નવી મુંબઈ એપીએમસી પોલીસ-સ્ટેશનના સહયોગથી વેપારીઓ સાથે થઈ રહેલી છેતરપિંડી અને ગેરરીતિઓ સામે જાગરૂકતા લાવવા માટે પોલીસ તરફથી આપવામાં આવ્યું માર્ગદર્શન
ગ્રોમા સંસ્થા દ્વારા યોજાયેલા ‘જાગરૂક નવી મુંબઈકર અભિયાન’ અંતર્ગત સેમિનારમાં ગ્રોમાના પદાધિકારીઓ અને પોલીસ-અધિકારીઓ
નવી મુંબઈની એપીએમસી માર્કેટના દાણાબજારની ગ્રોમા સંસ્થા દ્વારા દાણાબજારના વેપારીઓ અને દલાલો સાથે અવારનવાર થતી છેતરપિંડી અને ગેરરીતિ વિશે જાગરૂકતા લાવવા અને વેપારીઓને માર્ગદર્શન આપવા માટે એક ખાસ સેમિનાર ગ્રોમા સંસ્થા દ્વારા નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનના સહયોગથી શનિવારે બપોરે ૩થી ૫ વાગ્યા સુધી નવી મુંબઈના વાશીમાં આવેલી ગ્રોમા સંસ્થાના વેલજી લખમશી નપુ -ગ્રોમા હૉલમાં યોજવામાં આવ્યો હતો. આ સેમિનારને મોટા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડ્યો હતો.
આ સેમિનારના મુખ્ય વિષયોની માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિવેન્શન ઑફ ઑનલાઇન બૅન્કિંગ ફ્રૉડ, પ્રિવેન્શન ઑફ ઇકૉનૉમિક્સ ફ્રૉડ, જનરલ પોલિસિંગ ટિપ્સ અને ઇન્ફર્મેશન વગેરે હતા. દાણાબજારના વેપારીઓ અને દલાલ-ભાઈઓ સાથે યેનકેન રીતે છેતરપિંડી અને ગેરરીતિ અપનાવવામાં આવતી હોય છે. તેમ જ ખોટી રીતે નાણાંની ઉચાપત કરવામાં આવે છે, જેમ કે માલ લેતી વખતે ઘરાક સરનામું કલ્યાણનું આપે છે અને પરંતુ માલ કુર્લાના કોઈ એરિયામાં ઉતારવામાં આવે છે. આવાં તો અનેક ઉદાહરણો છે.’
ADVERTISEMENT
ભીમજી ભાનુશાલીએ વધુમાં ક્હ્યું હતું કે ‘છેતરપિંડી અને ગેરરીતિ વિષય ઉપર વેપારીઓ તથા દલાલ ભાઈઓને વધુ સતર્ક બનાવવા માટે આ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ-અધિકારી અને સાઇબર ગુના અને સુરક્ષા વિશેષજ્ઞ ડૉ. વિશાલ માને તેમ જ એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી અજય શિંદેએ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને એનાથી બચવાના ઉપાયો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેનો ગ્રોમા સંસ્થાના વેપારીઓ અને દલાલ ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.’
આ સેમિનારમાં ગ્રોમા સંસ્થાના ઉપપ્રમુખ મહેન્દ્ર ગજરા, અમૃતલાલ જૈન, જયંત ગંગર, મનીષ દાવડા, એપીએમસીના સદસ્ય નીલેશ વીરા તેમ જ અનેક પોલીસ-અધિકારીઓ હાજર રહ્યા હતા.