પોલીસે નોકરાણીની ધરપકડ કરીને વધુ તપાસ કરતાં નોકરાણીએ દાવો કર્યો હતો કે તેના પંચાવન વર્ષના માલિકે પત્નીની ગેરહાજરીમાં બે વાર તેના પર બળાત્કાર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
પરેલની એક હાઇરાઇઝ સોસાયટીમાં રહેતા ગુજરાતી પરિવારના ઘરમાં કામ કરતી ૨૭ વર્ષની નોકરાણીએ ૧.૨૫ લાખ રૂપિયાની માલમતા ચોરી હોવાનો દાવો કરીને બાવન વર્ષની ગુજરાતી શેઠાણીએ તેની સામે કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે નોકરાણીની ધરપકડ કરીને વધુ તપાસ કરતાં નોકરાણીએ દાવો કર્યો હતો કે તેના પંચાવન વર્ષના માલિકે પત્નીની ગેરહાજરીમાં બે વાર તેના પર બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં, તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ માહિતી સામે આવ્યા બાદ પોલીસે નોકરાણીની ફરિયાદ પર ગુજરાતી માલિક સામે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શનિવારે સાંજે નોકરાણીને ચોરી કરતાં રંગેહાથ પકડી લીધા બાદ તેની સામે શેઠાણીએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી એમ જણાવતાં કાલાચૌકી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતી પરિવારે ૨૭ વર્ષની નોકરાણીને ફેબ્રુઆરી મહિનામાં ૮૦૦૦ રૂપિયાના પગાર પર કામ પર રાખી હતી. ત્યાર પછી ઘરમાં અવારનવાર ચોરી થતી હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. શનિવારે નોકરાણી રસોડામાં કામ કરી રહી હતી ત્યારે શેઠાણી પોતાના બેડરૂમમાં ફોન પર વાત કરી હતી. એ દરમ્યાન તે ફોન પર વાત કરતાં-કરતાં બહાર આવીને બીજા બેડરૂમમાં ગઈ ત્યારે નોકરાણી બેડરૂમમાં જઈને કબાટમાંથી દાગીના કાઢવાની કોશિશ કરી રહી હતી. એ વખતે શેઠાણીએ તેને પકડીને આ ઘટનાની જાણ પોલીસને કરતાં ૧.૨૫ લાખ રૂપિયાના દાગીના ચોરવા બદલ નોકરાણીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.’
ADVERTISEMENT
અમારી કસ્ટડીમાં નોકરાણીની પૂછપરછ કરતી વખતે તેણે ૧૫,૦૦૦ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરવા ઉપરાંત તેના માલિકે તેના પર બે વાર બળાત્કાર કર્યો હોવાની માહિતી આપી હતી એમ જણાવતાં ભોઈવાડા ડિવિઝનનાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર કલ્પના ગાડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાતમી જુલાઈએ બપોરે પત્ની કોઈ કામથી બહાર ગઈ હતી ત્યારે માલિકે તેના પર બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં, ૧૮ જુલાઈએ પણ તે ઘરમાં નહોતી ત્યારે માલિકે તેના પર બળાત્કાર કર્યો હતો. આ સમયે નોકરાણીએ વિરોધ કર્યો ત્યારે માલિકે તેને કહ્યું હતું કે જો તું કોઈને આ વાત કહીશ તો તારા પર કોઈ વિશ્વાસ નહીં કરે અને આ વાત સામે આવી તો તારા પતિને હું મરાવી નાખીશ. આ ડરથી નોકરાણીએ પોતાની સાથે બનેલી ઘટના વિશે કોઈને કહ્યું નહોતું. આ બધું બહાર આવ્યા બાદ અમે વધુ તપાસ શરૂ કરી છે. નોકરાણીનો પતિ પણ આ જ પરિવારના ઘરે ડ્રાઇવર છે. તેને આ બધાની કોઈ માહિતી હતી કે શું એ અમે તપાસી રહ્યા છીએ.’
નોકરાણીના સ્ટેટમેન્ટ પ્રમાણે અમે ફરિયાદ નોંધી છે. જોકે તેણે ધરપકડ થયા બાદ આ તમામ માહિતી આપી હતી એટલે તેણે કરેલા આરોપમાં કેટલી સચ્ચાઈ છે એ જાણ્યા બાદ અમે આરોપીની ધરપકડ કરીશું. - પ્રશાંત કદમ, ડેપ્યુટી પોલીસ-કમિશનર, ઝોન ચાર