Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલઘર પર માલગાડીના ડબ્બા ખડી પડ્યા એને પગલે મુંબઈ આ‍વતા-જતા અનેક પ્રવાસીઓના હાલ બેહાલ

પાલઘર પર માલગાડીના ડબ્બા ખડી પડ્યા એને પગલે મુંબઈ આ‍વતા-જતા અનેક પ્રવાસીઓના હાલ બેહાલ

30 May, 2024 01:34 PM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

અનેક લોકો રસ્તામાં અટવાયા હોવાથી બાય રોડ વધુ પૈસા ચૂકવીને આવ્યા તો અનેક લોકોએ પ્લાન કૅન્સલ કર્યો

મુંબઈથી કુલુ-મનાલી વેકેશન મનાવવા ગયેલા ૩૨ સભ્યોએ બે રાત ટ્રેનમાં વિતાવી

મુંબઈથી કુલુ-મનાલી વેકેશન મનાવવા ગયેલા ૩૨ સભ્યોએ બે રાત ટ્રેનમાં વિતાવી


વેસ્ટર્ન રેલવેમાં ગુડ્સ ટ્રેનના છેલ્લા પાંચ ડબ્બા પાલઘરમાં પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માત મંગળવારે સાંજે પાંચ વાગ્યે થયો હતો. ગાર્ડ સાથેના છેલ્લા પાંચ કોચ પાટા પરથી ઊતરીને ટ્રૅક બે અને ચાર પર આવી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે મુંબઈ તરફનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હોવાથી રેલવે-પ્રવાસીઓના ખરાબ હાલ થયા હતા. મુંબઈથી જતા અને ગુજરાતથી આવતા અનેક ગુજરાતીઓએ આ દરમ્યાન ખૂબ કડવો અનુભવ કર્યો હતો. વેકેશનનો સમય હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અનેક લોકો રસ્તામાં અટવાયા હોવાથી બાય રોડ વધુ પૈસા ચૂકવીને આવ્યા હતા તો અનેક લોકોએ પ્લાન કૅન્સલ કરવા જેવી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. 


વાપી પહોંચવાનો મેસેજ આવ્યો



બ્રીચ કૅન્ડીમાં રહેતાં ૭૦ વર્ષનાં ડાહી પરમાર અને તેમનો પુત્ર અજય ગઈ કાલે બપોરે કર્ણાવતી ટ્રેનથી આણંદ જવાનાં હતાં. સવારે તેમને મેસેજ આવ્યો કે ટ્રેન બરાબર છે. જોકે ઘરેથી નીક‍ળવા ગયા ત્યારે ટ્રેન વાપીમાં શૉર્ટ ટ‌ર્મિનેટ કરવામાં આવી છે એટલે ત્યાંથી પકડવી પડશે એવો મેસેજ આવ્યો હતો. જોકે આટલા ઓછા સમયમાં ત્યાં પહોંચવું કઈ રીતે એવો પ્રશ્ન હતો. ડાહીબહેનના બીજા પુત્ર સંજય પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘર રિ‌પે​ર કરવાનું હોવાથી અર્જન્ટ જવાનું હતું. એથી AC ચૅરકારની ટિકિટ લીધી હતી. મુંબઈ સેન્ટ્રલથી ગઈ કાલે બપોરની ટ્રેન હતી ત્યારે સવારે સવા દસ વાગ્યે મેસેજ આવ્યો કે ટ્રેન ટાઇમ પર આવશે. એથી તૈયારી કરીને અમે સ્ટેશન પર જવા નીકળવાના હતા ત્યારે ફરી મેસેજ આવ્યો કે ટ્રેન ટર્મિનેટ કરવામાં આવતાં વાપીથી પકડવાની રહેશે. આટલા ટૂંકા સમયમાં સિનિયર સિટિઝન સાથે વાપી કઈ રીતે પહોંચવું? સ્ટેશન પર જઈને પુછાવ્યું તો કહ્યું કે ત્યાંથી એક જ ટ્રેન છૂટશે એટલે ભીડ પણ હશે. ટિ​કિટનું ભાડું પાછું મેળવવા શું કરવું એનો કોઈ જવાબ આપ્યો નહીં એટલે પોતાની રીતે ઑનલાઇન સર્ચ કરીને માહિતી મેળવી લીધી હતી. અમારો પ્લાન કૅન્સલ કરીને હવે ચોથી જૂને રાખવો પડ્યો છે.’


