સ્થાનિક સાંસદ ગજાનન કીર્તિકર અને વિધાનસભ્ય સુભાષ દેસાઈએ અધિકારીઓને બેદરકારી અને જાનહાનિ માટે જવાબદાર ઠેરવ્યા હતા
ગઈ કાલે બપોરે જોગેશ્વરીના બાળાસાહેબ ઠાકરે ટ્રોમા સેન્ટરમાં આદિત્ય ઠાકરે, પ્રિયંકા ચતુર્વેદી, સંજય નિરુપમ સહિતના નેતાઓ પહોંચી ગયા હતા (તસવીર : અનુરાગ અહિરે)
એસઆરએ બિલ્ડિંગમાં લાગેલી આગમાં સાત લોકોનાં મૃત્યુ થયા બાદ રાજકારણીઓ અને વહીવટી અધિકારીઓ પોતાની જાતને બચાવવા સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિક સાંસદ ગજાનન કીર્તિકર અને વિધાનસભ્ય સુભાષ દેસાઈએ અધિકારીઓને બેદરકારી અને જાનહાનિ માટે જવાબદાર ઠેરવ્યા હતા; જ્યારે ઉપનગરના પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢાએ એક વિશેષ સમિતિની જાહેરાત કરી હતી, જે તપાસ કરીને પખવાડિયામાં રિપોર્ટ સબમિટ કરશે.
ગોરેગામ સાઇટની મુલાકાત લીધા પછી સાંસદ ગજાનન કીર્તિકરે કહ્યું હતું કે ‘બીએમસી દેશનું સૌથી શક્તિશાળી કૉર્પોરેશન છે અને એમ છતાં તેઓ સમયસર આગ પર કાબૂ મેળવી શક્યા નથી. અંદર કોઈ ફાયર ફાઇટિંગ સિસ્ટમ નહોતી તો પછી તેઓ એનઓસી કેવી રીતે મેળવી શકે? કોઈએ જવાબદારી લેવી પડશે.’
ADVERTISEMENT
ઉદ્ધવ ગ્રુપના વિધાનસભ્ય સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે ‘ઇમારતોમાં પાયાની કોઈ સુવિધાઓ નથી અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના લોકોને આવી ઇમારતોમાં રહેવાની છૂટ છે. આ ખૂબ જ ખતરનાક છે. સત્તાવાળાઓ ઘર આપે છે, પરંતુ સ્થિતિ રહેવાયોગ્ય છે કે નહીં એ જોતા નથી. તેમના જીવનની જવાબદારીઓ કલેક્ટર કચેરી, એસઆરએ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ પર છે.’
ઉપનગરીય પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે ‘અમે તપાસ કરવા માટે એક સમિતિની નિમણૂક કરીશું અને પખવાડિયાની અંદર અહેવાલ સુપરત કરીશું. પ્રાથમિક દૃષ્ટિએ આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કાપડના ગોડાઉનમાં શૉર્ટ સર્કિટ થયું હોય એવું લાગે છે. એ પ્રશંસનીય છે કે આઠથી નવ મિનિટમાં આગનો કૉલ આવતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ-કામગીરી શરૂ કરી હતી. અમે પીડિતો અને તેમના પરિવારોને અમારી સંપૂર્ણ મદદ કરીએ છીએ, જેમનાં ઘર આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં.’
શહેર જિલ્લાના પાલક પ્રધાન દીપક કેસરકરે જણાવ્યું હતું કે ‘મેં સંબંધિત અધિકારીઓને ઇમારતોમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લેવાની સૂચના આપી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોની સારવાર માટે તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. અમે તેમની સાથે છીએ.’
બીએમસીના ચીફ આઇ. એસ. ચહલે કહ્યું હતું કે ‘ફાયર બ્રિગેડ નવ મિનિટમાં ૩.૧૦ વાગ્યે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ મૃત્યુ દાઝી જવાને કારણે થયું નથી, પરંતુ તમામ જીવ ગૂંગળામણને કારણે ગયા છે. અમે એક સમિતિની રચના કરી રહ્યા છીએ, જેમાં આઇઆઇટી- બૉમ્બે જેવી સંસ્થાઓના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિની મદદથી અમે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અને ઘટનાઓને રોકવા માટે કેવા પ્રકારના હસ્તક્ષેપ અને ફેરફારો લાવી શકાય છે એ જોઈશું.’