સ્કૂલના ૩૦૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રી-યુનિયન યોજીને એસએસસીના છેલ્લા બૅચને ફેરવેલ આપી
અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો
મુંબઈમાં ગુજરાતી મીડિયમની સ્કૂલો બંધ થવાનો સિલસિલો ચાલી રહ્યો છે એમાં હવે માટુંગામાં આવેલી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી સ્કૂલનો પણ સમાવેશ થયો છે. શનિવારે ગુજરાતી મીડિયમના એસએસસીના છેલ્લા બૅચને વિદાય આપવાની સાથે સ્કૂલનું ગુજરાતી મીડિયમ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ૭૫ વર્ષ જૂની અને એક સમયે ટાઉનની સૌથી પ્રખ્યાત સ્કૂલમાં ગુજરાતી મીડિયમ શિક્ષણનો અંત થયો છે. નવેક વર્ષ પહેલાં બાળમંદિરમાં માત્ર ત્રણ ગુજરાતી વિદ્યાર્થીના ઍડ્મિશન માટેની ઇન્કવાયરી આવી હતી. ત્રણ સ્ટુડન્ટથી ક્લાસ ન ચાલે એ માટે સ્કૂલે ગુજરાતી મીડિયમમાં નવા વિદ્યાર્થીઓ લેવાનું બંધ કરી દીધા બાદ તબક્કાવાર ઉપરનાં ધોરણો બંધ થવા લાગ્યાં હતાં.
માટુંગામાં આવેલી શ્રી ગુજરાતી કેળવણી મંડળ દ્વારા સંચાલિત અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયની શરૂઆત ૭૫ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. અહીં બાળમંદિરથી એસએસસી સુધી ગુજરાતી મીડિયમ ચાલતાં હતાં. એમાં માટુંગા, વડાલા, સાયન સહિતના આસપાસના વિસ્તારના ગુજરાતી પરિવારોનાં બાળકો ભણતાં હતાં. જોકે બાદમાં ગુજરાતીને બદલે ઇંગ્લિશના શિક્ષણની ડિમાન્ડ વધતાં ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થવા માંડ્યો હતો. આ સ્કૂલમાં આ વર્ષે માત્ર એસએસસીનો બૅચ જ હતો, જેમાં ૨૩ સ્ટુડન્ટ્સ હતા.
ADVERTISEMENT
ગુજરાતી મીડિયમ કેમ બંધ કરવું પડ્યું?
ગુજરાતી મીડિયમ સ્કૂલનાં પ્રિન્સિપાલ યોગિતા પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતી મીડિયમમાં આજે કોઈ પોતાના બાળકને શિક્ષણ આપવા નથી માગતું એટલે અહીં ઉત્તરોત્તર સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટવા માંડી હતી. નવેક વર્ષ પહેલાં તો બાળમંદિરમાં માત્ર ત્રણ પેરન્ટ્સે જ ગુજરાતી મીડિયમમાં રસ દાખવ્યો હતો. આટલા વિદ્યાર્થીથી ક્લાસ ન ચાલે એટલે મૅનેજમેન્ટે બાળમંદિરથી લઈને નવમા ધોરણ સુધીના ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે એસએસસીમાં ૨૩ સ્ટુડન્ટનો છેલ્લો બૅચ હતો. આ સાથે જ હવે અહીં ગુજરાતી મીડિયમ બંધ થઈ ગયું છે. જોકે સ્કૂલમાં સ્ટેટ બોર્ડ, સીબીએસઈ, આઇસીએસઈ અને આઇજી બોર્ડની ઇંગ્લિશ સ્કૂલ ચાલી રહી છે એ રાબેતા મુજબ ચાલતી રહેશે.’
૩૦૦ ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સે ફેરવેલ આપી
એસએસસી બોર્ડના સ્ટુડન્ટ્સને નવમા ધોરણના સ્ટુડન્ટ્સ દ્વારા ફેરવેલ આપવાની પરંપરા છે. જોકે આ સ્કૂલમાં નવમા ધોરણનો બૅચ જ નહોતો એટલે ફેરવેલ કોણ આપશે એવો સવાલ ઊભો થયો હતો. સ્કૂલના ગુજરાતી મીડિયમના ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સનો પ્લાન ૧૦ દિવસ પહેલાં તૈયાર કરીને તેમણે છેલ્લા એસએસસી બૅચને વિદાય આપવા માટે રી-યુનિયનનો પ્લાન કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સની એક ટીમે ૧૯૬૦થી ૨૦૨૩ સુધીના સાત દાયકાના ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સનો સંપર્ક કર્યો હતો. જોતજોતામાં ૩૦૦ જેટલા ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સનો સંપર્ક થઈ શક્યો હતો. ૧૯૬૦, ૧૯૭૦ અને ૧૯૭૩ના બૅચના કેટલાક સ્ટુડન્ટ્સ આ રી-યુનિયનમાં જોડાયા હતા. તેમણે રી-યુનિયનની સાથે વિદાઈ લઈ રહેલા છેલ્લા બૅચના સ્ટુડન્ટ્સને ગિફ્ટ આપવા સહિતનો ખર્ચ ઉપાડી લીધો હતો. વર્ષો બાદ પોતે જ્યાં ભણ્યા હતા એ સ્કૂલમાં આવ્યાના આનંદથી તેઓ ભાવવિભોર થઈ ગયા હતા.