ઘાટકોપર-વેસ્ટમાં આઝાદનગર મચ્છી માર્કેટ પાસે ગુરુવારે સાંજે થયેલા અકસ્માતમાં ટેમ્પોએ અડફેટે લેતાં જીવ ગુમાવનાર પ્રીતિ પટેલના ગઈ કાલે પરિવારે ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યા હતા.
અકસ્માતમાં ટેમ્પોએ અડફેટે લેતાં જીવ ગુમાવનાર પ્રીતિ પટેલ.
ઘાટકોપર-વેસ્ટમાં આઝાદનગર મચ્છી માર્કેટ પાસે ગુરુવારે સાંજે થયેલા અકસ્માતમાં ટેમ્પોએ અડફેટે લેતાં જીવ ગુમાવનાર પ્રીતિ પટેલના ગઈ કાલે પરિવારે ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યા હતા. પોલીસે તેના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેનો તાબો પરિવારને સોંપ્યો હતો. એ જ અકસ્માતમાં ઘવાયેલાં તેમનાં વૃદ્ધ માતાને ઝાયનોવા શૅલ્બી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. એવું જાણવા મળ્યું હતું કે તેમણે નજર સામે જ પ્રીતિને દમ તોડતાં જોઈ હતી; કારણ કે તે, પ્રીતિ અને અન્ય એક પાડોશી મહિલા સાથે જ હતાં. ટેમ્પોએ અડફેટે લીધા બાદ પ્રીતિ ટેમ્પો નીચે આવી ગઈ હતી અને તેનાં મમ્મી બાજુમાં ફેંકાઈ ગયાં હતાં, તેમને પગમાં ગંભીર ઈજા થઈ હતી. ટેમ્પો પ્રીતિને આગળ ઢસડી ગયો હતો એ વખતે તેની મમ્મીએ બૂમાબૂમ કરી મૂકી હતી કે કોઈ મારી દીકરીને બચાવો. અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. જોકે અન્ય ઘાયલોને લોકોએ સહેલાઈથી બાજુએ કર્યા હતા, પણ ટેમ્પો નીચે ખરાબ રીતે ફસાઈ ગયેલી પ્રીતિને બહાર કાઢવામાં વાર લાગી હતી. બધા જ ઘાયલોમાં તેને સૌથી છેલ્લે બહાર કાઢવામાં આવી હતી.