત્તાધારી અને વિરોધી પક્ષના નેતાઓ તેમ જ અમદાવાદ સુધરાઈના અધિકારીઓને ચંડોળા તળાવનું અતિક્રમણ દેખાતું નથી અથવા તેમનામાં ગેરકાયદે આવેલા મુસ્લિમોને હટાવવાની હિંમત નથી એવું લાગી રહ્યું છે. રાજ ઠાકરેએ જાહેરસભામાં હજારો લોકોની હાજરીમાં મુસલમાનો દ્વારા મસ્જિદો ઉપરનાં લાઉડસ્પીકરો, ગેરકાયદે મજાર અને મસ્જિદ બાંધવા સામે અવાજ ઉઠાવ્યો છે. હિન્દુઓના રક્ષણ માટે તેઓ ચંડોળા તળાવ વિશે એક ટ્વીટ પણ કરી દે તો કદાચ ગુજરાતના નેતાઓની ઊંઘ ઊડે અને હિન્દુઓએ દાણીલીમડા વિસ્તારમાં પલાયન થવામાંથી બચી શકાશે. મને આશા છે કે રાજ ઠાકરે આ વિશે કંઈક જવાબ તો આપશે.’
બંગલાદેશીઓ સામે કાર્યવાહી
દાણીલીમડા વિધાનસભામાંથી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા કૉન્ગ્રેસના વિધાનસભ્ય શૈલેશ પરમારે ચંડોળા તળાવમાં બંગલાદેશીઓનું અતિક્રમણ કેવી રીતે વધી ગયું એવા પ્રશ્નના જવાબમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચંડોળા તળાવને રાજ્યના સિંચાઈ વિભાગમાંથી અમદાવાદ સુધરાઈને સોંપવા માટેનો આદેશ વર્ષો પહેલાં આપવામાં આવ્યો હોવા છતાં સુધરાઈ દ્વારા હજી સુધી તળાવનો તાબો લેવાયો નથી. અહીં જેટલા પણ લોકો કાયદેસર રહે છે તેમને બીજા સ્થળે ખસેડીને આ તળાવનું રીડેવલપમેન્ટ કરવાની માગણી મેં કરી છે. અહીં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓ સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે.’
તળાવનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે
ચંડોળા તળાવમાં હજારોની સંખ્યામાં ગેરકાયદે મકાન અને દુકાનો બનાવાયાં હોવાનો આરોપ છે. એને દૂર કેમ નથી કરાતાં? આ વિશે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ શું થયું છે અને કેવી રીતે આટલી મોટી સંખ્યામાં તળાવના કિનારે અને અંદરના ભાગમાં મકાનો બની ગયાં છે એનો ખ્યાલ નથી. જોકે અમે ચંડોળા તળાવ રાજ્ય સરકાર પાસેથી હસ્તગત કરી લીધું છે એટલે એનું કાંકરિયા અને રિવરફ્રન્ટની જેમ રીડેવલપમેન્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ બાબતનો સર્વે સ્થાનિક જન પ્રતિનિધિઓ સાથે મળીને કરવાનું શરૂ પણ કરી દેવાયું છે. આથી નજીકના ભવિષ્યમાં ચંડોળા તળાવને મૂળ સ્વરૂપમાં લાવી દેવાશે અને એની આસપાસ બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે.’