આંબોલી પોલીસે થોડા કલાકની અંદર જ સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી ચોરને પકડીને મુદ્દામાલ કબજે કર્યો
Crime News
શોરૂમમાં રહેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં આરોપી હાથસફાઈ કઈ રીતે કરે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે
અંધેરી-વેસ્ટના લિન્ક રોડ ખાતે આવેલા જાણીતા જ્વેલરીના શોરૂમમાંથી સોના અને હીરાના કીમતી દાગીનાની ચોરી કરનાર આરોપીની આંબોલી પોલીસે થોડા કલાકમાં ફિલ્મી સ્ટાઇલમાં ધરપકડ કરી હતી. પોલીસે ૧૯ વર્ષના બ્રિજેશ રામજી બારિયા નામના ગુજરાતી આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી કૅરટેકર તરીકે કામ કરતો હતો.
આ બનાવ વિશે આંબોલી પોલીસે જણાવ્યું હતું કે ‘આરોપી બ્રિજેશ એક વૃદ્ધ મહિલા પાસે કામ કરતો હતો. આ મહિલા તેમના દીકરા સાથે ઘરેણાં ખરીદવા જાણીતા શોરૂમમાં ગયાં હતાં. એ વખતે બ્રિજેશ પણ તેમની સાથે ગયો હતો. ત્યાંનો સ્ટાફ દાગીના દેખાડવામાં વ્યસ્ત હતો ત્યારે આરોપીએ ૨,૪૧,૯૨,૬૬૦ રૂપિયાની કિંમતના સોના અને હીરાના દાગીનાની ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. ચોરીનો બનાવ ધ્યાનમાં આવતાં ફરિયાદી પરેશ ધનજીભાઈ પટેલનો વિગતવાર જવાબ નોંધ્યા બાદ આંબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. એ પછી ફરિયાદના આધારે આંબોલી પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે માત્ર થોડા કલાકમાં જ આરોપીની ધરપકડ કરીને ચોરીનો સમગ્ર માલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.’
ADVERTISEMENT
પોલીસે પકડી પાડેલો આરોપી
આંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બંડોપંત બન્સોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૃદ્ધ મહિલા અને તેમનો દીકરો એનઆરઆઇ છે અને તેઓ અમુક મહિને આવતા હોય છે. આ વૃદ્ધ મહિલાના દીકરાને પૅરૅલિસિસનો અટૅક આવતાં તે દિવ્યાંગ છે. તેની સંભાળ રાખવા માટે બ્રિજેશને રાખ્યો હતો. બ્રિજેશ વર્સોવાનો રહેવાસી છે. આ ઘટના ૨૨ ઑગસ્ટે બની હતી. અમને ફરિયાદ મળ્યાના થોડા સમયમાં પુરાવો મળતાં અને વધુ માહિતી ભેગી કરીને પોલીસની ટીમે ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી હતી. બ્રિજેશનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ નથી અને તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.’