રેલવે મંત્રાલયે વધુ ઝડપી અને મોકળાશ ધરાવતી ૨૩૮ વંદે મેટ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે
વંદે મેટ્રો હાલમાં જ લૉન્ચ કરાયેલી વંદે ભારત ટ્રેન જેવી જ હશે, જેમાં લોકલ ટ્રેનનો ઉપયોગ કરનારા ડબ્બાવાલા અને મચ્છી વિક્રેતા સહિત મુસાફરોનાં વિવિધ જૂથોને સમાવિષ્ટ કરવા વૈવિધ્યપૂર્ણ સુવિધાઓ હશે (તસવીર : આશિષ રાજે)
રેલવે મંત્રાલયે આ અઠવાડિયે લોકલ ટ્રેનના પ્રવાસમાં ધરમૂળથી ક્રાંતિ લાવવાની જાહેરાત કરવા સાથે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) ૩ અને ૩-એ હેઠળ ૨૩૮ વંદે મેટ્રો ટ્રેનનો ઑર્ડર મૂક્યો છે.
ક્રાંતિકારી પ્રવાસ
ADVERTISEMENT
વંદે મેટ્રો ટ્રેન મુંબઈ માટે મળનારી એસી લોકલ ટ્રેનને આપવામાં આવેલું નામ છે. ગયા વર્ષે આવેલી એસી લોકલ જેવાં જ ફીચર્સ ધરાવતી આ ટ્રેનમાં ડબ્બાવાલા અને મચ્છી વિક્રેતા સહિતના વિવિધ મુસાફરોને સમાવિષ્ટ કરવા માટે વૈવિધ્યપૂર્ણ સુવિધાઓ હશે તથા એમાં સામાન્ય એસી લોકલ કરતાં વધુ મુસાફરો પ્રવાસ કરી શકશે. વંદે મેટ્રો ટ્રેનના કોઈ એક છેડા પર અલગથી એસી ડક્ટ ધરાવતો લગેજ કમ્પાર્ટમેન્ટ હશે તેમ જ સીસીટીવી કૅમેરા પણ લગાવેલા હશે એમ જણાવતાં એમઆરવીસીના સીએમડી ગુપ્તાએ ઉમેર્યું હતું કે એને લીધે મચ્છીની ગંધ આખી ટ્રેનમાં નહીં ફેલાય.
એસી ટ્રેનની લાઇટ અને પંખા માટે એની છત પર વજનમાં હલકી અને ૩.૬ કિલોવૉટ વીજળીનું ઉત્પાદન કરતી ફ્લેક્સી સોલર પૅનલ બેસાડેલી હશે, જેથી ઓવરહેડ પાવર સપ્લાય પાસેથી વીજજરૂરત ઓછી થઈ જશે.
વંદે મેટ્રો ડિસેમ્બર ૨૦૨૨માં મુંબઈ આવેલી અદ્યતન એસી લોકલના મૉડલ પર તૈયાર કરવામાં આવી છે
વંદે મેટ્રો પાસેથી શું આશા છે?
• સંપૂર્ણ વેસ્ટિબ્યુલ કોચ સાથે ઑટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ
• એક જ વર્ગના કોચ
• વિક્રેતાઓ માટે ટ્રેનના બંને છેડે વિશેષ કમ્પાર્ટમેન્ટ
• પૅસેન્જરની બેસવાની વ્યવસ્થા હાલની ઈએમયુ ટ્રેન જેવી જ રહેશે, જેમાં મૉડ્યુલર એર્ગેનોમિક સીટ હશે
• હાલની જેમ જ મહિલાઓ, વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકો માટેના કોચ નિશ્ચિત કરાશે
• કોચમાં ઊર્જા કાર્યક્ષમ એલઈડી લાઇટ્સ હશે
• મુસાફરો માટે મોટી ડિજિટલ સ્ક્રીન અને સ્ટેશનની માહિતી દર્શાવતી પૅનલ હશે
• ઇમર્જન્સીમાં બહાર જવાના માર્ગની સિસ્ટમ
• સીસીટીવી સર્વેલન્સ અને પૅસેન્જર ટૉકબૅક સિસ્ટમ
• બહેતર એસ્થેટિક્સ માટે સ્ટેનલેસ સ્ટીલ ફિટિંગ્સ