૧૯૪૮થી ૧૯૭૪ દરમ્યાન તેમણે ભારતની ૨૦ ભાષાઓમાં ૨૫,૦૦૦થી વધુ ગીતો ગાયાં હોવાનો આ રેકૉર્ડ હતો
લતા મંગેશકર
લતા મંગેશકરને લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં કન્ટ્રોવર્સી થઈ હતી. તેમણે ૨૦થી વધુ ભાષામાં ૨૫,૦૦૦થી વધુ ગીતો ગાયાં હતાં. આ ગીતોમાં સોલો, ડ્યુએટ અને કોરસનો પણ સમાવેશ છે. ૧૯૭૪માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તેમના નામનો સમાવેશ રેકૉર્ડહોલ્ડર તરીકે કરવામાં આવ્યો હતો. ૧૯૪૮થી ૧૯૭૪ દરમ્યાન તેમણે ભારતની ૨૦ ભાષાઓમાં ૨૫,૦૦૦થી વધુ ગીતો ગાયાં હોવાનો આ રેકૉર્ડ હતો. જોકે એ વખતે તેમને મોહમ્મદ રફીએ ટક્કર આપી હતી. તેમનો દાવો હતો કે તેમણે ૨૮,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે. મોહમ્મદ રફીના મૃત્યુ બાદ ૧૯૮૪ના બુકના એડિશનમાં તેમણે ફરી લતા મંગેશકરના નામનો સમાવેશ કર્યો હતો અને એ વખતે મોહમ્મદ રફીએ કરેલા દાવાનો પણ એમાં સમાવેશ કર્યો હતો. આ એડિશનમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ૧૯૪૮થી લઈને ૧૯૮૭ સુધી લતા મંગેશકરે ૩૦,૦૦૦થી વધુ ગીતો ગાયાં હતાં. ૧૯૯૧માં લતાજીની આ એન્ટ્રીને કાઢી નાખવામાં આવી હતી. તેમણે આ વિશે કોઈ કારણ નહોતું આપ્યું. કેટલાક લોકોનું કહેવું છે કે તેમણે ૫૦,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે, પરંતુ કેટલાક એવા લોકો પણ હતા જેમણે કહ્યું હતું કે લતા મંગેશકરે ૧૯૯૧ સુધી ફક્ત ૫૦૨૫ ગીતો ગાયાં છે. આ વિશે જ્યારે લતા મંગેશકરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ દિવસ મેં કેટલાં ગીતો ગાયાં છે એનો રેકૉર્ડ નથી રાખ્યો. લતા મંગેશકરને પણ જાણકારી નહોતી કે આ બુકના એડિટર્સને આવી જાણકારી ક્યાંથી મળી. જોકે ૨૦૧૧માં આ રેકૉર્ડ તેમની બહેન આશા ભોસલેના નામે કરવામાં આવ્યો હતો. તેમણે ૧૯૪૭થી ૧૧,૦૦૦ સોલો, ડ્યુએટ અને કોરસ ગીતો ગાયાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. ૨૦૧૬થી આ રેકૉર્ડ પી. સુશીલા પાસે છે, જેમણે અત્યાર સુધી ૬ ભાષામાં ૧૭,૬૯૫ ગીતો ગાયાં હોવાનું જણાવ્યું છે.