બે રાત ટ્રેનમાં

મુંબઈથી કુલુ-મનાલી વેકેશન મનાવવા ગયેલા ૩૨ સભ્યોએ બે રાત ટ્રેનમાં રહેવાનો વારો આવ્યો હતો. સિનિયર સિટિઝનો પણ અમારી સાથે હતા એમ જણાવીને મહાલક્ષ્મીનાં મીના મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે મુંબઈથી અમે ૩૨ લોકો ફરવા ગયા હતા. સોમવારે રાતે અમ્રિતસરથી ટ્રેન પકડીને મંગળવારે રાતે બે વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચવાના હતા. જોકે ગઈ કાલે સવારે આઠ વાગ્યે તો પાલઘર સ્ટેશને પહોંચ્યા હતા અને છેક બુધવારે સવારે સવાઅ​ગિયાર વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યા હતા. એક-એક કલાક એક જ જગ્યાએ ટ્રેન ઊભી રહેતી હોવાથી કંટાળી ગયા હતા. અમે તો ACમાં હતા, પરંતુ જેઓ નૉન-ACમાં હતા તેઓ ખૂબ હેરાન થયા હતા. ટ્રેનની અંદર ખાવા-પીવાની વસ્તુઓ આપવા કોઈ આવ્યું નહોતું. સિનિયર સિટિઝનોના પગમાં દુખાવો થઈ ગયો હતો.’


લોકોએ વધુ પૈસા ચૂકવ્યા

પાલઘર, બોઇસર અને એની આગળ બોરીવલી, અંધેરી, ‌વિરાર, મીરા રોડ વગેરે જગ્યાએ કામ પર જતા લોકો ‌રિટર્નમાં આવવા માટે ટ્રેન ન હોવાથી બાય રોડ આવવા નીકળ્યા હતા; પરંતુ વાહનો એકદમ ઓછાં હતાં અને જે હતાં એ લોકો બમણા પૈસા માગવા લાગ્યા હતા એમ જણાવીને મીરા રોડમાં રહેતા પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનેક લોકો નાછૂટકે ટ્રકોમાં સામાન લઈને બેસીને ગયા હતા. તેઓ વિરાર આવવા માટે ૧૦૦ રૂપિયાના ૩૦૦થી ૫૦૦ રૂપિયા લઈ રહ્યા હતા. બહારગામની ટ્રેનોના લોકો પણ સામાન લઈને જ્યાં-ત્યાં ભાગી રહ્યા હતા. અમે પણ ટ્રાફિક જૅમમાં ફસાયા હતા અને કલાકો વેડફીને પહોંચ્યા હતા.’

