બોરીવલીના ગુજરાતી સિનિયર સિટિઝને પોતાના કાર્ડનો પાસવર્ડ લખીને રાખ્યો હોવાથી પર્સ ચોરી થતાં અકાઉન્ટમાંથી ૭૦,૦૦૦ રૂપિયા ઉપાડાઈ ગયા
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં રહેતા ૬૭ વર્ષના સિનિયર સિટિઝન શનિવારે સવારે બાંદરા ઑફિસ જવા માટે બોરીવલીથી ટ્રેનમાં ચડ્યા હતા. મલાડ રેલવે-સ્ટેશન આવતાં તેમને પોતાનું પર્સ ચોરી થયું હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ દસ જ મિનિટમાં તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી ૭૦,૦૦૦ રૂપિયા કોઈએ કઢાવી લીધા હોવાના મેસેજ આવ્યા હતા. ઘટનાની ફરિયાદ બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશને કરવામાં આવી હતી.
બોરીવલી-ઈસ્ટના દૌલતનગર વિસ્તારમાં રહેતા અને બાંદરાની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ૬૭ વર્ષના અશોક બલવંતરાય દેસાઈએ કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સવારે સાડાનવે પ્લૅટફૉર્મ ૪ પરથી ચર્ચગેટ ફાસ્ટ ટ્રેનમાં બાંદરા જવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. મલાડ રેલવે-સ્ટેશન આવતાં તેમને પર્સ ચોરી થયું હોવાની જાણ થઈ હતી. એકાએક તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી સાત ટ્રાન્જેક્શનથી ૭૦,૦૦૦ રૂપિયા વિધડ્રૉ થયા હોવાના મોબાઇલમાં મેસેજ પણ આવ્યા હતા. ઘટનાને ગંભીરતાથી લેતાં તરત બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશનમાં એની ફરિયાદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદીના પર્સમાં સાડાત્રણ હજાર રૂપિયા રોકડા હતા એ પણ ચોરાઈ ગયા હતા. પર્સમાં એટીએમ કાર્ડ સાથે એનો પાસવર્ડ પણ યાદ ન રહેતો હોવાથી લખી રાખ્યો હતો જે ચોરના હાથમાં આવી જતાં તેમના પૈસા એટીએમમાંથી કઢાવી લીધા હતા. જે એટીએમમાંથી પૈસા કાઢવામાં આવ્યા હતા એના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે.