એક બાજુ બાકી રહેલી બે વિંગનું ડિમોલિશન ચાલી રહ્યું હશે અને બીજી બાજુ રીડેવલપમેન્ટ માટે બિલ્ડર સાથે મીટિંગ છે
બોરીવલી (વેસ્ટ)ના શ્રી ઓમ ગીતાંજલિનગરની બી-૨ અને બી-૩ વિંગને આજે તોડી પાડવામાં આવશે. (તસવીર : બકુલેશ ત્રિવેદી)
બોરીવલી-વેસ્ટના સાંઈબાબાનગરમાં આવેલા શ્રી ઓમ ગીતાંજલિનગરનું ‘એ’ બિલ્ડિંગ શુક્રવારે તૂટી પડ્યા બાદ શનિવારે એની બાજુનું જ ‘બી-૧’ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું. જોકે હવે એની સામે જ આવેલાં ‘બી-૨’ અને ‘બી-૩’ બિલ્ડિંગ આજે તોડી પાડવામાં આવશે. જોકે સોસાયટીએ એ બંને બિલ્ડિંગ તોડવાનો કૉન્ટ્રૅક્ટ એક પાર્ટીને આપ્યો છે. જો એ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં નહીં તોડે તો બીએમસી એ બંને મકાનો તોડી પાડશે.
‘એ’ બિલ્ડિંગ શુક્રવારે તૂટી પડ્યા બાદ સાવચેતીની દૃષ્ટિએ બીજાં બિલ્ડિંગો પણ ખાલી કરવાનું કહેવાયું હતું. એના રહેવાસીઓનું કહેવું હતું કે વહેલુંમોડું અમારે પણ ફ્લૅટ ખાલી કરવા પડશે એની જાણ હતી, પણ આટલી જલદી નોબત આવશે એવું નહોતું ધાર્યું. શનિવાર અને રવિવાર આ બે દિવસોમાં તેમણે બને એટલો તેમનો સામાન બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધો હતો. દરમિયાન સોસાયટીના સભ્યોએ આજે સોમવારે બપોરે બિલ્ડર જલારામ સંસ્કૃતિ સાથે મીટિંગ રાખી છે અને એમાં મડાગાંઠ ઉકેલવાનો પ્રયાસ થશે એવી તેમને આશા છે.
ADVERTISEMENT
શ્રી ઓમ ગીતાંજલિનગરનું જે ‘એ’ બિલ્ડિંગ શુક્રવારે તૂટી પડ્યું એમાં થ્રી બેડરૂમ હૉલ કિચનના કુલ ૯ ફ્લૅટ હતા. ગ્રાઉન્ડ પ્લસ ૩ માળ પર દરેક માળ પર બે ફ્લૅટ એટલે આઠ ફ્લૅટ હતા અને એક ફ્લૅટ ટેરેસમાં હતો. ગ્રાઉન્ડ પ્લસ ફોરના ‘બી-૧’, ‘બી-૨’ અને ‘બી-૩’ બિલ્ડિંગમાં ટૂ બીએચકેના કુલ ૧૦ ફ્લૅટ હતા. એમ ‘બી-૧’, ‘બી-૨’ અને ‘બી-૩’માં કુલ 30 પરિવાર રહેતા હતા.
ગઈ કાલે ટેમ્પોમાં સામાન ભરીને જઈ રહેલા ‘બી-૨’ના એક રહેવાસીએ કહ્યું હતું કે ‘અમે કેટલાંક વર્ષો પહેલાં જ લાખો રૂપિયા ખર્ચીને મકાન રિપેર કરાવ્યું હતું, પ્લાસ્ટર કરાવ્યું હતું અને સ્ટેરકેસનું કામ પણ કરાવ્યું હતું. જોકે સ્ટેરકેસની જાળી કરાવી નહોતી. હવે જ્યારે કોર્ટે નોટિસ આપી છે અને બીએમસીએ પણ તોડવા કહ્યું છે ત્યારે અમારે ઘર ખાલી કરલા સિવાય છૂટકો નથી. અમને શનિવારે જ કહ્યું કે ઘર ખાલી કરો. અમારી આટલી જલદી ઘર ખાલી કરવાની તૈયાર નહોતી, પણ હવે શું થાય? હાલ તો અમે અમારા ભાઈના ઘરે રહેવા જતા રહ્યા છીએ અને એક ખાલી ફ્લૅટમાં સામાન મૂક્યો છે. પછી આગળ જતાં કોઈ વ્યવસ્થા કરીશું.’
