Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Lalbaug Cha Raja: માછીમારોની માનતા સ્વરૂપે શરૂ થયેલા લાલબાગચા રાજાની સ્થાપના અને એક ગુજરાતીનું અનેરું યોગદાન

Lalbaug Cha Raja: માછીમારોની માનતા સ્વરૂપે શરૂ થયેલા લાલબાગચા રાજાની સ્થાપના અને એક ગુજરાતીનું અનેરું યોગદાન

Published : 13 September, 2024 11:54 AM | Modified : 13 September, 2024 03:35 PM | IST | Mumbai
Manav Desai | manav.desai@mid-day.com

GMD Decodes Lalbaugcha Raja`s History: જ્યારે પરિસ્થિતિ સામન્ય થવાના બધા દરવાજા બંધ થયા ત્યારે લાલબાગના શ્રમિકોએ ભગવાન ગણેશની માનતા માની.

લાલબાગ ચા રાજાના વિવિધ સ્વરૂપો દર્શાવતી તસ્વીર

Exclusives

લાલબાગ ચા રાજાના વિવિધ સ્વરૂપો દર્શાવતી તસ્વીર


દેશભરમાં હાલમાં ગણેશોત્સવનો માહોલ છે. સોસાયટી અને સાર્વજનિક મંડળોમાં બાપ્પાની ભક્તિ જોરશોરથી ચાલી રહી છે. સહુના લાડકા લાલબાગચા રાજાના દર્શન કરવા પણ ભાવિકોની લાંબી કતારો જોવા મળી રહી છે, તો ચાલો આજે આપણે જાણીએ વિશ્વ વિખ્યાત નવસાચા લાડકા બાપ્પા લાલબાગચા રાજાનો (Lalbaug Cha Raja) ઇતિહાસ અને આપણાં એક ગુજરાતીનું બાપ્પાની સ્થાપના પાછળનું અમૂલ્ય યોગદાન. 


સમય હતો વર્ષ ૧૯૩૨નો આપણો દેશ હજુ આઝાદીનો સ્વાદ ચાખી શક્યો નહોતો, પરતું વર્ષોની ગુલામીને પછાડી શીશ ઊંચું રાખી જીવવાની ભાવના જાગૃત કરનારા મહાનુભાવોએ પોતાની લડત ચાલુ રાખી હતી. આવા સમયે મુંબઈના લાલ બાગ વિસ્તારમાં કોળી સમાજ, માછીમારો, કોટનની મિલ્સમાં કામ કરનાર વર્કર્સ લાલબાગની માર્કેટમાં મહેનત કરી પોતાનો ગુજારો કરતાં હતા. રોજ કમાઈને રોજ ખાવા વાળા આ શ્રમિકોના જીવનમાં અચાનક જ એક મોટી સમસ્યા આવી પહોંચી. પેરુલ ચાલની મુખ્ય માર્કેટ અચાનક જ બંધ  કરવામાં આવી, રોજિંદું કામ કરનાર શ્રમિકો માટે આ મહત્ત્વની જગ્યા હતી. મિલ્સનો માલ અને માછલીનો વ્યવસાય કરનાર વેપારીઓનો લગભગ આખો ધંધો આ વિસ્તારમાંથી થતો હતો.



આસ્થા અને આસ્થા દ્વારા બાપ્પાની સ્થાપના

રાતો-રાત આ વેપારીઓનું જનજીવન ખોરવાઇ ગયું. ન છૂટકે તેમને લાલબાગ માર્કેટની ખુલ્લી જગ્યામાં વ્યવસાય કરવાની કરવાની શરૂઆત કરી. જ્યારે પરિસ્થિતિ સામન્ય થવાના બધા દરવાજા બંધ થયા ત્યારે લાલબાગના શ્રમિકોએ ભગવાન ગણેશની માનતા માની. શ્રમિકો લાલબાગ માર્કેટમાં વ્યવસાય માટે પાક્કી અને માલિકીની જગ્યાનું નિર્માણ થાય તેવું ઇચ્છતા હતા. શ્રદ્ધા અને વિશ્વાસનો આ ભાવ આગળ જઈને લાલબાગચા રાજાની સ્થાપનાનો મૂળ બનવાનો હતો. ધીરે ધીરે કુવરજી જેઠાભાઈ શાહ, શ્યામરાવ વિષ્ણુ બોધે, વી.બી. કોરગાંવકર, રામચંદ્ર તવટે, નાખાવા કોકમ મામા, ભાઈસાહેબ શિંદે, યુ.એ. રાવ અને સ્થાનિક રહેવાસીઓએ બજારના પ્લોટ માટે લડત આપવાની શરૂઆત કરી અને આખરે આજ સ્થાનિકોની સહાયથી, મકાનમાલિક રાજાબાઈ તૈયબલી બજાર માટે પ્લોટ સમર્પિત કરવા સંમત થયા. કુંવર્જી જેઠાભાઈ શાહનું પણ આ લડતમાં નોંધપાત્ર યોગદાન હતું. ભાવિકોની ભાવનાનું બાપ્પાએ માન રાખ્યું અને લાલબાગના માછીમારોએ ૧૨ સેપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ બાપ્પાની લાલબાગ માર્કેટમાં સાર્વજનિક રૂપે સ્થાપના કરી. શ્રી ગણેશનું પ્રથમ વર્ષનું રૂપ પણ માછીમારના સ્વરૂપમાં હતું.



