આજે બપોરે ત્રણ વાગ્યે શ્રી શત્રુંજય તળેટીથી પાલિતાણાના નાયબ કલેક્ટરની ઑફિસ સુધી સાધુભગવંતોની નિશ્રામાં ગિરિરાજ રક્ષા રૅલીનું આયોજન
અમુક અસામાજિક તત્ત્વો દ્વારા વારંવાર તીર્થ પર અને સાધુભગવંતો પર થતા હુમલાઓના વિરોધમાં અમદાવાદના ઑપેરા સંઘમાં જમા થયેલી જૈનોની મેદની.
એમાં સમગ્ર દેશનાં વિવિધ શહેરોના જૈન સંઘોના યુવાનો હજારોની સંખ્યામાં જોડાશે : લાખો શ્રાવકો-શ્રાવિકાઓએ ત્રણ દિવસના ઉપવાસ કરીને અહિંસક આંદોલનની શરૂઆત કરી : આગળની રણનીતિ નક્કી કરવા મુંબઈમાં મીટિંગ યોજાશે
મુંબઈ : ભાવનગરની બાજુમાં આવેલા જૈનોના શત્રુંજય મહાતીર્થમાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા વારંવાર તીર્થ પર અને સાધુભગવંતો પર થતા હુમલાઓ તથા ગુરુવારે તીર્થ પર મૂકવામાં આવેલા સીસીટીવી કૅમેરાના થાંભલાઓ અને સમગ્ર દેશભરનાં તીર્થનું સંચાલન કરી રહેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બોર્ડ તોડી નાખ્યા બાદ દેશભરના જૈન સમાજમાં પાલિતાણાનાં અસામાજિક તત્ત્વો સામેનો વિરોધ ઉગ્ર બની ગયો છે. અમદાવાદ અને મુંબઈ સહિતનો જૈન સમાજ રોડ પર ઊતરવા માટે તૈયારી કરી રહ્યો છે. શુક્રવારે રાતના અમદાવાદના પાલડીમાં આવેલા શ્રી ઓપેરા સંઘમાં સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા યોજાયેલી મીટિંગમાં આજે ગિરિરાજની સલામતી અને રક્ષણના નાદને બુલંદ કરવા માટે શ્રી શત્રુંજય તળેટીથી પાલિતાણાની નાયબ કલેક્ટરની ઑફિસ સુધી સાધુભગવંતોની નિશ્રામાં ગિરિરાજ રક્ષા રૅલીનું બપોરે ત્રણ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલીમાં અમદાવાદ સાથે સમગ્ર દેશનાં વિવિધ શહેરોના જૈન સંઘોના યુવાનો હજારોની સંખ્યામાં જોડાશે. આ સંદર્ભમાં આગળની રણનીતિ મુંબઈના સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘની સાંતાક્રુઝમાં મીટિંગ યોજવામાં આવી છે.
ADVERTISEMENT
અહિંસક આંદોલનની શરૂઆત
ગુરુવારના તીર્થ પરના હુમલા પછી તપાગચ્છીય પ્રવર સમિતિના જૈનાચાર્યોએ એક સામૂહિક નિવેદન દ્વારા જૈન સમાજને કહ્યું હતું કે ‘અત્યારે ગિરિરાજની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૨૯૦૦મા જન્મકલ્યાણની ગઈ કાલથી ત્રણ દિવસ ઉજવણી પણ ચાલી રહી છે. તે પરમાત્માની કલ્યાણભૂમિ સમેતશિખરજી તીર્થની વર્તમાન પરિસ્થિતિ પણ ચિંતાજનક છે. તેથી સૌકોઈ આરાધકોએ ૧૭, ૧૮ અને ૧૯ ડિસેમ્બરે અઠ્ઠમ, એકાસણાં, જાપ આદિની આરાધના સાથે શત્રુંજય તીર્થ તથા સમેતશિખરજી તીર્થની રક્ષાના ઉદ્દેશ માટે તીવ્ર સંકલ્પપૂર્વક જોડાવાની ખાસ ભલામણ છે. આથી જૈન સમાજનાં લાખો શ્રાવકો-શ્રાવિકાઓ આ ત્રણ દિવસના ઉપવાસ કરીને તીર્થની સુરક્ષાનો સંકલ્પ કરે. આ નિવેદન પછી ગઈ કાલથી દેશભરમાં હજારોની સંખ્યામાં જૈન યુવાનોએ અઠ્ઠમ તપની આરાધનાના માધ્મયથી અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી.
આકરાં પગલાં લેવાનો ગૃહપ્રધાનનો આદેશ
શુક્રવારે અમદાવાદની મીટિંગમાં એકઠા થયેલા અમદાવાદ અને ગુજરાતના અન્ય જૈન સંઘોના હજારો યુવાનો દ્વારા શત્રુંજય તીર્થ પર અવારનવાર થતા હુમલાઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતના જૈન ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જૈન સમાજના આ આક્રોશની અને શત્રુંજય તીર્થના બનાવોની ગંભીર નોંધ લીધી હતી અને તાત્કાલિક વર્ચ્યુઅલ મીટિંગ કરીને પોલીસ અધિકારીઓને સંબંધિત અસામાજિક તત્ત્વો સામે આકરાં પગલાં લેવા માટેનો આદેશ જારી કર્યો હતો.
આખો બનાવ શું છે?
છેલ્લાં થોડાં વર્ષોથી શત્રુંજય ગિરિરાજ પર્વત પર અને એની આસપાસની જમીન પર ગુજરાત હાઈ કોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ગેરકાયદે રીતે અમુક અસામાજિક તત્ત્વો કબજો કરી રહ્યાં છે અને જૈનોના આ તીર્થની પવિત્રતાને ભયાનક આશાતના અને પર્વતની સમગ્ર ઇકો-સિસ્ટમને કાયમ માટે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અહીં ગેરકાયદે માઇનિંગ, દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ ચાલી રહ્યાં છે. જમીનમાફિયાઓ અને જૈનવિરોધી સ્થાપિત હિતો અહીં એકઠાં અને સક્રિય બની ગયાં છે.
પાલિતાણામાં ડોલી કામદાર યુનિયનની ૨૦૨૧માં સ્થાપના થઈ ત્યારથી આજ સુધી પ્રમુખપદે બિરાજેલો મનાભાઈ ગોપાભાઈ રાઠોડ (મના ભરવાડ) પોતાના પદનો સરેઆમ દુરુપયોગ કરીને યુનિયનના મેમ્બરોને ડોળી ભાડે આપવાની ઇજારાશાહી ભોગવે છે. તેની આ પ્રવૃત્તિની દરરોજની હજારો રૂપિયાની આવકમાંથી તેણે ગેરકાયદે પ્રવૃત્તિઓ શરૂ કરી છે. વારતહેવારે મનાભાઈ રાઠોડ જૈન સાધુભગવંતોને ધમકીઓ આપે છે, દાદાગીરી અને ગુંડાગીરી કરે છે. તેની સામે થનારા પર હુમલાઓ કરવામાં આવે છે.
શ્રી આણંદજીની કલ્યાણજીની પેઢી અને અન્ય શ્રાવકો દ્વારા કલેક્ટરને અને પોલીસને ફરિયાદ કરવામાં આવી છે કે મના રાઠોડ અને તેના સાથીદારો તીર્થ પર અશાંતિ અને કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં પાલિતાણામાં વિશ્વભરમાંથી આવતા જૈન યાત્રિકો અને અહીંના જૈનોનાં ધર્મસ્થાનો પર મનાભાઈ રાઠોડ અને સાગરીતો તરફથી ગંભીર ખતરો મંડાઈ રહ્યો છે. મનાભાઈની અને તેના સાગરીતોની આ પ્રવૃત્તિઓનો જૈન સાધુઓ અને શ્રાવકો અવારનવાર વિરોધ કરતા હોવાથી અને સતત પોલીસમાં ફરિયાદો થતી હોવાથી હવે આ ટોળીએ શત્રુંજય તીર્થ પર હુમલા કરવાની શરૂઆત કરી છે.
અમદાવાદની મીટિંગમાં શું ચર્ચાઓ થઈ?
સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના પ્રમુખ મહેન્દ્ર શાહ ‘મિડ-ડે’ને આ બાબતની માહિતી આપતાં કહ્યું હતું કે ‘મનુ ભરવાડ અને તેના સાગરીતો શત્રુંજય તીર્થમાં વાતાવરણ દૂષિત કરી રહ્યા છે. એને પરિણામે જૈન સમાજમાં અને શત્રુંજય તીર્થમાં આવતા યાત્રાળુઓમાં વાતાવરણ ભયભીત બની ગયું છે. આ સંદર્ભની ફરિયાદ સંબંધિત કલેક્ટર, આઇજી, એસીપી, પાલિતાણા ટાઉનના પીઆઇ વગેરેને કરવામાં આવી છે. ગુજરાત સરકાર સામે પણ આ બાબતની અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ પણ પ્રકારનાં નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. આથી શુક્રવારે રાતના યોજાયેલી મહાસંઘની સભામાં જૈન સમાજ દ્વારા માગણીઓ કરવામાં આવી હતી કે રોહિશાળા તીર્થમાં પ્રભુની ચરણપાદુકાની તોડફોડની સરકાર અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે, બાર ગાઉના રૂટ પર અને અન્ય સ્થળે ગેરકાયદે માઇનિંગ થાય છે એ બંધ કરવામાં આવે, મના રાઠોડ અને અન્ય પાંચથી સાત માથાભારે તત્ત્વો પર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, ગિરિરાજ પર કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામો અને દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે, શુક્રવારની અમારી મહાસંઘની ઇમર્જન્સી મીટિંગ સફળતાપૂર્વક પાર પડી હતી એમ જણાવીને સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના સેક્રેટરી પ્રણવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શત્રુંજય તીર્થ પર થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને અવારનવાર થતા હુમલાઓથી સમગ્ર વિશ્વનો જૈન સમાજ અત્યંત ચિંતિત છે. આવાં અસામાજિક તત્ત્વોને તાત્કાલિક ડામી દેવાની અને જૈનોના તીર્થમાં શાંતિ સ્થપાય એ જવાબદારી ગુજરાત સરકારની છે. અમે શુક્રવારની મીટિંગમાં આ મુદ્દાઓ પર કોઈ બાંધછોડ કરીશું નહીં. અમિત શાહના માધ્યમથી આવતા અઠવાડિયા દરમિયાન યોગ્ય સરકારી પ્રધાનો સુધી આ મુદ્દાઓ પહોંચાડીશું જેનું ફૉલોઅપ પણ તેઓ કરશે. આજે ગિરિરાજની રક્ષા ખાતર અમે શત્રુંજય તીર્થમાં સાધુભગવંતોની નિશ્રામાં એક વિશાળ રૅલીનું આયોજન કર્યું છે. આવતા રવિવારે ૨૫ ડિસેમ્બરે રાજનગર-અમદાવાદમાં વિશાળ રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના બધા જ જૈન સંઘો જોડાશે. આમ છતાં સરકાર દ્વારા જલદી સંપૂર્ણ નિરાકરણ આવે એવી રીતનાં પગલાં લેવામાં આવશે નહીં તો જૈનો શાંતિના સ્વરૂપમાંથી શૌર્યનું સ્વરૂપ બતાવવાના માર્ગ પર સત્વર આગળ વધશે.’