હોટેલમાં હાર્ટ-અટૅક આવ્યો : હાર્ટ-સર્જ્યન સાથે હોવા છતાં અપૂરતી સુવિધાને કારણે બચી ન શક્યા
હાર્ટ-અટૅકથી મૃત્યુ પામનાર દીપક મારુ
ગોરેગામ-વેસ્ટમાં એમજી રોડ પરના તુલસી ટાવરમાં રહેતા ૫૬ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) દીપક મારુનું દિવાળી વેકેશન મનાવવા દરમ્યાન કર્ણાટકના હમ્પીની હોટેલમાં ગુરુવારે હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું. દીપકભાઈ પરિવારના ૧૧ સભ્યો સાથે હમ્પી ફરવા ગયા હતા જેમાં તેમની સાથે એક હાર્ટ-સર્જ્યન પણ હતા. જે સમયે તેમને હાર્ટ-અટૅક આવ્યો ત્યારે તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં એક બ્લૉકેજની ઍન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. થોડી વાર બાદ બીજી નળીમાં બ્લૉકેજ આવતાં તેમનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.
હાર્ટ-સર્જ્યન સાથે હોવા છતાં મારા ભત્રીજાના આયુષ્યનું બંધન તૂટી ગયું એમ જણાવતાં દીપકભાઈના કાકા રવિલાલ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૯ ઑક્ટોબરે દીપકના પરિવાર સહિત ૧૧ લોકો દિવાળીનું વેકેશન મનાવવા કર્ણટકના હમ્પી ફરવા ગયા હતા જેમાં તેમની સાથે અમદાવાદના પ્રખ્યાત હાર્ટ-સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર ધીરેન શાહ પણ હતા. ૩૧ ઑક્ટોબરે બપોરે દીપક બધા સાથે વાત કરતો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ચેકઅપ દરમ્યાન બ્લૉકેજ આવતાં તેની ઍન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. થોડી વાર પછી દીપકને બીજો અટૅક આવતાં તેના આયુષ્યનું બંધન તૂટી ગયું હતું. આ ઘટના બાદ બીજા દિવસે ૧ નવેમ્બરે રાતે બૅન્ગલોરથી ઍર કાર્ગોમાં દીપકની ડેડ-બૉડી મુંબઈ લાવીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દીપકના દીકરા અંકિતે ૪ મહિના પહેલાં CAની પરીક્ષા પાસ કરી હતી જેનાથી દીપક ઘણો ખુશ હતો. આ ઘટના બાદ અમારા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.’
ADVERTISEMENT
દીપકની સારવાર કરનાર અમદાવાદના હાર્ટ-સર્જ્યન ડૉક્ટર ધીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધાં સગાંસંબંધીઓ દિવાળી વેકેશન હોવાથી હમ્પી ફરવા ગયા હતા. ૩૧ ઑક્ટોબરે બપોરે દીપક મારી સાથે બેસીને વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક તેની છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. મેં તરત જ તેનું ચેકઅપ કર્યું જેમાં તેનું બ્લડપ્રેશર ઘટી રહ્યું હતું એટલે મેં સમય ન બગાડતાં તરત ઍમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. હમ્પી ખૂબ નાનું હોવાથી અહીં કોઈ મોટી હૉસ્પિટલ નહોતી. જે નજીક હતી એ હૉસ્પિટલમાં અમે લઈ ગયા હતા ત્યાં જાણવા મળ્યું કે દીપકને નાનો
હાર્ટ-અટૅક આવ્યો હતો. અમે તાત્કાલિક તેની ઍન્જિયોગ્રાફી કરાવી હતી, પણ અડધા કલાકમાં જ તેને ફરી પાછો અટૅક આવ્યો જેમાં તેનું મૃત્યુ થયું હતું. જો મુંબઈ કે અમદાવાદમાં આ ઘટના બની હોત તો આજે આપણી વચ્ચે દીપકભાઈ હયાત હોત, કારણ કે હમ્પીની હૉસ્પિટલમાં એને લગતી સુવિધા નહોતી. એટલું જ નહીં જે ઍમ્બ્યુલન્સમાં દીપકને અમે લઈ જઈ રહ્યા હતા એમાં સાદું ઑક્સિજન કે કશી દવા પણ નહોતી એટલે દીપકનું બ્લડપ્રેશર સતત ડાઉન જઈ રહ્યું હતું.’