રતન તાતાને હવે તો ભારત રત્ન આપવાની માગણી કરીને રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું... આવી મહાન હસ્તીને ખરેખર તો તેમની હયાતીમાં જ ભારત રત્ન આપવો જોઈએ
ગઈ કાલે મહારાષ્ટ્રની સરકારની કૅબિનેટની મીટિંગમાં રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
મહારાષ્ટ્ર સરકારની ગઈ કાલે કૅબિનેટની બેઠક મળી હતી એમાં રતન તાતાને ભારત રત્ન આપવાની માગણી કરતા ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. આ ઠરાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ગઈ કાલે બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત કૅબિનેટ પ્રધાનોની બેઠક મળી હતી જેમાં સૌથી પહેલાં રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં રતન તાતાને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની માગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ સંબંધે જાહેર કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આપણે મહાન સામાજિક કાર્યકર, દૂરદર્શી અને દેશભક્ત આગેવાનને ગુમાવ્યા છે. રતન તાતાનું યોગદાન ભારતના ઉદ્યોગક્ષેત્રની સાથે સામાજિક ઉત્થાનના કામમાં પણ અભૂતપૂર્વ હતું. રતન તાતાએ કૉર્પોરેટ કંપનીઓમાં અનુશાસન, સ્વચ્છ પ્રશાસન અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનું પાલન કરવા પર કાયમ ભાર મૂક્યો હતો. આને કારણે જ રતન તાતાની દેશ જ નહીં, દુનિયામાં એક મોટા ઉદ્યોગપતિની સાથે સ્વચ્છ ઇમેજ ઊભી કરી હતી. આવી મહાન વ્યક્તિએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એટલે ભારતનો એક મજબૂત પિલર તૂટી પડ્યો છે. તેમને ભારત રત્નથી નવાજવા જોઈએ એવી માગણી કેન્દ્ર સરકારને કરીએ છીએ.’
રતન તાતાને હવે તો ભારત રત્ન આપવાની માગણી કરીને રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું... આવી મહાન હસ્તીને ખરેખર તો તેમની હયાતીમાં જ ભારત રત્ન આપવો જોઈએ
ADVERTISEMENT
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને રતન તાતા પ્રત્યે અપાર પ્રેમ હોવાનું અનેક વખત જણાઈ આવ્યું છે. તેમણે રતન તાતાને ભારત રત્ન આપવા માટેની માગણી કરતો પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે લખ્યો હતો. આ પત્રમાં રાજ ઠાકરેએ લખ્યું છે કે ‘ત્રણ દશક સુધી ભારતના ઉદ્યોગને આકાર દેનારા રતન તાતાને તમે પણ નજીકથી ઓળખો છો એટલે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે તેઓ કોઈ માન-સન્માનની અપેક્ષા રાખનારી વ્યક્તિ નહોતા. ભારતીય ઉદ્યોગજગત અને ભારતીય અર્થવ્યવસ્થાને તેમણે આપેલા યોગદાન અને તેમનું વ્યક્તિત્વ ખૂબ વિશાળ હતું. આવી મહાન હસ્તીને ખરેખર તો હયાત હોય ત્યારે જ ભારત રત્ન જેવા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવા જોઈએ, પણ હવે રતન તાતા આપણી વચ્ચે નથી એટલે તેમને મરણોત્તર આ સન્માન આપવામાં આવે એવી મારી ઇચ્છા અને અપેક્ષા છે. મને લાગે છે કે દરેક ભારતીયની પણ આવી જ અપેક્ષા હશે. રાત્રે રતન તાતાનું અવસાન થયું હોવાનું જાણ્યા બાદ અનેક કાર્યક્રમો લોકોએ જાતે બંધ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. નવરાત્રિમાં રાસગરબા રોકીને લોકોએ બે મિનિટ મૌન રાખ્યું હતું. આવી વિભૂતિને ભારત રત્નથી વધુ શું આપવું જોઈએ? આ બાબતે તમે સંબંધિતોને નિર્દેશ આપીને નિર્ણય લેશો એવી ખાતરી છે. ભારત રત્નોની ખાણ છે, પણ રત્નનું સન્માન કોઈ પણ તેમની હયાતીમાં આપવું જોઈએ. આથી કોઈને મરણોત્તર સન્માન આપવાની જરૂર જ નહીં રહે. શરીર નબળું પડી ગયા બાદ પણ સન્માન આપવામાં આવે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આથી આ વિશે તમે યોગ્ય નીતિ બનાવશો એનો વિશ્વાસ છે.’