લગ્નનાં પાંચ વર્ષ બાદ પ્રાચી પટેલે કંટાળીને ગળે ફાંસો ખાધો હોવાનો પરિવારનો આરોપ: પોલીસે કરી પતિની ધરપકડ
પ્રાચી પટેલ, કેવલ પટેલ
મુલુંડ-વેસ્ટના બીપીએસ કમ્પાઉન્ડમાં આવેલા નિષ્ઠા અપાર્ટમેન્ટમાં રહેતી અને ડિજિટલ માર્કેટિંગ કંપનીમાં નોકરી કરતી ૨૮ વર્ષની પ્રાચી પટેલે ૧૯ નવેમ્બરે મોડી રાતના તેના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટાથી લટકીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે પ્રાચીની બહેન ક્રિષ્નીએ સોમવારે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં એની ફરિયાદ કરતાં પોલીસે પ્રાચીના પતિ કેવલ પટેલની ધરપકડ કરી છે. પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદમાં પ્રાચીને તેનાં પતિ અને સાસરિયાં સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાથી તેણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાડવામાં
આવ્યો છે.
આ બાબતની માહિતી આપતાં પ્રાચીના મામા વિપુલ ભાવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાચી તેનાં મમ્મી-પપ્પા સાથે મલાડમાં રહેતી હતી. ત્યાં તેને પારિવારિક પ્રસંગોમાં મળતા કેવલ સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને પરિવારો એકબીજાને જાણતા હોવાથી અમે પ્રાચીના કેવલ સાથે ૨૦૧૯ની ૨૦ નવેમ્બરે લગ્ન કરાવી આપ્યાં હતાં. પ્રાચી ગ્રેજયુએટ હતી, જ્યારે કેવલનો બિલ્ડિંગ કૉન્ટ્રૅક્ટરનો બિઝનેસ છે. પ્રાચી ભણેલી હોવાથી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. પ્રાચીને નાનપણથી સારાં કપડાં પહેરવાનો અને તૈયાર થવાનો શોખ હતો. કેવલને પ્રાચી મલાડના તેના કોઈ મિત્રો કે પાડોશીઓ સાથે વાતચીત કરતી એ પણ ગમતું નહોતું. ધીરે-ધીરે કેવલ અને તેનાં માતા-પિતા પ્રાચીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં. પ્રાચી તેને આપવામાં આવતો ત્રાસ અને તેના જીવન વિશેની માહિતી રોજ એક ડાયરીમાં લખતી હતી એટલું જ નહીં, તે તેની બહેન અને બહેનપણીઓને પણ આના વિશે વાત કરતી હતી, પરંતુ માતા-પિતા દુખી ન થાય એટલે તે તેમને ક્યારેય આ બાબતે કંઈ કહેતી નહોતી. આ બધી જ માહિતી અમને તેના મૃત્યુના બારમા-તેરમાની વિધિ પછી પોલીસને મળેલી તેની ડાયરીમાંથી જાણવા મળી હતી.’
ADVERTISEMENT
જે દિવસે પ્રાચીએ આત્મહત્યા કરી એ દિવસની માહિતી આપતાં વિપુલ ભાવાણીએ કહ્યું હતું કે ‘રાતના ૧૨ વાગ્યે પ્રાચીના સસરા વિનેશ પટેલે મારી બહેન અને પ્રાચીની મમ્મી શર્મિલાબહેનને ફોન કરીને કહ્યું હતું કે પ્રાચી ક્યારની રૂમ બંધ કરીને બેઠી છે, અમારી અનેક કોશિશ પછી પણ દરવાજો ખોલતી નથી. અમારા પરિવારે અનેક ફોન કર્યા છતાં પ્રાચીએ ફોન ન ઉપાડ્યો. આથી અમે મુલુંડ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે કેવલના કાકાએ અમને કહ્યું હતું કે દરવાજો તોડીને અમે જોયું તો પ્રાચીએ પંખા સાથે લટકીને ફાંસો ખાઈ લીધો હતો. પ્રાચી તેના બેડ પર બેભાન હાલતમાં હોય એવી રીતે ગળામાં દુપટ્ટા સાથે પડેલી હતી. પોલીસ આવીને તેને હૉસ્પિટલમાં લઈ ગઈ જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અમે તેના આત્માની શાંતિ માટે પહેલાં અંતિમસંસ્કાર અને બારમા-તેરમાની વિધિ પૂરી કરીને પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાચીને રોજ ડાયરી લખવાની આદત હતી એમાં તેણે તેના મૃત્યુ માટે તેનો પતિ કેવલ જવાબદાર છે એવું સ્પષ્ટ લખ્યું છે.’
પ્રાચીની બહેનની ફરિયાદ પછી અમે કેવલ, તેનાં પિતા વિનેશ અને માતા રમીલાબહેનને પોલીસ-સ્ટેશનમાં લાવ્યાં હતાં એમ જણાવતાં આ કેસની તપાસ કરી રહેલા મુલુંડ પોલીસ-સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘અમે કેવલની ધરપકડ કરી છે અને તેનાં મમ્મી-પપ્પાને મેડિકલ ગ્રાઉન્ડ પર અત્યારે ઘરે જવા દીધાં છે. આત્મહત્યાના દિવસે જ અમારા હાથમાં પ્રાચીના હાથે લખાયેલી ડાયરી હાથ લાગી હતી જેમાં પ્રાચી રોજનીશી લખતી હતી. એમાં તેણે તેના મૃત્યુ માટે તેનો પતિ જવાબદાર હોવાનું લખ્યું છે, પણ ડાયરીમાં કોઈ તારીખ ન હોવાથી અમે આ બાબતની વધુ તપાસ કરી રહ્યા છીએ.’