બદલાતા વર્ષો અને મૂર્તિઓના જુદા જુદા રૂપ સાથેનો અનેરો સંદેશ

હા , ઘણા વર્ષો સુધી લાલબાગચા રાજાની અલગ અલગ રૂપમાં સ્થાપના કરવામાં આવતી. સમાજમાં ચાલતી દરિદ્રતા અને સમસ્યાઓનું બાપ્પાના રૂપ દ્વારા ચિત્રણ કરવામાં આવતું હતું. ભગવાન વિષ્ણુથી લઈને રામ અને સિતાનું સ્વયંવર, ખાદીનો પ્રચાર કરતાં ચરખો ચલાવતી મૂર્તિ અને અન્ય ઘણા સ્વરૂપોમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવતી હતી. મરાઠીમાં લાલબાગચા રાજાને નવસાચા રાજા એટલે કે માનતાના ગણપતિ પણ કહેવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી વક્રતુંડ મહાકાયની એક ઝલક પામવા આતુર હોય છે. સુશોભિકરણ કરેલો લાલબાગચા રાજાનો (Lalbaug Cha Raja) દરબાર અને તેમનું વિશાળ છતાં લાડલું સ્વરૂપ ભક્તોની આંખોને હર્ષ અને ભક્તિના રસથી ભીની કરી નાખે છે.

લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની અન્ય પ્રવૃત્તિઓ

૧૧ દિવસ બાપ્પાની નિસ્વાર્થ સેવા કર્યા બાદ લાલબાગનું આ મંડળ સમાજ સેવાના કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે, કુદરતી અફતોમાં બચાવ કામગીરી, મફત અન્ન, મફત શિક્ષણ, બ્લડ ડોનેશન કૅમ્પ જેવા વિવિધ સમાજ કલ્યાણના કામમાં મંડળ શરૂઆતથી જ અગ્રેસર રહ્યું છે. ભાવિકો તરફથી બાપ્પાના ચરણે એટલી ભેટો અને દાન કરવામાં આવે છે કે મંડળ ગણેશોત્સવ બાદ આ દાનની નીલામી કરે છે અને દાનની ધન રાશીનો યોગ્ય સ્વરૂપે વહીવટ કરે છે. તાજેતરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને પણ મંડળમાં મેમ્બરશિપ આપવામાં આવી હતી.


ભક્તિ અને ભાવની ઓળખાણ અને પ્રસિદ્ધિથી ખરીદી

લાલબાગચા રાજાના (Lalbaug Cha Raja 2024) દર્શન માટે મુખ દર્શનની લાઇનમાં સરેરાશ ૧૦ કલાક અને ચરણ સ્પર્શની લાઇનમાં ક્યારેક બે દિવસનો પણ સમય લાગે છે, પણ જ્યારે કલાકારો, ઉધ્યોગપતિઓ અને સમાજના જાણીતા ચહેરાઓને પ્રભુત્વ આપી વીવીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવે ત્યારે એવો પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે "શું ભક્તિ પણ હવે ધનીકોની જ  મહોતાજ છે ?". દર વર્ષની જેમ આ વર્ષને પણ રાજાની પાલખી અનંત ચતુરદશીએ વિસર્જન માટે નીકળશે અને લાલબાગથી શરૂ થતી આ યાત્રા બીજા દિવસે સવારે ગિરગામ ચોપાટીમાં પૂર્ણ થશે. ગણપતિ બાપ્પા મોરયાના નાદ અને અશ્રુભીની આંખો સાથે ભાવિકો દ્વારા વિઘ્નહરતાને વિદાય આપતો માહોલ વિશ્વની એક અજાયબી જ છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 03:35 PM IST | Mumbai | Manav Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK