પાર્વતી મૅન્શનના પહેલા માળે રહેતી ચેતન ગાલાની દીકરીની મિત્ર અને ફર્સ્ટ યર સાયન્સમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની જેનિલ બ્રહ્મભટ્ટ અવસાન પામી એનો ચેતનને ખૂબ જ અફસોસ છે
જેનિલની અંતિમયાત્રામાં ભેેગા થયેલા લોકો.
ચેતન ગાલાને અફસોસ જેનિલને મારવાનો, તો પાડોશીઓને જેનિલને બચાવી ન શકવાનો
સાઉથ મુંબઈના ગ્રાન્ટ રોડમાં પારિવારિક ઝઘડામાં ક્રોધના આવેશમાં આવીને પાંચ જણ પર છરાથી હુમલો કરીને ત્રણ જણને પરધામ પહોંચાડનાર પાર્વતી મૅન્શનના અત્યારે જેલમાં રહેલા ચેતન ગાલાને માત્ર એક વાતનો અફસોસ છે. આ હુમલામાં પાર્વતી મૅન્શનના પહેલા માળે રહેતી તેની દીકરીની મિત્ર અને ફર્સ્ટ યર સાયન્સમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની જેનિલ બ્રહ્મભટ્ટ અવસાન પામી એનો તેને ખૂબ જ અફસોસ છે. પાડોશી અંજુ પવારે શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યા પછી પાર્વતી મૅન્શનમાં બનેલા આખા ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આખા હત્યાકાંડની શરૂઆત પાર્વતી મૅન્શનમાં છેલ્લાં ૧૫ વર્ષથી રહેતા ચેતન ગાલા અને તેના પરિવારના આંતરિક ઝઘડામાંથી થઈ હતી.
ADVERTISEMENT
પાર્વતી મૅન્શનના પહેલા માળે રહેતી ચેતન ગાલાની દીકરીની મિત્ર અને ફર્સ્ટ યર સાયન્સમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની જેનિલ બ્રહ્મભટ્ટ અવસાન પામી એનો ચેતનને ખૂબ જ અફસોસ છે. આવો જ અફસોસ પહેલા માળ પર રહેતી અને પતિના મૃત્યુ પછી વહેલી સવારે ઊઠી પૌંઆ અને ઉપમાનો બિઝનેસ કરીને ગુજરાન ચલાવતી અંજુ પવારને છે. ચેતન ગાલાએ તેની દીકરીની મિત્ર જેનિલ પર છરાથી હુમલો કરીને તેના ગળામાં કાણું પાડી દીધું હતું. જેનિલ બીજા માળેથી પાછી નીચે આવીને બધાને તેના ગળામાં સખત માર લાગ્યો છે એમ કહીને બચાવવાની વિનંતી કરતી રહી અને કણસતી રહી. જોકે તેણે તેના પર ઓછું ધ્યાન આપ્યું હતું. એ જ સમયે જેનિલની મમ્મી સ્નેહલ બ્રહ્મભટ્ટના પેટમાં છરો મારીને ચેતન ગાલાએ તેનાં આંતરડાં બહાર કાઢી નાખ્યાં હતાં. તેની આ હાલત જોઈને અંજુ પવાર પહેલાં સ્નેહલ ભટ્ટને બચાવવા માટે તેનાં બહાર નીકળેલાં આંતરડાં પેટમાં નાખી એના પર ટુવાલ વીંટાળીને તેને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. પછીથી તેને ખબર પડી હતી કે જેનિલને ગળામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને બે યુવાનો ટૅક્સીમાં નાયર હૉસ્પિટલ મૂકી આવ્યા હતા, જ્યાં જેનિલનું પાછળથી સમયસર સારવાર ન મળવાથી મૃત્યુ થયું હતું.
આખા હત્યાકાંડની જાણકારી અંજુ પવારના શબ્દોમાં
શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે અમે પાર્વતી મૅન્શનના રહેવાસીઓ આરામ કરતા હતા. ત્યાં અમને બીજા માળે ચેતન ગાલા, તેની પત્ની અરુણા અને તેમની દીકરીના જોરજોરથી ઝઘડવાનો અવાજ આવ્યો હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પારિવારિક ઝઘડા અને કંકાસને કારણે અરુણાબહેન અને તેમની દીકરી બાજુના પન્નાલાલ મૅન્શનમાં રહે છે. ત્યાંથી તેઓ રોજ બપોરે ચેતનને જમવાનું ટિફિન આપવા આવતાં હતાં. રોજિંદા ક્રમ પ્રમાણે શુક્રવારે પણ મા-દીકરી ચેતનને જમવાનું આપવા આવ્યાં હતાં. એ સમયે તેમની વચ્ચે કોઈ મુદ્દા પર ઝઘડો થયો હતો. એમાં ચેતને તેની દીકરી પર છરીથી વાર કરીને તેના હાથમાં ઈજા પહોંચાડી હતી. ચેતનની આ હરકતથી ડરીને અરુણાબહેન અને તેમની દીકરી તેમની રૂમના પાછળના દરવાજામાંથી ભાગીને જતાં રહ્યાં હતાં.
ત્યાર પછી ધૂંધવાયેલો ચેતન હાથમાં મોટો છરો લઈને બહાર આવ્યો હતો. પહેલાં તો ત્યાં જ રમતા પાંચ-સાત વર્ષના છોકરા પર તે હુમલો કરવા ગયો હતો. એટલે તે છોકરો બુમાબુમ લાગ્યો હતો. આ દૃશ્ય ચાલીમાં બેસીને માથું ઓળી રહેલાં ઇલા મિસ્ત્રીએ જોયું હતું. તેથી તેઓ તરત જ દોડીને બાળકને બચાવવા ગયાં હતાં. છોકરો તો દોડીને તેના ઘરમાં જતો રહ્યો હતો, પણ ચેતને હાથમાં રહેલા છરાથી ઇલાબહેન પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. ઇલાબહેનને લોહીલુહાણ હાલતમાં જોઈને તેમના પતિ જયેન્દ્રભાઈ તેમના દીકરાને અને પોલીસને ફોન કરવા દોડીને ઘરમાં જતા રહ્યા હતા. ચેતન પહેલાં તો તેના ઘરમાં જતો રહ્યો હતો, પણ પછી બહાર આવ્યો ત્યારે પોલીસની ચાલીમાં ઊભા રહીને રાહ જોઈ રહેલા જયેન્દ્રભાઈની છાતી પર ચડીને તેમને છરાથી સેંકડો લોકોની નજર સામે જ સતત વાર કર્યા હતા. પહેલાં ઇલાબહેનનું અને પછી જયેન્દ્રભાઈનું આમાં મૃત્યુ થયું હતું. આ દરમિયાન પહેલા માળે મારી પાડોશમાં રહેતી જેનિલ બ્રહ્મભટ્ટ બીજા માળની ચીસો સાંભળીને પહેલા માળેથી બીજા માળે દોડીને શું થયું છે એ જોવા ગઈ હતી. અમારી ચાલી બે ભાગમાં વહેંચાયેલી છે જેની વચ્ચે દરવાજા છે. જેનિલ જેવી બીજા માળના દરવાજા પાસે પહોંચી એવો તરત જ ચેતને છરો તેના ગળામાં ઘુસાડી દીધો હતો. જેનિલ લોહીથી નીતરતી ગળા પર રૂમાલ રાખીને નીચે દોડી આવી હતી. આ બનાવ બન્યો એ પહેલાં જ જેનિલની મમ્મી સ્નેહલ ભટ્ટ જેનિલની ચીસો સાંભળીને બીજા માળે દોડી ગયાં હતાં. તેઓ જેવા દરવાજા પાસે પહોંચ્યાં કે તેમના પેટમાં છરો મારીને ચેતને તેમનાં આંતરડાં બહાર ખેંચી નાખ્યાં હતાં. સ્નેહલ ભટ્ટ તેમના પર થયેલા અચાનક હુમલાથી હેબતાઈને દાદરા પર ગુલાંટિયાં ખાઈ ગયાં હતાં.