‘એ’ બિલ્ડિંગનાં એક મહિલા રહેવાસીએ આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું હતું કે ‘અમે જ્યારે અહીં કોઈ જ નહોતું ત્યારે રહેવા આવ્યા હતા. કોરા કેન્દ્ર સુધી જ બસ આવતી હતી. આજુબાજુ તો કાદવ હતો અને એમાંથી ચાલીને બિલ્ડિંગમાં અવાતું હતું. અમે એ વખતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ટીપે-ટીપે ઘરવખરી વસાવીને સંસાર ઊભો કર્યો હતો. અહીં જ અમારાં બાળકો મોટાં થયાં છે. અમે આ જગ્યા સાથે લાગણીઓથી જોડાયેલા છીએ. વર્ષો કાઢ્યાં છે અહીં. મકાન જર્જરિત થતાં અમે થોડા વખત પહેલાં જ નજીકના એરિયામાં વન બીએચકેમાં ભાડેથી શિફ્ટ થયા હતા. જોકે પાંચ રૂમનો સામાન વન બીએચકેમાં તો ન જ આવે. એથી ત્યાં ખપપૂરતો સામાન જ લઈ ગયા હતા. બાકી બધો અહીં જ હતો. એ બધું ગયું. શું અમને સરકાર તરફથી કોઈ વળતર મળશે?
આર્થિક મદદ મળશે?’
અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે શુક્રવારે બધાં જ બિલ્ડિંગોને ખાલી કરવા કહ્યું ત્યારે ધીમે-ધીમે જે લોકો ‘બી-૧’, ‘બી-૨’ અને ‘બી-૩’માં રહેતા હતા તેમણે તેમનો સામાન હટાવવા માંડ્યો હતો. બિલ્ડિંગના એક રહેવાસીએ કહ્યું હતું કે ‘શનિવારે ‘બી-૧’માં રહેતા એક ભાઈ તેમનો સામાન કાઢી રહ્યા હતા ત્યારે તેમના ફ્લૅટના બીમમાં તિરાડ પડી હતી. એ પછી થોડી વારે ઉપરથી એક વિન્ડોગ્રિલ પાછળની બાજુએ પટકાઈ હતી. એ વખતે ‘એ’ બિલ્ડિંગના કેટલાક રહેવાસીઓ કાટમાળમાંથી તેમનો બચેલો સામાન વીણી રહ્યા હતા. તેઓ બધા ગભરાઈ ગયા હતા અને આગળની તરફ દોડી આવ્યા હતા. ત્યાર બાદ એની જાણ બીએમસીને કરાઈ હતી અને બીએમસીએ આવીને ‘બી-૧’ બિલ્ડિંગ તોડી પાડ્યું હતું.’
પિલરમાં તિરાડો પડતી હતી અને એમાંથી માટી ખરી રહી હતી
‘એ’ બિલ્ડિંગમાં રહેતા દીપક માંડેકરે કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે હું સહેજ મોડો ઊઠ્યો હતો. ૧૦ વાગ્યે હું ચા પીતો બેઠો હતો ત્યારે મારા પાડોશી ગુરુદેવ નેગી મારા ઘરે આવ્યા અને કહ્યું કે તેમના પિલર્સમાં ક્રૅક પડી છે. એથી અમે કેટલાક જણ તેમના ફ્લૅટમાં ગયા અને જોયું તો પિલરમાં તિરાડો પડી રહી હતી. બહારની તરફ જઈને જોયું તો એ પિલરમાંથી માટી ખરી રહી હતી. એથી અમે બધાએ બિલ્ડિંગ ખાલી કરવાનો નિર્ણય લીધો. અમે મમ્મીને માટે ઓલા બોલાવીને થોડો ઘણો સામાન લીધો અને ૧૧.૩૦ વાગ્યે તેમને સંબંધીને ત્યાં રહેવા મોકલી આપ્યાં. એ પછી અમે ફરી બિલ્ડિંગમાં થોડોઘણો સામાન લેવા જવાના હતા. જોકે એ વખતે વધુ ક્રૅક પડવા માંડી અને પછી તો અમારી અંદર જવાની હિંમત જ ન થઈ અને થોડી જ મિનિટોમાં બિલ્ડિંગ તૂટી પડ્યું.’
