પહેલી સર્જરીમાં ઑન્કોસર્જરી અને યુરોલૉજીના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની ટીમે ટ્યુમરને શરીરના મહત્વના અવયવોથી દૂર કરી હતી
દર્દી સાથે ડૉક્ટર
પહેલી સર્જરીમાં ઑન્કોસર્જરી અને યુરોલૉજીના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની ટીમે ટ્યુમરને શરીરના મહત્વના અવયવોથી દૂર કરી હતી. બીજામાં ટ્યુમરને દરદીના શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યું અને ત્રીજી સર્જરીમાં મહત્ત્વનાં અંગોને ફરીથી રૉડ અને સ્ક્રૂથી જોડવામાં આવ્યાં હતાં. ત્રણ તબક્કામાં પાર પાડવામાં આવેલી આ સર્જરી દરમ્યાન પેશન્ટને પાંચ દિવસ સુધી ઍનેસ્થેસિયામાં રાખવામાં આવ્યો હતો
બે લિટર લિક્વિડ અને મસલ સાથેનું ટ્યુમર પગમાં થવાથી ઈસ્ટ આફ્રિકાના ૨૪ વર્ષના દરદીને સૂવા અને ચાલવામાં મુશ્કેલી થતી હતી. એટલું જ નહીં, દરદીને ૨૦૧૭થી સખત દુખાવો થતો હતો એટલે તેના માટે જીવવાનું મુશ્કેલ બની ગયું હતું. આ દરદીને પીડામુક્ત કરવામાં મુંબઈના ડૉક્ટરે પાંચ દિવસ સુધી તેને ઍનેસ્થેસિયામાં રાખીને ત્રણ તબક્કામાં સર્જરી કરી હતી. ગયા સોમવારે શરૂ થયેલી સર્જરી શુક્રવારે પૂરી થઈ હતી. સર્જરી થયા બાદ દરદી હવે વ્હીલચૅરમાં બેસી શકે છે અને ઊંઘી પણ શકે છે. આ ટ્યુમર રૅર હતું એટલે એની સર્જરી કરવામાં પાંચ દિવસ લાગ્યા હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.
ADVERTISEMENT
ઈસ્ટ આફ્રિકાના મડાગાસ્કરમાં રહેતા ૨૪ વર્ષના યુવાન તફિતા ફનાન્બિનેસ્ટોને ૨૦૧૭થી રૅર કહી શકાય એવું સ્પાઇનલ ટ્યુમર હતું, જે કરોડરજ્જુના ૧૦માં લેવલ સુધી ફેલાયેલું હતું. આથી તેને સખત દુખાવો થતો હતો અને સૂવાની સાથે બેસવામાં પણ મુશ્કેલી થતી હતી. ૨૦૧૭થી તેને ટ્યુમરની તકલીફ શરૂ થઈ હતી. જોકે વચ્ચે કોવિડ મહામારી આવી જતાં તેની સારવાર કરવાનું મુશ્કેલ બનતાં ટ્યુમર ખૂબ જ વધી ગયું હતું. આથી મડાગાસ્કરની સરકારના સહયોગથી દરદીને અંધેરીમાં આવેલી કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં સર્જરી કરવા માટે મોકલ્યો હતો.
કોકિલાબેન અંબાણી હૉસ્પિટલ સાથે સંકળાયેલા ઑર્થોપેડિક ઑન્કોસર્જ્યન ડૉ. મનીત ગુંદવડાની આગેવાનીમાં ટ્યુમરની સર્જરી કરવામાં આવી હતી. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ખૂબ જ રૅર અને મોટું કહી શકાય એવું ટ્યુમર હતું. કરોડરજ્જુના છેડાથી શરૂ થયેલા ટ્યુમરે પગના હલનચલન માટેના અવયવોને કવર કરી લીધા હતા એટલે દરદી માટે બેસવું કે ઊંઘવું મુશ્કેલ બની ગયું હતું. એટલું જ નહીં, બ્રેઇન મેટાબૉલિઝમ અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડના ફ્લોને ટ્યુમર અવરોધતું હતું.’
