અરેસ્ટ કરવામાં આવેલા આ બે લોકોની ઓળખ જાહ્નવી મરાઠે અને સાગર પાટીલ તરીકે થઈ છે
ઘાટકોપરમાં ૧૩ મેએ હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના
ઘાટકોપરમાં ૧૩ મેએ હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે શનિવારે ગોવામાંથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. અરેસ્ટ કરવામાં આવેલા આ બે લોકોની ઓળખ જાહ્નવી મરાઠે અને સાગર પાટીલ તરીકે થઈ છે. તેઓ ભાવેશ ભિંડેની કંપની ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલાં હતાં. આ ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે.
જાહ્નવી મરાઠે ગયા વર્ષે ડિસેમ્બર સુધી ઈગો મીડિયામાં ડિરેક્ટર હતી અને તેણે હોર્ડિંગ સંબંધમાં નાણાકીય લાભ મેળવ્યા હતા, જ્યારે સાગર પાટીલ હોર્ડિંગનું માળખું ઊભું કરનાર કૉન્ટ્રૅક્ટર હતો એમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું. સાગર ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે પણ સંકળાયેલો છે. આ કેસમાં અગાઉ સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનોજ સંધુની પણ ધરપકડ કરવામાં આવી હતી જેણે વિગતવાર નિરીક્ષણ કર્યા વિના હોર્ડિંગને સ્થિરતા પ્રમાણપત્ર આપ્યું હતું. આ હોર્ડિંગ હોનારતે ૧૭ જણના જીવ લીધા હતા.