કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એકનાથ શિંદે જૂથના વિદ્રોહ વિશે કહ્યું કે, “તેમણે ત્રણ વર્ષનો સંબંધ તોડી નાખ્યો. કૉંગ્રેસ, એનસીપી સાથે તેમનું ગઠબંધન ચાલી રહ્યું હતું. છેવટે, રાતોરાત શું થઈ ગયું?”
ફાઇલ તસવીર
રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. તેમણે જાણવું જોઈએ કે જો તેઓ વિશ્વાસનો પ્રસ્તાવ બોલાવે છે, તો તે સરકારના પતનમાં પરિણમી શકે છે. શિવસેના (Shiv Sena)માં ભાગલા પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ આકરી ટિપ્પણી કરી હતી. તત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ની ભૂમિકા અંગે કોર્ટે કહ્યું કે, "રાજ્યપાલે ધ્યાન રાખવું જોઈએ કે જો વિશ્વાસ મત બોલાવવામાં આવે તો સરકારને પણ જોખમ થઈ શકે છે.” ખંડપીઠે કહ્યું કે રાજ્યપાલે એવો નિર્ણય ન લેવો જોઈએ, જેના પરિણામે સરકારનું પતન થાય.
કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એકનાથ શિંદે જૂથના વિદ્રોહ વિશે કહ્યું કે, “તેમણે ત્રણ વર્ષનો સંબંધ તોડી નાખ્યો. કૉંગ્રેસ, એનસીપી સાથે તેમનું ગઠબંધન ચાલી રહ્યું હતું. છેવટે, રાતોરાત શું થઈ ગયું?” ચીફ જસ્ટિસે કહ્યું કે “રાજ્યપાલે સવાલ પૂછવો જોઈતો હતો કે તમે ત્રણ વર્ષ કેવી રીતે સાથે રહ્યા? ચૂંટણીના એકાદ માસ બાદ મહાગઠબંધન અંગે પ્રશ્ન ઊભો થયો હોત તો સમજી શકાય તેમ હતું, પરંતુ ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા બાદ 34 લોકોનું જૂથ કહે છે કે મતભેદ છે અને રાજ્યપાલ તરીકે તમે એક દિવસ અચાનક વિશ્વાસ મતની વાત કરો છો?”
ADVERTISEMENT
ખંડપીઠે સવાલ કર્યો કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બોલાવવાનો આધાર શું છે? આ અંગે એકનાથ શિંદે (Eknath Shinde) જૂથનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે “બળવાખોર ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે.” તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે “આ પાર્ટીની અંદરનો મતભેદ છે, પરંતુ આનાથી વિશ્વાસ મતનો પ્રસ્તાવ બોલાવવાનો રાજ્યપાલનો નિર્ણય યોગ્ય નથી. રાજ્યપાલે એ હકીકતને નજરઅંદાજ ન કરવી જોઈએ કે જો ત્રણ પક્ષોનું ગઠબંધન હોય તો ચોક્કસ કોઈ અસંમત થશે.”
આ પણ વાંચો: ફ્લાઇટમાં અભદ્ર વર્તનને કારણે ઍર ઇન્ડિયાના પૅસેન્જર સામે કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂનમાં ભાજપે એકનાથ શિંદે સાથે મળીને સરકાર બનાવી હતી. સીએમ એકનાથ શિંદે છે અને દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં, ચૂંટણી પંચે 40 ધારાસભ્યો અને એક ૧૨થી વધુ સાંસદોને સાથે લઈને આવેલા એકનાથ શિંદેને શિવસેનાના નામ અને પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી દીધી છે.
હાલમાં ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સરકાર ગયા બાદ હવે તે પાર્ટી માટે લડી રહ્યા છે. જોકે, ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે બાળાસાહેબ ઠાકરેનું નામ અને વારસો તેમની સાથે છે, જેને કોઈ છીનવી શકશે નહીં. આ નામ અને વારસો શિવસેનાની ઓળખ છે.