Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરનો ગુજરાતી યુવાન પહેલાં ફરિયાદી બન્યો, પણ તપાસ કર્યા પછી પોલીસે તેને બનાવ્યો આરોપી

ઘાટકોપરનો ગુજરાતી યુવાન પહેલાં ફરિયાદી બન્યો, પણ તપાસ કર્યા પછી પોલીસે તેને બનાવ્યો આરોપી

25 September, 2024 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિક્રોલીમાં ૨૫ ઑગસ્ટે થયેલા ઍક્સિડન્ટના કેસમાં જબરદસ્ત વળાંક : ચેમ્બુરની ડેન્ટિસ્ટ ડૉ. વિભૂતિ ખત્રીના મૃત્યુ માટે તેના જ ફ્રેન્ડ વિશાખ પટેલની પોલીસે કરી ધરપકડ

વિશાખ પટેલની કાર.

વિશાખ પટેલની કાર.


વિક્રોલીમાં ૨૫ ઑગસ્ટે થયેલા ઍક્સિડન્ટના કેસમાં જબરદસ્ત વળાંક : ચેમ્બુરની ડેન્ટિસ્ટ ડૉ. વિભૂતિ ખત્રીના મૃત્યુ માટે તેના જ ફ્રેન્ડ વિશાખ પટેલની પોલીસે કરી ધરપકડ : પોલીસનું કહેવું છે કે ગેરમાર્ગે દોરવા અકસ્માત બાદ વિશાખે કન્ટેનરચાલક સામે ફરિયાદ નોંધાવી હતી, જોકે તેણે જ દારૂ પીને કાર ચલાવીને ઍક્સિડન્ટ કર્યો હતો


ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૨૫ ઑગસ્ટે થયેલા ઍક્સિડન્ટના કેસમાં વિક્રોલી પોલીસે કરેલી તપાસમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. ચેમ્બુરમાં રહેતી ડેન્ટિસ્ટ ડૉ. વિભૂતિ ખત્રીના મૃત્યુ માટે ઘાટકોપરમાં એમ. જી. રોડ પર રહેતા ૨૭ વર્ષના વિશાખ પટેલની પોલીસે ધરપકડ કરી છે. વિશાખે અકસ્માત બાદ કન્ટેનરચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે એ સમયે તેણે દારૂ પીને કાર ચલાવી હોવાથી વિભૂતિનું મૃત્યુ થયું હોવાનો આરોપ પોલીસે કર્યો છે.



વિશાખે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્લાન જબરદસ્ત બનાવ્યો હતો, પણ અમે કરેલી મેડિકલ ટેસ્ટ અને ટેક્નિકલ તપાસમાં તે પકડાઈ ગયો હતો એમ જણાવતાં વિક્રોલી પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઑફિસર રમેશ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૪ ઑગસ્ટે રાતે ૧૧ વાગ્યે વિશાખ અને વિભૂતિ ઘાટકોપરના રમાબાઈનગરમાં તેમના એક મિત્ર યશરાજ સિંહને મળવા ગયાં હતાં. ત્યાં વધુ એક મિત્ર ઈશાન પટેલ પણ તેમની સાથે જોડાયો હતો. રાતે ૩ વાગ્યે યશરાજ પોતાની કારમાં બીજા ત્રણેને વિશાખના ઘર પાસે છોડીને ઘરે ચાલ્યો ગયો હતો. ત્યાર પછી વિશાખે પોતાની કારમાં પહેલાં પવઈમાં રહેતા ઈશાનને ડ્રૉપ કર્યો હતો અને ત્યાર પછી ચેમ્બુરમાં રહેતી વિભૂતિને છોડવા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી જઈ રહ્યાં હતાં ત્યારે એક કારને આગળની બાજુથી વિશાખની કારે ટક્કર મારતાં આગળની ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર બેસેલી વિભૂતિ ગંભીર રીતે જખમી થઈ હતી અને તેને તાત્કાલિક લીલાવતી હૉસ્પિટલમાં ઇલાજ માટે ઍડ્‍મિટ કરવામાં આવી હતી. આ ઘટનાના બીજા દિવસે વિશાખે પોલીસ-સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે તેમની કારની પાછળ આવી રહેલા એક કન્ટેનરે પહેલાં તેમની કારને ઓવરટેક કરી હતી અને ત્યાર બાદ એ કન્ટેનર આગળ જઈને ઊભું રહી જતાં તેમની કાર કન્ટેનરને ટકરાઈ હતી. એટલે અમે પ્રાથમિક માહિતી અનુસાર અજ્ઞાત કન્ટેનરચાલક સામે રૅશ ડ્રાઇવિંગની ફરિયાદ નોંધી હતી. એમાં ફરિયાદી વિશાખ પટેલને બનાવવામાં આવ્યો હતો. જોકે એ સમયે વિશાખ કાર ડ્રાઇવ કરી રહ્યો હોવાથી તેની મેડિકલ ટેસ્ટ કરીને એને રિપોર્ટ માટે કાલિના લૅબમાં મોકલ્યું હતું, જેનો રિપોર્ટ અમારી પાસે ૧૯ સપ્ટેમ્બરે આવ્યો હતો. એમાં વિશાખે દારૂ પીધો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ પછી અમે ટેક્નિકલ તપાસ કરી હતી જેમાં સાબિત થયું હતું કે વિશાખે જ દારૂ
પીને ફાસ્ટ કાર ચલાવી હતી જેને કારણે આ અકસ્માત થયો હતો એટલે આ કેસમાં અમે વિશાખની ધરપકડ કરી છે.’


પ્રાથમિક તપાસમાં અમે ફરિયાદીને જ આરોપી સાબિત કર્યો છે એમ જણાવતાં વિક્રોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર સૂર્યકાંત નાયકવાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ ઑગસ્ટે વિભૂતિ ખત્રીના મૃત્યુ બાદ અમારી પાસે કરેલી ફરિયાદમાં કન્ટેનરની ભૂલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમે ઘટનાની તપાસ દરમ્યાન એ સમયે કાર ચલાવનાર વિશાખની પણ મેડિકલ ટેસ્ટ કરી હતી જેનો રિપોર્ટ હાલમાં અમારી પાસે આવ્યો હતો. આ રિપોર્ટમાં વિશાખે દારૂ પીને કાર ચલાવી હતી એટલે તેની જ બેદરકારીને કારણે વિભૂતિનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતાં અમે વિશાખની ધરપકડ કરી છે.’

 


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK