Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નહીં તો આખું ઘાટકોપર ભડકે બળત

નહીં તો આખું ઘાટકોપર ભડકે બળત

Published : 14 June, 2024 03:24 PM | IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

ઘાટકોપરની હોર્ડિંગ હોનારતને એક મહિનો થયો છે ત્યારે ઘણા અસરગ્રસ્તો ઘટનાસ્થળે ભેગા થયા, સહાયના ચેકમાં ધાંધિયાથી પરેશાન

મામૂલી રાહતનો ચેક આપ્યો એમાં પણ છેકછાકની ફરિયાદ કરી રહેલો  રિક્ષા-ડ્રાઇવર ચંદ્રકાંત સોનાવણે

મામૂલી રાહતનો ચેક આપ્યો એમાં પણ છેકછાકની ફરિયાદ કરી રહેલો રિક્ષા-ડ્રાઇવર ચંદ્રકાંત સોનાવણે


ઘાટકોપરના પેટ્રોલ-પમ્પ પર હો​ર્ડિંગ તૂટી પડ્યું એ વખતે પોતાની કારમાં ગૅસ પુરાવવા ત્યાં ઊભેલા અને આ બનાવને નજરે જોનારા સુરેશ જાયસવાલ ગઈ કાલે ઘટનાસ્થળે ‘મિડ-ડેને મળ્યા. તેમણે કહ્યું કે જમીન પર હજારો લીટર પેટ્રોલ ફેલાઈ ગયું હતું, અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓમાં પણ પેટ્રોલનો મોટો જથ્થો હતો, ગૅસના બાટલા પણ હતા જે ગમે ત્યારે ફાટશે અને આગ લાગશે એવો ભય લાગી રહ્યો હતો એટલે કોઈ બચાવવા આગળ નહોતું વધી રહ્યું; એ તો નસીબ સારાં કે પેટ્રોલમાં આગ લાગી નહીં


ઘાટકોપર-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને પૅરૅલલ આવેલા રેલવે ક્વૉર્ટર્સમાં નિયમો ચાતરીને ઊભું કરાયેલું ​તોતિંગ હોર્ડિંગ બાજુમાં જ ઊભા કરાયેલા પેટ્રોલ-પમ્પ પર પડ્યાને ગઈ કાલે એક મહિનો થયો. ૧૭ જણનો ભોગ લેનાર અને ૭૫ જણને ઘાયલ કરનાર એ ઘટના બાદ નીંભર તંત્ર જાગ્યું હતું અને પગલાં લેવાયાં છે. હાલ એ સ્પૉટ પર પતરાં નાખીને ચારે બાજુથી પેટ્રોલ પમ્પનો વિસ્તાર કૉર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસની એક શાખાના જવાનો ત્યાં બહાર રાઉન્ડ ધ ક્લૉક બે ​શિફ્ટમાં પહેરો કરે છે. કેટલાક લોકો જેઓ ઘાયલ થયા છે અથવા જેમના પરિવારજનો એ ઘટનામાં ઘાયલ થયા છે તેમને સરકાર દ્વારા સહાયના ચેક આપવામાં આવ્યા છે, પણ એમાંય ધાંધિયા છે એટલે લોકો ખુશ નથી. પોલીસે એ ઘટનાના આરોપીઓને પકડ્યા છે. હવે ચાર્જશીટ નોંધાશે અને ત્યાર બાદ રાબેતા મુજબ વર્ષો સુધી કેસ ચાલશે તથા તારીખો પડ્યા કરશે. જે લોકો એમાં માર્યા ગયા તેમના પરિવારજનો માટે અને જે લોકો એમાં ઘાયલ થયા તેમના માટે એ એક લાઇફટાઇમ ન ભુલાય એવો હાદસો હતો. હવે એમાંથી ઊભરીને જીવનની નવેસરથી શરૂઆત કરવાની છે.  



ઘાટકોપરની એ દુર્ઘટનાની સાઇટ પર હજી પણ કેટલોક કાટમાળ પડેલો છે. હોર્ડિંગના લોખંડના સ્ટ્રક્ચરનો ભાગ કાપીને ત્યાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત બાજુના ખાલી પ્લૉટ પર લોકોનાં ચગદાયેલાં વાહનોનો ખડકલો હજી પણ છે. જે લોકો એમાં ઘાયલ થયા તેમને સરકાર દ્વારા ચૂકવવામાં આવેલા વળતર બાબતે અસંતોષ છે. ગઈ કાલે એમાંના કેટલાક લોકો ત્યાં મળ્યા પણ હતા અને હવે એ ચેક વટાવવા કે નહીં, બહુ મામૂલી રકમ હોવાથી એનાથી તેમના જીવનમાં બહુ મોટો ફરક પડવાનો નથી પણ જે નુકસાન થયું છે એ બહુ મોટું છે એટલે હવે એની સામે કઈ રીતે ભેગા મળીને લડવું એ બાબતે હાલ ચર્ચા ચાલી રહી છે.  


