તાતા ફૅમિલીને જાણી લો
રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતા
રતન નવલ તાતાની વિદાય બાદ ૩૪ લાખ કરોડ રૂપિયાનું તાતા ગ્રુપ હવે કોણ સંભાળશે એની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે મોટા ભાગના લોકોનું માનવું છે કે તેમના સાવકા ભાઈ નોએલ તાતા આ રેસમાં સૌથી આગળ છે. નોએલ તાતા છેલ્લાં ૪૦ વર્ષથી તાતા ગ્રુપ સાથે સંકળાયેલા છે. તેઓ નવલ તાતાનાં બીજાં પત્ની સિમોન તાતાના એકમાત્ર પુત્ર છે. નોએલ તાતા અત્યારે ટ્રેન્ટ, તાતા ઇન્ટરનૅશનલ લિમિટેડ, વૉલ્ટાસ અને તાતા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશનના ચૅરમૅન છે તેમ જ તાતા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ છે. તેઓ સર રતન તાતા ટ્રસ્ટ અને સર દોરાબજી તાતા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.
ADVERTISEMENT
રતન તાતાના નાના સગા ભાઈ જિમી તાતા
સાવકી માતા સિમોન તાતા
આ વર્ષની શરૂઆતમાં તાતા ગ્રુપે નોએલ તાતાનાં ત્રણેય સંતાન લેહ, માયા અને નેવિલને સર દોરાબજી તાતા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટ સાથે સંકળાયેલાં પાંચ ટ્રસ્ટમાં અપૉઇન્ટ કર્યાં હતાં. આ ટ્રસ્ટ પાસે તાતા સન્સનો અમુક હિસ્સો છે. આ નિમણૂકને રતન તાતાની સ્વીકૃતિ મળ્યા બાદ છઠ્ઠી મેથી એ અમલમાં આવી હતી.
તાતા ફૅમિલીને જાણી લો
રતન તાતાના પપ્પા નવલ તાતાએ બે લગ્ન કર્યાં હતાં. પહેલાં પત્ની સોનુ કમિસરિયાથી તેમને બે પુત્રો થયા હતા રતન અને જિમી. રતન તાતા જ્યારે ૧૦ વર્ષના હતા ત્યારે તેમનાં મમ્મી-પપ્પાના છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ નવલ તાતાએ સ્વિટ્ઝરલૅન્ડમાં જન્મેલા ઇન્ડિયન બિઝનેસવુમન સિમોન દુનોયર સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તેમને એક પુત્ર છે નોએલ. રતન અને જિમી તાતાએ લગ્ન નહોતાં કર્યાં. જ્યારે નોએલ તાતાએ અલુ મિસ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ સંતાન છે - પુત્રી લેહ, માયા અને પુત્ર નેવિલ. અત્યારે ત્રણેય તાતા ગ્રુપ સાથે જોડાયેલાં છે. જ્યારે રતન તાતાના નાના ભાઈ જિમી ભાગ્યે જ કોઈ પબ્લિક ફંક્શનમાં જોવા મળે છે. તેઓ ફૅમિલી બિઝનેસમાં પણ રતન તાતા જેવા ઍક્ટિવ નહોતા. અલુ મિસ્ત્રી પાલનજી મિસ્ત્રીનાં દીકરી અને સાયરસ મિસ્ત્રીનાં બહેન છે. ૨૦૧૨માં તાતા ગ્રુપનું ચૅરમૅનપદ છોડીને રતન તાતાએ સાયરસ મિસ્ત્રીને પોતાના અનુગામી બનાવ્યા હતા, પણ તેમની વચ્ચે ખટરાગ થતાં ૨૦૧૬માં તેઓ ફરીથી ઇન્ટરિમ ચૅરમૅન બન્યા હતા. મિસ્ત્રી ફૅમિલી પાસે તાતા સન્સનો ૧૮.૩ ટકા હિસ્સો છે.