ત્રણ સર્જરી પ્લાન કરાઈ
દરદી તફિતાને જુલાઈ મહિનામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ડૉ. મનીત ગુંદવડાની દેખરેખ હેઠળ ન્યુરોસર્જરી અને સર્જરી વિભાગના ડૉક્ટરોએ ઑપરેશન કરવા માટે પાંચ દિવસમાં આઠ-આઠ કલાકનાં ત્રણ સેશનમાં સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશે ડૉ. મનીત ગુંદવડાએ કહ્યું હતું કે ‘પહેલી સર્જરીમાં ઑન્કોસર્જરી અને યુરોલૉજીના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની ટીમે શરીરના મહત્ત્વના અવયવો સહિત બીજાં આંતરિક અંગોથી ટ્યુમરને દૂર કરી હતી. બીજી સર્જરીમાં ટ્યુમરને દરદીના શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યું. ત્રીજી સર્જરીમાં મહત્ત્વનાં અંગોને ફરીથી રૉડ અને સ્ક્રૂથી જોડવામાં આવ્યાં હતાં. ત્રણેય સર્જરી આઠ-આઠ કલાક ચાલી હતી.’
દરદીને પાંચ દિવસ બેહોશ રખાયો
પાંચ દિવસ સુધી લાંબી સર્જરી કેવી રીતે પાર પાડવામાં આવી એ વિશે ડૉ. મનીત ગુંદવડાએ કહ્યું હતું કે ‘આટલી લાંબી અને મોટી સર્જરી એકસાથે કરવી મુશ્કેલ છે. દરદીનું શરીર પાંચ દિવસ સુધી વાઢકાપ સહન જ ન કરી શકે. આથી અમે એક સર્જરી કર્યા બાદ દરદીને આઇસીયુમાં મૂકીને તેને ઍનેસ્થેસિયા આપ્યો હતો જેથી પીડા ન થાય. શરીરને થોડો આરામ મળ્યા બાદ બીજી સર્જરી અને એ પછી ત્રીજી સર્જરી કરી હતી. ત્રણ ભાગમાં સર્જરી કરવાથી અમને આ સફળતા મળી છે. આ સર્જરીમાં ૩૦ બૉટલ બ્લડ વપરાયું હતું.’
દરદી ચાલી શકે છે
મેજર સર્જરી કર્યા બાદ તફિતા હવે કોઈની મદદ વિના પલંગમાં બેસી શકે છે. ટ્યુમર કાઢી નખાયું છે એટલે તેને હવે પીડા પણ નથી થતી. જોકે તેના શરીરના નીચેના ભાગમાં હજી બહુ સેન્સેશન નથી એટલે તે વ્હીલચૅર અને વૉકરની મદદથી ચાલી શકે છે.
ઘરે બેસીને સ્ટડી પૂરી કરી
૨૦૧૭માં તફિતા સ્કૂલ પૂરી કરીને ફાઇનૅન્સનો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે પહેલી વખત દુખાવો થયો હતો. બાયોપ્સી કરાવ્યા બાદ ટ્યુમર હોવાનું જણાયું હતું. જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે ધ્યાન નહોતું આપ્યું. બાદમાં ચાલવામાં તકલીફ થવા લાગતાં તેણે ઘરે બેસીને સ્ટડી પૂરી કરી હતી અને પછી ટ્રેડિંગ કંપનીમાં વર્ક ફ્રૉમ હોમ જૉબ શરૂ કર્યો હતો. તેના ભાઈને બીમારીની જાણ થયા બાદ તેણે સરકારી હેલ્થ પ્રોગ્રામની તપાસ કરી હતી, પરંતુ એમાં ખાસ મદદ મળી શકે એમ ન લાગતાં તેણે બીજા વિકલ્પોની મદદથી કોકિલાબેન હૉસ્પિટલમાં તફિતાની સારવાર કરવાનો નિર્ણય લીધો હતો.