જેનિલ અને સ્નેહલબહેનની ચીસો સાંભળીને હું દોડતી દાદરા તરફ પહોંચી હતી. સ્નેહલબહેનનાં આંતરડાં બહાર હતાં અને તેઓ લોહીલુહાણ હાલતમાં દાદરા પર હતાં. હું તરત જ તેમની મદદે પહોંચી હતી. હું પહેલાં તેમનાં બહાર નીકળી ગયેલાં આંતરડાં તેમના પેટમાં નાખી બૂમાબૂમ કરી ટુવાલ મગાવીને સ્નેહલબહેનના પેટ પર બાંધવામાં બીઝી હતી. એ સમયે મને જેનિલ કહ્યું કે તેને ગળામાં વાગ્યું છે અને એમાંથી લોહી જાય છે. જોકે સ્નેહલબહેનની હાલત સામે મને જેનિલની હાલત ગંભીર નહોતી લાગી. એટલે જેનિલની વાત પર ધ્યાન આપ્યા વગર જ હું સ્નેહલબહેનને હૉસ્પિટલમાં લઈ જવા નીચે દોડી ગઈ હતી. સ્નેહલબહેનને હૉસ્પિટલમાં દાખલ કરીને હું જ્યારે પાર્વતી મૅન્શનમાં આવી ત્યારે મને સમાચાર મળ્યા કે બે યુવાનો જેનિલને લઈને નાયર હૉસ્પિટલમાં પહોંચી ગયા છે, પણ ત્યાંના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મને આજે પણ અફસોસ છે કે જેનિલ મારી સામે સતત કણસતી હતી અને મને તેને બચાવવા માટે કહી રહી હતી, પણ અમારી લાડકી દીકરી જેના અરમાન ડૉક્ટર બનવાના હતા તેને અમે કોઈ પણ પ્રકારની સારવાર આપ્યા વગર જ ગુમાવી દીધી હતી.
ચેતને પ્રકાશ વાઘમારે પર પણ હુમલો કર્યો હતો, પરંતુ પ્રકાશનો તકિયા વચ્ચે આવી જતાં પ્રકાશને છરાથી ગંભીર ઈજા થઈ નહોતી. આ ઊહાપોહ વચ્ચે મારા પાડોશી નિવૃત્ત જીવન જીવી રહેલા ૮૦ વર્ષના ભરત મહેતા ઊંઘમાંથી જાગી ગયા હતા. ભરતભાઈ તેમના ઘરમાં રહેલી જાડી લાકડીને લઈને બીજા માળે દોડ્યા હતા. ભરતભાઈની પાછળ બીજા ત્રણ-ચાર પુરુષો પણ ઉપર દોડ્યા હતા. ભરતભાઈએ પડકાર આપતા ચેતન તેના ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે આખા પાર્વતી મૅન્શનને અડધો કલાક સુધી બાનમાં રાખ્યું હતું. તેના રોજના પારિવારિક ઝઘડા અને ગાળાગાળીથી પાડોશીઓ ત્રાસી ગયા હતા. એમાંથી અમુક લોકો તો ઘર છોડીને જતા રહ્યા છે.
ગઈ કાલે જેનિલની ડેડ-બૉડી અંતિમક્રિયા માટે ઍમ્બ્યુલન્સમાં અમારા બિલ્ડિંગના પરિસરમાં લાવ્યા ત્યારે જેનિલના મિત્રો અને અમારા બધા જ રહેવાસીઓની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. જય જય સ્વામીનારાયણની ધૂનથી પરિસર ગુંજી ઊઠ્યો હતો. સ્નેહલબહેન તથા પ્રકાશ વાઘમારેના દીર્ઘ આયુષ્ય માટે પ્રભુ પાસે પ્રાર્થના કરતાં જય જય સ્વામીનારાયણની ધૂન કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પૅસેજમાં ખૂની ખેલ
આ સમયે ત્યાં હાજર રહેલા બધા લોકોના મગજમાં એક જ સવાલ ચાલતો હતો કે ચેતને તેના પારિવારિક ઝઘડામાં અન્ય નિર્દોષ લોકોના જીવ કેમ લીધા?