Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આધાર બનવાના બહાને ૧૩૦ જણની ગેમ કરનારો સાડાત્રણ વર્ષે થયો અરેસ્ટ

આધાર બનવાના બહાને ૧૩૦ જણની ગેમ કરનારો સાડાત્રણ વર્ષે થયો અરેસ્ટ

Published : 04 January, 2023 09:31 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના નિર્દોષ લોકોની હેરાનગતિનો આવશે અંત?

આરોપી નવીન રાઠોડ અને તેણે કરેલા પરાક્રમનો ૭ ફેબ્રુઆરી,૨૦૨૧ના રોજ છપાયેલો ‘મિડ-ડે’નો અહેવાલ

આરોપી નવીન રાઠોડ અને તેણે કરેલા પરાક્રમનો ૭ ફેબ્રુઆરી,૨૦૨૧ના રોજ છપાયેલો ‘મિડ-ડે’નો અહેવાલ


પોતાના જ સમાજના લોકોને ભલું કરવાના નામે છેતરનારો નવીન રાઠોડ આખરે પકડાયો. આરોપીએ લોકોને પૅન કાર્ડ અને આધારની સામે પાંચ હજાર રૂપિયા આપવાની લાલચ આપી અને એના આધારે ડીમૅટ અકાઉન્ટ ખોલાવીને એમાં લાખો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન કર્યાં હોવાથી મોટા ભાગના લોકોને ઇન્કમ-ટૅક્સની નોટિસ આવી હતી. એટલું જ નહીં, ટૅક્સ ન ભરતાં આઇટીએ ઘણા લોકોનાં બૅન્ક-અકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરી દીધાં હતાં


છેલ્લાં સાડાત્રણ વર્ષથી હેરાનગતિનો સામનો કરી રહેલા મુલુંડમાં રહેતા શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના ૧૩૦ લોકોએ તેમને તકલીફમાં મૂકનાર સમાજની જ વ્યક્તિની ધરપકડ થતાં રાહતનો શ્વાસ લીધો છે અને તેમને હવે ‌લાગે છે કે તેમની તકલીફ દૂર થશે.



સમાજના ૧૩૦ લોકોને સમાજના જ એક યુવાને આધાર કાર્ડ અને પૅન કાર્ડ આપી એના બદલામાં પાંચ હજાર રૂપિયા કમાવા માટેની લાલચ આપી હતી. તેના પર વિશ્વાસ કરીને તમામ લોકોએ પોતાના ડૉક્યુમેન્ટ્સ આપ્યા હતા. આરોપી યુવાને તમામના નામે ડીમૅટ અકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન કર્યાં હતાં જેના માટે ટૅક્સ ભરવાની નોટિસો સમાજના લોકોને મળતાં તેમને પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ હતી. ઇન્કમ-ટૅક્સની નોટિસોના પૈસા ન ભરતાં શરૂઆતમાં ૮૦ લોકોનાં બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં જે આંકડો અત્યારે ૧૭ પર પહોંચ્યો છે. આ લોકોને પહેલાં ઇન્કમ-ટૅક્સની નોટિસ મળતાં અને ત્યાર બાદ તેમનાં અકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતાં તેમની જિંદગી અટકી ગઈ હતી.


સમાજના કેટલાક સભ્યોને ૨૦૧૦માં શરૂ કરાયેલા ડીમેટ અકાઉન્ટમાં થયેલા વ્યવહારની ટૅક્સ-ચુકવણી વિશેની નોટિસો આવી હતી. એમાં તેમના નામે લાખો રૂપિયાનો ટૅક્સ ભરવાનું આવતાં તેઓ ચોંકી ગયા હતા. એમાંના કેટલાક લોકોનાં પૅન કાર્ડ બૅન્ક સાથે લિન્ક હોવાને કારણે ઇન્કમ-ટૅક્સ વિભાગે તેઓ જ્યાં સુધી ટૅક્સ ન ભરે ત્યાં સુધી તેમનાં અકા‌ઉન્ટ ફ્રીઝ કરી દીધાં હતાં. પ્રાથમિક નોટિસ મળેલા ૧૬ પીડિતોની ફરિયાદના આધારે મુલુંડ પોલીસે ૨૦૧૯માં આરોપી નવીન રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. આરોપી નવીન રાઠોડે ૨૦૧૦માં સમાજ આધારિત યોજના સાથે સમાજનો સંપર્ક કર્યો હતો જ્યાં તમામ સભ્યોએ વિવિધ બૅન્કોમાં અકાઉન્ટ ખોલવાનું હતું. એના દ્વારા ટૅક્સ રિટર્ન ફાઇલ કરી વર્ષના અંતે તેણે દરેક સભ્યને પાંચ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. એ માટે તેણે સમાજના લોકો પાસેથી આધાર કાર્ડ અને પૅન કાર્ડની વિગતો મેળવી હતી અને એનો ઉપયોગ તેમના નામે ડીમૅટ અકાઉન્ટ ખોલવા માટે કર્યો હતો. આરોપી નવીને કથિત રીતે જંગી રકમ ખાતામાં નાખીને એ પૈસાનો ઉપયોગ સ્ટૉકમાર્કેટ માટે કર્યો હતો. પરિણામે સમાજના લોકોને ઇન્કમ-ટૅક્સ તરફથી ટૅક્સ ભરવા માટેની નોટિસો આવી હતી. આરોપી નવીન રાઠોડે સમાજનું ભલું કરવાના નામે સમાજના મેમ્બરો પાસેથી આધાર કાર્ડ અને પૅન કાર્ડની કૉપી લીધી હતી. આરોપી ઓછા ભણેલા લોકોને જ ટાર્ગેટ કરતો હતો.

મુલુંડ પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ-ઇન્સ્પેક્ટર ભૂષણ ડાયમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ ૧૩૦ લોકોના નામે ડીમૅટ અને બૅન્ક-અકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેની સામે ફરિયાદ નોંધાતાં તેણે મુંબઈ હાઈ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજીઓ કરી હતી. તમામ કોર્ટે તેની અરજીઓ ફગાવી દીધી હતી એટલે તપાસના ભાગરૂપે અમે તેની ધરપકડ કરી છે. આરોપીએ પૈસા ક્યાં વાપર્યા એની તપાસ હાથ ધરાઈ છે. આ ગુનામાં વધુ આરોપીઓ સામેલ હોવાની શક્યતાઓ છે જેમની અમે તપાસ કરીને ધરપકડ કરીશું.’


મુંબઈ ક્ષત્રિય કચ્છી રાજપૂત સમાજના પ્રમુખ જિતુ મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવીન અમારા સમાજનો જ છે. તેણે સમાજના નાના વર્ગના લોકોને પૈસાની લાલચ આપી તેમની પાસેથી ડૉક્યુમેન્ટ્સ મેળવીને છેતરપિંડી કરી હતી. સમાજના લોકોને ઇન્કમ-ટૅક્સની નોટિસો મળી ત્યારે તેમને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાઈ હતી. ત્યાર બાદ અમે નવીન સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સમાજના કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાના બૅન્ક-અકાઉન્ટમાં પડેલા પૈસા નથી કાઢી શકતા, કારણ કે નવીને કરેલી છેતરપિંડીને કારણે કોઈ પણ ગુના વગર તેમનાં અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. પોલીસે ભલે આ કાર્યવાહી માટે વાર લગાડી, પણ હજી પણ પોલીસ પર અમારો વિશ્વાસ છે કે તેઓ અમારા સમાજના નાગરિકોને ન્યાય અપાવશે.’

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 09:31 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK