રવિવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા બાદ રતન તાતાના વિવિધ રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા હતા
રતન તાતા છેલ્લે જાહેરમાં ૪ ઑક્ટોબરે બપોર બાદ ગોવાના મોપા ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા
ભારતના ટોચના ઉદ્યોગપતિ રતન તાતાને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં રવિવારે ઍડ્મિટ કરવામાં આવ્યા હતા ત્યારે સોશ્યલ મીડિયામાં રતન તાતા ક્રિટિકલ હોવાના મેસેજ વહેતા થયા હતા. જોકે બાદમાં ખુદ રતન તાતાએ પોતાની તબિયત સારી હોવાની પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી. આથી તેમની તબિયત ગંભીર ન હોવાનો હાશકારો થયો હતો. બુધવારે રાત્રે રતન તાતાના અવસાનના અચાનક સમાચાર આવ્યા હતા. ગઈ કાલે જાણવા મળ્યું હતું કે રવિવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા બાદ રતન તાતાના વિવિધ રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા હતા જેમાં તેમના હૃદયની નળીઓ બ્લૉક્ડ હોવાનું જણાયું હતું. આથી સોમવારે તેમની ઍન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સર્જરી બાદ રતન તાતાના હૃદયના ધબકારામાં સુધારો થયો હતો. જોકે તેમની કિડનીમાં મુશ્કેલી ઊભી થતાં તેમને મંગળવારે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે તેમને કિડનીની તકલીફ થઈ હતી.

