થૅન્ક્સ કહેવું પડે નરેન્દ્ર મોદીના વિઝનને
પ્રતીકાત્મક તસવીર
થૅન્ક્સ કહેવું પડે નરેન્દ્ર મોદીના વિઝનને : ભારત સરકારે એક્સપોર્ટ વધારવા માટે ઑસ્ટ્રેલિયા અને યુએઈ-દુબઈ સાથે કરાર કરીને ત્યાંની ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરાવી : પહેલી મેથી દુબઈમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં એક ટકાની રાહત આપવાનું શરૂ થયું : જીજેઈપીસીએ એની પહેલી વિદેશની ઑફિસ દુબઈમાં શરૂ કરી
મુંબઈના હીરાબજાર માટે સારા સમાચાર છે. ભારત સરકારે એક્સપોર્ટ વધારવા માટે ઑસ્ટ્રેલિયા અને યુએઈ-દુબઈ સાથે કરાર કરીને ત્યાંની ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરાવી છે. એને કારણે અન્ય એક્સપોર્ટ તો વધશે જ, પણ એની સારીએવી અસર હીરાબજાર પર પણ જોવા મળશે. હાલ ધીમે-ધીમે દોડી રહેલા હીરાબજારને એને કારણે બૂસ્ટર ડોઝ મળવાનો છે. દુબઈમાં તો એ ફૅસિલિટી પહેલી મેથી શરૂ પણ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
બૉમ્બે ડાયમન્ડ બુર્સના કમિટી મેમ્બર કિરીટ ભણસાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીસાહેબનો મનસૂબો છે કે ભારતને ૪૦૦ મિલ્યન ડૉલર કરતાં વધુની એક્સપોર્ટ કરતો દેશ બનાવવો. એથી તેમણે જ્વેલરીના સેક્ટર પર ધ્યાન આપવાનું ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ અને કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલને જણાવ્યું હતું. એ પછી જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ એ બન્ને સાથે ઘણીબધી મીટિંગ કરી હતી અને આખરે જીજેઈપીસીના ભરપૂર પ્રયાસના અંતે સરકારે બન્ને દેશો સાથે આ કરાર કર્યા હતા. એને કારણે હવે જ્વેલરીના બિઝનેસનો ગોલ્ડન એરા શરૂ થયો છે એમ કહી શકાય. ઑસ્ટ્રેલિયા અને યુએઈમાં ડાયમન્ડ અને ડાયમન્ડ-સ્ટડેડ જ્વેલરીની ખૂબ જ ડિમાન્ડ છે. હાલ ચાઇના ત્યાં લીડ કરી રહ્યું છે. હવે ભારત સરકારે કરાર કરતાં ઑસ્ટ્રેલિયાએ પાંચ ટકા ડ્યુટી ઘટાડી છે, જ્યારે યુએઈએ એક ટકાની જ રિલીફ આપી છે. જોકે યુએઈ, ખાસ કરીને દુબઈનું જ્વેલરીના ઇમ્પોર્ટનું વૉલ્યુમ એટલું મોટું છે કે ડ્યુટીમાં એ એક ટકાની રાહત પણ બહુ મોટો ફરક પાડી શકે છે. વળી યુએઈમાં ધંધો કરવો એ ઇન્ડિયા માટે બીજા બધા દેશો કરતાં વધુ આસાન છે. મુંબઈથી કલકત્તા જવાય એટલા સમયમાં દુબઈ પહોંચી જવાય છે. આપણા ઘણા જ્વેલર્સનાં ત્યાં શોરૂમ અને ઑફિસો છે. આ બધાથી એક સારી વાત એ છે કે જીજેઈપીસીએ હવે વિદેશમાં એની પહેલી ઑફિસ દુબઈમાં ખોલી છે. યુએઈ સરકાર પણ બહુ જ સારો સાથ-સહકાર આપી રહી છે. આપણા વેપારીઓને જો દુબઈમાં કોઈ પણ તકલીફ પડે તો એનું નિરાકરણ કરવું હવે તેમના માટે આસાન પડશે. આમ યુએઈમાં ધંધો વધવાનો છે એમાં બે મત નથી.’
માર્કેટના જાણીતા વેપારી અને જીજેઈપીસીના ભૂતપૂર્વ પદાધિકારી સંજય કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે આ બહુ સારું પગલું લીધું છે. એના કારણે બિઝનેસને ચોક્કસ વેગ મળશે. આપણે ત્યાંથી હીરા અને હીરાજડિત ગોલ્ડ ઑર્નામેન્ટ્સની નિકાસ થાય છે અને વિદેશમાં એની સારી ડિમાન્ડ પણ છે. સરકારના આ પગલાથી ચોક્કસ વેચાણ વધશે. ઍટ લીસ્ટ, ૧૦થી ૨૦ ટકા ઓવરઑલ બિઝનેસ વધવો જોઈએ.’
જીજેઈપીસી દ્વારા આ સંદર્ભે સુરતના કતારગામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને એમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય રાજ્યસ્તરનાં પ્રધાન દર્શના જરદોશે હાજરી આપી હતી. સુરત ડાયમન્ડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા અને દુબઈને ફ્રી ટ્રેડ ઝોન તરીકે ભારતની ડ્યુટીમાં રાહત આપવાના આ ઍગ્રીમેન્ટથી ડાયમન્ડ સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીઓ માટે પણ આ સારા સમાચાર છે. ઓવરઑલ એક્સપોર્ટ વધશે. મુખ્ય વાત એ છે કે ઑસ્ટ્રેલિયા અને યુએઈ સાથે થયેલાં ઍગ્રીમેન્ટ બહુ ઝડપથી કરાયાં છે અને દુબઈમાં તો એનો અમલ પણ થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયા પણ ટૂંક સમયમાં એનો અમલ કરશે.’
અન્ય એક વેપારીએ કહ્યું હતું કે ‘હીરા લક્ઝરી અને કીમતી આઇટમ છે. પાંચ ટકાની ડ્યુટીનો લાભ વર્ષેદહાડે બહુ મોટો ફરક પાડી શકે એમ છે. એથી બિઝનેસ ચોક્કસ વધશે.’