રેલવેનું ફાટક ક્રૉસ કરી રહેલી વૈષ્ણવી રાવલને લોકોએ બૂમો પાડીને રોકવાની કોશિશ કરી, પણ કાનમાં ઇઅરફોન હોવાથી કોઈનું પણ સાંભળ્યા વિના તે આગળ નીકળી એમાં ટ્રેનની અડફેટે આવી ગઈ
ટીનેજર વૈષ્ણવી રાવલે વેસ્ટર્ન રેલવેમાં સફાળે અને કેળવે રોડ સ્ટેશનની વચ્ચે આવેલા આ ફાટક પર જીવ ગુમાવ્યો હતો.
ગુરુવારે બપોરે વેસ્ટર્ન રેલવેમાં સફાળે અને કેળવે રોડ રેલવે-સ્ટેશનની વચ્ચેના ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતાં ૧૬ વર્ષની ગુજરાતી ટીનેજર વૈષ્ણવી રાવલે જીવ ગુમાવ્યો હતો. પાલઘર રેલવે-પોલીસના ઇન્ચાર્જ સચિન ઇંગવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે ૧.૧૦ વાગ્યે માકણે ગામમાં રહેતી વૈષ્ણવી રાવલ સફાળે અને કેળવે રોડ રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા ફાટક પાસે પહોંચી હતી. ટ્રેન પસાર થવાની હતી એટલે ફાટક બંધ હતો, પરંતુ વૈષ્ણવી ફાટકની બાજુમાં જગ્યા હતી ત્યાંથી ટ્રૅક પર પહોંચી હતી. લોકોએ ટ્રેન આવતી હોવાથી વૈષ્ણવીને પાટાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. જોકે વૈષ્ણવીના કાનમાં ઇઅરફોન હોવાથી તે લોકોની બૂમ કે ટ્રેનનો અવાજ સાંભળી નહોતી શકી અને ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી વૈષ્ણવીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. વૈષ્ણવીનો પરિવાર ગુજરાતનો છે, થોડા સમય પહેલાં જ તેઓ માકણે ગામમાં રહેવા આવ્યાં હતાં. વૈષ્ણવી SSCમાં ભણતી હોવાનું તેના પિતાએ કહ્યું હતું.’