તેનું કહેવું છે કે ૧૭ જણનો ભોગ લેનારી આ હોનારત ‘ઍક્ટ ઑફ ગૉડ’ હોવાથી તેની સામે કોઈ ગુનો બનતો નથી : ભાવેશ ભિંડે અત્યારે જામીન પર છે
ભાવેશ ભિંડે અને ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાની ફાઇલ તસવીર
મે મહિનામાં બનેલી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ૫૦ વર્ષના ભાવેશ ભિંડેને થોડા સમય પહેલાં જામીન મળ્યા બાદ હવે તેણે સેશન્સ કોર્ટમાં આ કેસમાંથી મુક્તિ (ડિસ્ચાર્જ) મેળવવાની અરજી કરી છે. ૧૩ મેએ બનેલી આ હોનારતમાં ૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં.
ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ભાવેશ ભિંડેએ કોર્ટને કરેલી અરજીમાં કહ્યું છે કે ‘આ હોનારત કોઈ ભૂલ કે બેદરકારીને લીધે નહોતી થઈ. આ તો નૅચરલ ડિઝૅસ્ટર હતું અને એ ‘ઍક્ટ ઑફ ગૉડ’ હોવાથી મનુષ્યના કન્ટ્રોલની બહારની ઘટના હતી.’
ADVERTISEMENT
ભાવેશ ભિંડેએ તેમના પર પોલીસે લગાવેલા આરોપ વિશે કહ્યું હતું કે ‘જે જગ્યાએ હોર્ડિંગ હતું એ રેલવેની જગ્યા હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની પરવાનગી લેવાની જરૂર જ નહોતી. આ માટે રેલવેની જ પરવાનગીની જરૂર હતી અને એ મેં લીધી હતી.’
આ કેસમાં પોલીસે એવો આરોપ મૂક્યો છે કે BMCની પરવાનગીની જરૂર હોવાનું ઇગો મિડિયા પ્રાઇવેટ લિમિટેડને ખબર હોવા છતાં તેણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને BMCના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને ગેરકાયદે હોર્ડિંગ ઊભું કર્યું હતું. જોકે આની સામે ભાવેશ ભિંડેએ પોતાની ડિસ્ચાર્જ ઍપ્લિકેશનમાં લખ્યું છે કે ‘રેલવેએ આ બાબતે હાઈ કોર્ટના રિટાયર્ડ જજનો ઓપિનિયન લીધો હતો અને તેમણે કહ્યું હતું કે રેલવેની જમીન પર હોર્ડિંગ લગાવવાની પરવાનગી આપવી જોઈએ કે નહીં એ BMCના કાર્યક્ષેત્રમાં આવતું ન હોવાથી એની પરવાનગી લેવાની જરૂર નથી કે એને આનો કોઈ ટૅક્સ કે ફી લેવાનો પણ અધિકાર નથી. આ જ કારણસર મેં સુધરાઈની કોઈ પરવાનગી નહોતી લીધી.’