વધુ પૈસા ચૂકવીને પણ હાલાકી

સુરતમાં કામ હોવાથી પ્રભાદેવી, ચેમ્બુર, દાદર, જોગેશ્વરી, બોરીવલી વગેરેથી ૭૦ જણ સુરત ગયા હતા એમ જણાવીને ભાઈંદરમાં રહેતા દિનેશ સોલંકીએ ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સુરતથી સાંજની સવાચાર વાગ્યાની ઇન્ટરસિટી ટ્રેન હતી. અમે બધા વાપી સુધી પહોંચ્યા અને પછી ત્યાં અનાઉન્સમેન્ટ થયું કે આગળ ટ્રેન જશે નહીં. સામાન સાથે સ્ટેશન પર કેટલો સમય રહેવું એમ સમજીને અમે બધા રિક્ષા કરીને વાપી હાઇવે પર પહોંચ્યા હતા. ત્યાં ગયા તો વાહનચાલકો પાંચથી છ હજાર રૂપિયાનું ભાડું કહેવા લાગ્યા હતા. વાપીથી કાશીમીરા આવવા બસ કે ફોર-વ્હીલરમાં એક જણના ૨૦૦ રૂપિયાની આસપાસ લેતા હોય છે, પરંતુ પરિસ્થિ​તિનો ગેરલાભ લઈને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા પ્રતિવ્યક્તિ લઈ રહ્યા હતા. સ્પેશ્યલ કાર કરીને ગયેલા લોકોને પણ ‌વિરાર અથવા વસઈ છોડ્યા હતા. પૈસા ચૂકવીને પણ લોકો પરેશાન થઈ ગયા હતા.’

અનેક લોકોએ પ્રોગ્રામ કૅન્સલ કર્યો

મુંબઈથી ‌હિંમતનગર ૧૦ જણના ગ્રુપ સાથે જતા અતુલ વખારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાતે નવ વાગ્યાની ગુજરાત મેલ ટ્રેનથી અમે હિંમતનગર જઈ રહ્યા હતા, પરંતુ ટ્રેન રાતે સાડાબાર વાગ્યે આવી હતી. અમારા પ‌રિવારમાં ધજાનો કાર્યક્રમ હોવાથી જવું જરૂરી હતું. રાતે ટ્રેન મોડી આવી અને બીજા દિવસે સવારે સાડાનવ વાગ્યે અમે પહોંચ્યા એટલે ચાર કલાક ટ્રેન મોડી હતી. કાર્યક્રમમાં આવનારા અન્ય લોકો બીજી ટ્રેનમાં હતા, પરંતુ અનુકુળ ન થતાં અનેક લોકોએ આવવાનું કૅન્સલ કર્યું હતું.’

રેલવે તરફથી ખાવા-પીવાની વ્યવસ્થા કરાઈ

પાલઘરના અકસ્માતને કારણે લાંબા અંતરની અનેક ટ્રેનો અટવાઈ ગઈ હોવાથી પ્રવાસીઓની સુવિધા માટે ખાવા-પીવાની અને પાણીની વ્યવસ્થા રેલવે તરફથી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેશનની બહારથી પણ બસો છોડવામાં આવી હતી.  

પાલઘર પાસે ખડી પડેલા માલગાડીના ડબ્બા ટ્રૅક પર ચડાવવાનું કામ પૂરું થયું, વેસ્ટર્ન રેલવેએ ૪૧ ટ્રેન કૅન્સલ કરી અને બાવીસ રીશેડ્યુલ્ડ કરી

પાલઘર પાસે મંગળવારે માલગાડીના સાત ડબ્બા ખડી પડ્યા બાદ એના રિસ્ટોરેશનનું કામ ગઈ કાલે પણ સાંજ સુધી ચાલુ રહ્યું હતું એટલે વેસ્ટર્ન રેલવેએ ૪૧ ટ્રેન કૅન્સલ કરી હતી અને બાવીસ ટ્રેન રીશેડ્યુલ કરી હતી. વેસ્ટર્ન રેલવેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઘટનાસ્થળે ૨૫૦ જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. હેવી સ્ટીલ કૉઇલ સાથેનાં એ વૅગન ઉપાડીને ફરી પાછાં ટ્રૅક પર ચડાવવાનાં હોવાથી આ કામ ડિલે થઈ રહ્યું હતું. જોકે બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યે એ કામ આટોપી લેવાયું હતું અને ટ્રૅક ચાલુ કરી દેવાયો હતો, પણ ટ્રેનો એના પર ધીમે-ધીમે દોડાવાઈ રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2024 01:34 PM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK