માટુંગાની ૨૬ વર્ષની આન્વી કામદારનો રાયગડના કુંભે ધોધ પાસે પગ લપસ્યો, ૩૫૦ ફીટ નીચે પટકાયા બાદ છ કલાકે ગંભીર હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવી પણ પછી દમ તોડી દીધો : ઇન્સ્ટાગ્રામ પર ૨,૫૩,૦૦૦ ફૉલોઅર્સ
કુંભે વૉટરફૉલ અને એની પાસે મંગળવારે ૩૫૦ ફીટ નીચે પડેલી આન્વી કામદારને ખીણમાંથી ઉપર લઈ આવતી રેસ્કયુ ટીમ.
માટુંગામાં રહેતી ૨૬ વર્ષની ગુજરાતી રીલ-સ્ટાર, સોશ્યલ મીડિયાની ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર આન્વી કામદારે રાયગડના માણગાવમાં આવેલા કુંભે વૉટરફૉલ પાસે મંગળવારે ૩૫૦ ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખીણમાંથી આન્વીને ગંભીર હાલતમાં ઉપર લાવવામાં છ કલાક જેટલો સમય લાગ્યો હતો. એ સમયે વરસાદ પણ ખૂબ પડી રહ્યો હતો. ગંભીર ઈજાને લીધે ઉપર લાવ્યા બાદ આન્વીએ દમ તોડી દીધો હોવાનું રાયગડની માણગાવ પોલીસે જણાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર આન્વીના ૨,૫૩,૦૦૦ જેટલા ફૉલોઅર્સ છે.
પોલીસના જણાવ્યા મુજબ માટુંગા સેન્ટ્રલમાં રહેતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આન્વી તેના ૬ ફ્રેન્ડ્સ સાથે મંગળવારે વરસાદ એન્જૉય કરવા ગઈ હતી. માણગાવના કુંભે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પાસેના ધોધ પાસે બધા પહોંચ્યા હતા. પહાડની કૉર્નર પર તેઓ ચાલી રહ્યા હતા ત્યારે આન્વીનો પગ સ્લિપ થવાથી તે ૩૫૦ ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.