હોર્ડિંગનો જે કાટમાળ કાપીને રખાયો છે એ અન્યત્ર ખસેડાઈ રહ્યો છે.
ઘાટકોપરમાં તૂટી પડેલા હોર્ડિંગની બાજુમાં આવેલા ગેરકાયદે હોર્ડિંગને પણ હવે દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. કામદારો ગઈ કાલે બીજા હોર્ડિંગ પર ચડીને એની પ્લેટો એનાથી છૂટી પાડી રહ્યા હતા. (તસવીર : અતુલ કાંબળે)
ઘાટકોપર-ઈસ્ટમાં તોતિંગ હોર્ડિંગ પેટ્રોલ પમ્પ પર તૂટી પડવાની ઘટના સોમવારે સાંજે ૪.૩૦ વાગ્યે બની હતી. એમાં ૧૬ જણ મૃત્યુ પામ્યા હતા. એ ઘટનાનું રેસ્ક્યુ ઑપરેશન ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે ઘટના બન્યાના ૬૬ કલાક બાદ આટોપી લેવામાં આવ્યું હતું. હવે ત્યાં કોઈ દટાયું હોવાની શંકા નથી. હોર્ડિંગનો જે કાટમાળ કાપીને રખાયો છે એ અન્યત્ર ખસેડાઈ રહ્યો છે.
સોમવારે આવેલા ડસ્ટ સ્ટૉર્મને કારણે જોરદાર પવન ફૂંકાયો હતો અને ત્યાર બાદ કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એ વખતે ઘાટકોપર-ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સામે ઊભું કરાયેલું ૧૨૦x૧૨૦ ફીટનું હોર્ડિંગ બાજુના પેટ્રોલ પમ્પ પર તૂટી પડ્યું હતું અને હોનારત સર્જાઈ હતી. આ ઘટનામાં લોકોને બચાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મુંબઈ ફાયર-બ્રિગેડ, મુંબઈ પોલીસ, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL), નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને મહાનગર ગૅસની ટીમ ઘટનાસ્થળે ગઈ હતી. ગઈ કાલે સવારે BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ સાઇટ પર આવીને નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં હવે કોઈ પણ ફસાયું નથી એની ખાતરી કર્યા બાદ રેસ્ક્યુ ઑપરેશન આટોપી લેવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી.