ઘાટકોપરમાં રહેતા ૬૩ વર્ષના સિનિયર સિટિઝન મંદિરમાં દર્શન કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે ટૅક્સીએ અડફેટે લેતાં હાથની સર્જરી કરાવવી પડી
અરવિંદ માંડલિયા
ઘાટકોપરમાં રહેતા ૬૩ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન મકરસંક્રાન્તિ નિમિત્તે મંદિરમાં દર્શન કરવા સર્વોદયનગર આવ્યા હતા. તેઓ દર્શન કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવી રહેલી ટૅક્સીની અડફેટે આવી જતાં તેમના હાથ અને પીઠમાં માર વાગ્યો હતો અને એ પછી તેમને નજીકની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરતાં હાથની સર્જરી કરાવવી પડી હતી. ગઈ કાલે આ ઘટનાની ફરિયાદ નોંધીને સિનિયિર સિટિઝનને અડફેટે લેનાર ટૅક્સીની ઘાટકોપર પોલીસ શોધ ચલાવી રહી છે.
ઘાટકોપર-વેસ્ટમાં ગંગાવાડી વિસ્તાર નજીકની એક સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષના અરવિંદ માંડલિયા લેડીઝ ટેલરિંગનો વ્યવસાય કરે છે. અરવિંદભાઈ ૧૫ જાન્યુઆરીએ સંક્રાંત નિમિત્તે સર્વોદયનગર નજીક ગોળીબાર રોડ પર આવેલા રણછોડરાય મંદિરમાં દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પાછા ઘરે ફરી રહ્યા હતા એ દરમ્યાન પાછળથી આવી રહેલી ટૅક્સીની અડફેટે આવતાં તેઓ જમીન પર પટકાયા હતા. આસપાસમાં ભેગા થયેલા લોકોએ તેમને મદદ કરીને સોનેગ્રા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવ્યા હતા. ત્યાર પછી આ ઘટનાને ગંભીરતાથી લેતાં ઘાટકોપર પોલીસે ટૅક્સી-ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
અરવિંદભાઈના પુત્ર મિતેશ માંડલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમનો ઍક્સિડન્ટ થયો ત્યારે તેમના હાથમાં સોજા દેખાયા હતા, જેને તપાસીને ડૉક્ટરે સર્જરી કરવા કહ્યું હતું. તેમની સર્જરી સોમવારે થવાની હતી, પણ બ્લડ-પ્રેશર હોવાથી અને મોટી ઉંમરને કારણે તેઓ ગભરાઈ ગયા એટલે તેમનું બ્લડ-પ્રેશર હાઈ થઈ ગયું હતું. એ પછી ગઈ કાલે તેમના હાથની સર્જરી થઈ હતી.’
ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે ટૅક્સીનો નંબર મેળવ્યો છે, જે એમએચ03ઈબી0674 છે. ફરિયાદીનો હાલમાં ઇલાજ ચાલી રહ્યો છે. તેમની સર્જરી થયા બાદ ફરી વાર સ્ટેટમેન્ટ લેવામાં આવશે.’