અમુક રહેવાસીઓ આડખીલી રૂપ બન્યા
દીપક માંડેકર અને બિલ્ડિંગના અન્ય એક રહેવાસી શિરીષ જૈને કહ્યું હતું કે ‘આ બધું બિલ્ડિંગના રીડેવલપમેન્ટમાં આડે આવનારા બિલ્ડિંગના અમુક રહેવાસીઓને કારણે થયું. બીએમસીની ‘સી-૧’ની નોટિસ મળ્યા બાદ અમારું રીડેવલપમેન્ટ બિલ્ડર જલારામ સંસ્કૃતિ સાથે લગભગ ફાઇનલ જ હતું. એ વખતે તે અમને ૪૫ ટકા વધુ જગ્યા, સ્ક્વેર ફુટ દીઠ ૬૨ રૂપિયા ભાડું અને સાત કરોડ રૂપિયાની બૅન્ક-ગૅરન્ટી આપી રહ્યા હતા. જોકે એ વખતે ત્રણ રહેવાસીઓએ કહ્યું હતું કે બિલ્ડર દ્વારા કરાયેલી ઑફર બરોબર નથી. આપણને આના કરતાં વધુ મળવું જોઈએ. તેમણે બીએમસીની ‘સી-૧’ કૅટેગરીની નોટિસને પણ પડકારી હતી અને સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવીને ‘સી-૨’ કૅટેગરીનો રિપોર્ટ મેળવ્યો હતો. એ મુજબ બિલ્ડિંગ હજી રિપેરેબલ ગણાવી શકાય. તેમનું કહેવું હતું કે બિલ્ડિંગને હજી ત્રણ-ચાર વર્ષ કોઈ વાંધો આવે એમ નથી. અમે તેમને સમજાવતા હતા, પણ તેઓ માનવા જ તૈયાર નહોતા. હવે બિલ્ડિંગ તૂટી ગયું છે ત્યારે તેઓ ‘સી’ બિલ્ડિંગ જે લોઢા ગ્રુપ સાથે વાત કરી રહ્યું છે એની સાથે વાત કરવાનું વિચારી રહ્યા છીએ. અમારું બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ પણ જલારામ સંસ્કૃતિવાળા નટુભાઈ અને રાજેશભાઈએ અમે ફોન કરીને કહ્યું હતું કે ગભરાતા નહીં, જો કોઈ મેમ્બરને પૈસાની આર્થિક મદદ જોઈતી હોય તો કહેજો, અમે આપીશું.’
રહેવાસીઓ માટે બીએમસીની સ્કૂલમાં વ્યવસ્થા
બીએમસીના આર સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર નિવૃત્તિ ગોંધળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે કોર્ટે આદેશ આપતાં અમે એ મકાનો ખાલી કરાવ્યાં છે અને સોમવારે ‘બી-૨’ અને ‘બી-૩’ જો સોસાયટી નહીં તોડે તો અમે તોડી પાડીશું. અમે ‘એ’ બિલ્ડિંગ તૂટી પડ્યું ત્યારે જ ત્યાંના રહેવાસીઓને એક્સરની બીએમસીની સ્કૂલમાં રહેવા માટેની વ્યવસ્થા કરી હતી. ત્યાં ટૉઇલેટ અને બાથરૂમની પણ સગવડ છે. અમે તેમના માટે ચા-નાસ્તો અને ખાવા-પીવાની સાથે ગાદલાં, ઓશીકાં, ચાદરો વગેરેની વ્યવસ્થા પણ કરવાના હતા. બીએમસી આ મદદ માનવતાના ધોરણે કરવાનું હતું. જોકે રહેવાસીઓમાં ઘણા સિનિયર સિટિઝન છે. તેમણે તેમના સંબંધીઓ અને મિત્રવર્તુળમાં રહેવાની વ્યવસ્થા કરી છે. બીજું, બે વર્ષ પહેલાં જ અમે ‘સી-૧’ની નોટિસ આપી હતી અને એ પછી તેમનામાંથી જ કેટલાક લોકો એને પડકારી, ઑડિટ કરાવીને ‘સી-૨’નું સર્ટિફિકેટ લઈ આવ્યા હતા. જોકે એ પછી અમારી બીએમસીની ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીએ એ બંને રિપોર્ટ્સ જોયા હતા અને સ્પૉટ-વિઝિટ કરીને એને આખરે ‘સી-૧’ કૅટેગરીનું મકાન જાહેર કર્યું હતું. એથી અમારે તો તેમના આધારે જ આગળની કાર્યવાહી કરવાની હોય છે. આ સિવાય અમે તેમને વધુ કંઈ આર્થિક મદદ ન કરી શકીએ.’
૦૦૦૦૦૦૦૦૦