જાલનામાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયેલો નાલાસોપારાનો વિજય પટેલ બૅટિંગ કરવા ક્રીઝ તરફ જઈ રહ્યો હતો ત્યારે ફસડાઈ પડ્યો
ફસડાઈ પડેલા વિજય પટેલને મદદ કરવા પહોંચી ગયેલા સાથી-ખેલાડીઓ.
કોરોના પછી ક્રિકેટ કે અન્ય કોઈ ગેમ રમતી વખતે કે પછી જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે યુવાનોને અચાનક જ હાર્ટ-અટૅક આવી રહ્યા છે અને એ એટલો સિવિયર હોય છે કે તેમનાં મૃત્યુ થઈ જતાં હોય છે. ગઈ કાલે પણ આવી જ એક ઘટના નાલાસોપારાના ગુજરાતી યુવાન વિજય પટેલ સાથે જાલનામાં બની હતી.
ADVERTISEMENT
ક્રિકેટ રમતાં પિચ પર ફસડાઈ પડેલો વિજય પટેલ.
નાલાસોપારામાં રહેતો ૩૨ વર્ષનો વિજય પટેલ જાલનામાં આયોજિત કરાયેલી ક્રિસમસ ટ્રોફી ટુર્નામેન્ટ રમવા ગયો હતો. ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે જાલનાના ડૉ. ફ્રેઝર બૉય્ઝ સ્કૂલના ગ્રાઉન્ડ પર આયોજિત કરાયેલી ટુર્નામેન્ટમાં તે બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવર પૂરી થયા બાદ તે પોતાના સાથી-બૅટર સાથે વાત કરીને ક્રીઝ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ ફસડાઈ પડ્યો હતો. તેની હાલત જોઈને તરત જ બધા ખેલાડીઓ ભેગા થઈ ગયા હતા. તેને CPR આપી રીવાઇવ કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ એ બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને વિજય પટેલનું પિચ પર જ મૃત્યુ થયું હતું. ગઈ કાલે આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો.