ઘાટકોપરના ગુજરાતી આરોગ્ય સેતુ ઍપ પર છેક આઠ મહિને કોરોના નેગેટિવ થયા
આરોગ્ય સેતુ ઍપ પર જિતેન્દ્ર મચ્છર સુરક્ષિત હોવાની જાણકારી
ઘાટકોપરના બાવન વર્ષના ઇન્ટીરિયર ડિઝાઇનર જિતેન્દ્ર મચ્છર આઠ મહિના પછી આરોગ્ય સેતુ ઍપ પર કોવિડ પૉઝિટિવમાંથી કોવિડ નેગેટિવ થયા હતા, જેના માટે તેમણે ‘મિડ-ડે’નો આભાર માન્યો હતો. જિતેન્દ્ર મચ્છરને આરોગ્ય સેતુ ઍપની ભૂલને કારણે આઠ મહિનામાં વ્યવસાય અને આર્થિક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા મે મહિનાથી જિતેન્દ્ર મચ્છર આરોગ્ય સેતુ ઍપમાં સતત કોવિડ પૉઝિટિવ આવતા હોવાથી તેમની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર થઈ રહ્યો હતો.
આખરે ‘મિડ-ડે’ને કારણે હું આરોગ્ય સેતુ ઍપ પર કોવિડ પૉઝિટિવમાંથી નેગેટિવ થતાં હવે હું મારા વ્યવસાય પર રેગ્યુલર જઈ શકીશ એમ જણાવી જિતેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મુસીબતોને ૯ ફેબ્રુઆરીના ‘મિડ-ડે’એ અહેવાલરૂપે પ્રસિદ્ધ કરી હતી. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે તેમણે આ બાબતમાં કેન્દ્ર અને રાજ્યના આરોગ્યપ્રધાન સાથે પણ વાતચીત કરી હતી. ૮ ફેબ્રુઆરીએ મેં આરોગ્ય સેતુ ઍપની હેલ્પલાઇન પર ઈ-મેઇલ પણ કરી હતી. મારા આશ્ચર્ય વચ્ચે ‘મિડ-ડે’ના અહેવાલને પગલે બુધવાર, ૧૧ ફેબ્રુઆરીએ મોડી રાતના મારી આરોગ્ય સેતુ ઍપમાં હું સુરક્ષિત હોવાની જાણકારી મળી હતી. મારા પરિવારને ઍપ પર હું સુરક્ષિત હોવાની જાણકારી મળતાં જ તેમણે બહુ મોટી રાહત અનુભવી હતી. હું આ માટે ‘મિડ-ડે’નો આભાર માનું એટલો ઓછો છે.’