હોર્ડિંગ લગાડતી વખતે હવે મંત્રાલયમાંથી પરવાનગી લેવી પડશે

ઘાટકોપર જેવી દુર્ઘટના ફરી ન બને એ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં લગાડવામાં આવનારા હોર્ડિંગ પછી એ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA), મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) કે પછી રેલવેની હદમાં હશે તો પણ તેમણે રાજ્ય સરકારની પરવાનગી લેવાની રહેશે. સરકાર એ માટેના નિયમો તૈયાર કરશે અને એ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય એના પર પણ મંત્રાલયમાંથી નજર રાખવામાં આવશે. મુંબઈમાં હાલ એક પણ નવું હોર્ડિંગ લગાવવા પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બંધી મૂકી દીધી હોવાનું BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું છે.


મારો ભાઈ હવે ગુજરાન કઈ રીતે ચલાવશે?

આ ઘટનામાં ઘાયલ થયેલો અજય શેલાર ગ્રાફિક ​ડિઝાઇનર છે અને દીવામાં રહે છે. તે એ જ લાઇનમાં જૉબ કરતો હતો એમ જણાવતાં ગઈ કાલે ઘટનાસ્થળે તેની બહેન લોચના પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ દિવસે તે તેની બાઇકમાં પેટ્રોલ ભરાવવા ઊભો હતો અને આ દુર્ઘટના બની હતી. તેને કરોડરજ્જુમાં ઈજા થઈ છે અને ઘૂંટણની ઢાંકણી તૂટી ગઈ છે. પહેલાં તેને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને પછી KEM હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. એક મહિનો તો થઈ ગયો. હજી બે મહિના તેણે બેડરેસ્ટ લેવો પડશે. ત્રણ દિવસ પહેલાં જ તેને ​ડિસ્ચાર્જ અપાયો છે. સરકાર તરફથી ૧૬,૦૦૦ રૂપિયાનો ચેક મળ્યો છે, પણ એનાથી શું વળશે? હવે તે સાજો થશે પછી જ ખબર પડી શકે કે તે કેટલું કામ કરી શકે એમ છે. આટલા રૂપિયામાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું?’

મામૂલી રકમનો ચેક આપ્યો અને એમાં પણ છેકછાક

ઘાટકોપરના રમાબાઈનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતા ચંદ્રકાંત સોનાવણેએ ગઈ કાલે ઘટનાસ્થળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ગૅસ ભરાવવા લાઇનમાં ઊભો હતો. મને થોડી ઈજા થઈ, પણ મારી આખી રિક્ષા ચગદાઈ ગઈ છે. રિક્ષાનો ઇન્શ્યૉરન્સ હતો, પણ એમાંથી તો અડધાપડધા જ પૈસા આવશે અને એ પણ ક્યારે આવશે એ ખબર નથી. વળી સરકારે રાહતનો જે ચેક આપ્યો એ માત્ર ૫૪૦૦ રૂ​પિયાનો છે અને એમાં પણ છેકછાક કરેલી છે. આવી બેદરકારી? મારે પત્ની અને ત્રણ બાળકો છે. એક મહિનો થયો, કામધંધા વગર આની પાછળ જ છું. હવે તો ખાવાનાં ફાંફાં પડી રહ્યાં છે.’

હું બચ્યો, પણ ઘટનાસ્થળે કોઈને બચાવવાની હિંમત ન કરી શક્યો

ઘટના વખતે પોતાની વૅગન-આર કારમાં ગૅસ ભરાવવા આવેલા સુરેશ જાયસવાલ પણ ગઈ કાલે ઘટનાસ્થળે ‘મિડ-ડે’ને મળ્યા. એ ઘટનાને તાજી કરતાં તેમણે કહ્યું હતું કે ‘ગૅસ ભરાવવા માટે કારની લાંબી લાઇન હતી. એથી હું બહાર જ કાર ઊભી રાખીને ચા પીવા બાજુની ટપરી પર ઊભો હતો. મારી નજર સામે એ હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પમ્પ પર પડ્યું. અનેક લોકો તથા વાહનો એની નીચે દબાઈ ગયાં. કળ વળ્યા બાદ અનેક ફસાયેલા લોકો બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યા હતા. હું ત્યાં જ ઊભો હતો, પણ તેમને બચાવવાની હિંમત ન કરી શક્યો; કારણ કે હોર્ડિંગ પડવાથી પેટ્રોલ-પમ્પના પાઇપ, એની નોઝલ બધું જ અસ્તવ્યસ્ત પડ્યું હતું અને જમીન પર હજારો લીટર પેટ્રોલ ફેલાઈ ગયું હતું. અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓમાં પણ પેટ્રોલનો મોટો જથ્થો હતો. ગૅસના બાટલા પણ હતા. એ ગમે એ ક્ષણે ફાટશે અને આગ લાગશે એવો ભય લાગી રહ્યો હતો. એથી કોઈ બચાવવા આગળ નહોતું વધી રહ્યું. સદ્નસીબે પેટ્રોલમાં આગ લાગી નહીં. નહીં તો આખું ઘાટકોપર ભડકે બળત.’

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 03:24 PM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK