અંધેરીમાં આવેલો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ જોખમી જાહેર કરાયા બાદ બીએમસીએ ગઈ કાલથી એને બંધ કર્યો છે
ગોખલે બ્રિજ પરની ફુટપાથ ૨૦૧૮માં ચાલતી ટ્રેન પર પડવાથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ આ બ્રિજને આંશિક રીતે બંધ કરવામાં આવ્યો હતો (તસવીર : સમીર માર્કન્ડે)
અંધેરીમાં આવેલો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ જોખમી જાહેર કરાયા બાદ બીએમસીએ ગઈ કાલથી એને બંધ કર્યો છે. ૧૫ દિવસમાં બ્રિજને તોડી પાડવાની યોજના તૈયાર કરવામાં આવશે.
એક વાર બ્રિજ બંધ થઈ ગયા બાદ ૧૫ દિવસની અંદર એને સંપૂર્ણપણે તોડી પાડવાની યોજના ઘડવામાં આવશે. બ્રિજનો કાટમાળ હટાવવાની પ્રક્રિયા તબક્કાવાર રીતે હાથ ધરાશે તથા એમાં તમામ સ્ટેક હોલ્ડર્સની ભાગીદારી હશે એમ બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
મુંબઈ ટ્રાફિક પોલીસે શુક્રવારે એક નોટિફિકેશન ઇશ્યુ કરીને રવિવારે મધરાતે ૧૨.૦૧ વાગ્યે બ્રિજ બંધ કરવાની જાહેરાત કરી હતી. ડીસીપી (ટ્રાફિક) નીતિન પવારે કહ્યું હતું કે બ્રિજ બંને તરફથી વાહનો તેમ જ રાહદારીઓ માટે બંધ કરવામાં આવશે. તેમણે છ વૈકલ્પિક રૂટ પણ સૂચવ્યા હતા.
ટ્રાફિક વિભાગ દ્વારા સૂચિત કરાયેલા ડાઇવર્ઝન માર્ગોમાં ખાર સબવે, મિલન સબવે બ્રિજ (સાંતાક્રુઝ), કૅપ્ટન વિનાયક ગોરે બ્રિજ (વિલે પાર્લે), અંધેરી સબવે, બાળાસાહેબ ઠાકરે બ્રિજ (ઓશિવરા જંક્શન) અને મૃણાલતાઈ ગોરે બ્રિજનો સમાવેશ થાય છે.
ગોખલે બ્રિજ આંશિક રીતે ૨૦૧૮માં બંધ કરાયા બાદ બીએમસીએ શહેરના બ્રિજના સ્ટ્રક્ચરલ ઑડિટ માટે એસએસજી કન્સલ્ટન્સી સર્વિસિસની નિમણૂક કરી હતી. એણે ઑક્ટોબર ૨૦૨૨માં સબમિટ કરેલા પોતાના અહેવાલમાં બ્રિજને સત્વર ટ્રાફિક માટે બંધ કરવાનું સૂચન કર્યું હતું. પુલના ગર્ડર અને થાંભલાઓમાં કાટ છે અને એના પર કેટલીક તિરાડો છે. આ તિરાડો અને કાટ દર્શાવે છે કે પુલ જર્જરિત હાલતમાં છે.