ગુજરાતી કૉલેજિયન ઝઘડો જોવા ઊભો રહ્યો એટલે માર ખાવો પડ્યો, મોબાઈલ તોડી નખાયો અને હૉસ્ટિપટલ ભેગા થવું પડ્યું
પ્રતીકાત્મક તસવીર
બાંદરામાં રહેતો ૨૧ વર્ષનો કિશોર મિત્રો સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે રોડની એક સાઇડમાં અજાણ્યા લોકો એકબીજા સાથે લડી રહ્યા હતા, એ જોવા કિશોર ત્યાં ઊભો રહ્યો હતો. તેને જોઈ એકબીજા સાથે લડી રહેલી વ્યક્તિઓએ કિશોરને કેમ અહીં ઊભો છે એમ કહી તેની મારઝૂડ કરી હતી. એટલું જ નહીં, તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો. મારઝૂડ વધુ પ્રમાણમાં થઈ જતાં તરત જ કિશોરને નજીકમાં ઇલાજ માટે લઈ જવામાં આવ્યો હતો. બાંદરા-પશ્ચિમમાં ગણેશ મંદિર પાસે ખેરવાડી રોડ નજીકની એક સોસાયટીમાં રહેતો અને ડિગ્રી કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષના જયેશ દેવજી મકવાણાએ કરેલી ફરિયાદ અનુસાર ૩૦ ઑક્ટોબરે બપોરે તે મિત્ર સિમોન ફ્રાન્સિસ, રાજ શાહ અને રાજ બંસીવાલ સાથે ઘરે જઈ રહ્યો હતો એ સમયે જૉગર્સ પાર્ક પાસેથી પસાર થતી વખતે કેટલાક લોકો મારામારી કરી રહ્યા હતા એ જોવા જયેશ કેટલીક મિનિટ માટે ત્યાં ઊભો હતો ત્યારે ઝઘડો કરનારામાંથી એક વ્યક્તિએ કહ્યું હતું કે હમારે તરફ ક્યૂ દેખ રહા હૈ એમ કહી અપશબ્દો બોલવા લાગ્યો અને ફરિયાદી તથા તેના મિત્ર રાજને હાથ વડે માર માર્યો હતો. ફરિયાદીનો આઇફોન ૧૧ મોબાઇલને પણ હુમલાખોરોએ તોડી નાખ્યો હતો. એ સમયે મદદ માટે ત્યાંથી પસાર થઈ રહેલા પોલીસને બોલાવ્યા બાદ ફરિયાદીને ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી અક્ષય શંકરલાલ નિર્મલ અને આકાશ રવીન્દ્ર દીપકરની ધરપકડ કરાઈ હતી.
બાંદરા પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ નોંધી અમે બે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં રસ્તા પર ઝઘડો જોવા ઊભા રહેલા ફરિયાદીની મારઝૂડ થઈ હોવાનું સામે આવ્યું છે.’