આમ કહ્યું ઘાટકોપરમાં દસ દિવસ પહેલાં કોચિંગ ક્લાસિસમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા ૧૮ વર્ષના સ્ટુડન્ટના પપ્પાએ
ઘાટકોપરની આગમાં મૃત્યુ પામેલો ૧૮ વર્ષનો ઇદ્રિસ વિજય સાહિત્ય
ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પર આવેલા પાંચ માળના કમર્શિયલ બિલ્ડિંગ માધવ અપાર્ટમેન્ટમાં શનિવારે ૧૭ ડિસેમ્બરે બપોરે પોણાબે વાગ્યે લાગેલી આગમાં આ જ બિલ્ડિંગના ચોથા માળે આવેલા કાર્લા શુક્લા ક્લાસિસના નીટનો અભ્યાસ કરી રહેલા ચેમ્બુરના રહેવાસી ૧૮ વર્ષના ઇદ્રિસ વિજય સાહિત્યનું ગુરુવારે રાતે ૧૧.૨૩ વાગ્યે નવી મુંબઈના નૅશનલ બર્ન્સ સેન્ટરમાં મૃત્યુ થયું હતું. ઇદ્રિસ આગમાં ૪૦ ટકા દાઝી ગયો હતો. સાહિત્ય પરિવારનો એકનો એક દીકરો હોવાથી ઇદ્રિસના મૃત્યુથી તેની મમ્મી, બહેન અને પિતા ગમગીન બની ગયાં હતાં. ગઈ કાલે ઇદ્રિસના મૃત્યુના શોકમાંથી બહાર આવતાં તેના ઍડ્વોકેટ પિતા વિજય સાહિત્યએ કહ્યું કે ‘મારા મૃતક પુત્રને ન્યાય અપાવવા માટે હું કોર્ટના દરવાજા ખખડાવીશ, પણ ગઈ કાલ સુધી પોલીસે હજી આગના બનાવ પછી કોઈની પણ સામે એફઆઇઆર ફાઇલ કર્યો નથી. તેઓ ફાયરબ્રિગેડના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. અત્યારે મારો પરિવાર અત્યંત આઘાતજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, પણ અમે થોડા જ દિવસમાં મારા પુત્ર માટે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશું.’
પાંચ માળના કમર્શિયલ બિલ્ડિંગ માધવ અપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે પાંચમા માળ સુધીની બધી જ ઑફિસો કાર્યરત હતી. આગ લાગતાં જ વાતાવરણ પેનિક બની ગયું હતું. આગ બુઝાયા બાદ પોલીસ અને ફાયરબ્રિગેડને સૌથી પહેલી ડેડ બૉડી ચોથા માળે આવેલી માલદે કૅપેસિટર્સ કંપનીમાં કામ કરતા ૪૩ વર્ષના કોરશી દેઢિયાની મળી હતી. ત્યાર પછી તેની જ ઑફિસમાં કામ કરતી ૪૫ વર્ષની અંજલિ બિવાલકર ૭૦ ટકા બળેલી હાલતમાં મળી આવી હતી. અંજલિના ત્યારે શ્વાસ ચાલતા હોવાથી તેને સીધી જ નૅશનલ બર્ન્સ સેન્ટરમાં સારવાર માટે મોકલી આપી હતી, જ્યાં ૧૯ ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. એ સમયે કાર્લા શુક્લા ક્લાસિસના આ જ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે સ્ટુડન્ટ્સ ચેમ્બુરના રહેવાસી ૧૮ વર્ષના ઇદ્રિસ વિજય સાહિત્ય અને કુર્લાની રહેવાસી ૧૮ વર્ષની તાનિયા સંજય કાંબળેની તબિયત સુધારા પર હતી, જેમાં તાનિયા ૨૦ ટકા અને ઇદ્રિસ ૪૦ ટકા દાઝી ગયેલી હાલતમાં વેન્ટિલેટર પર હતાં.
ADVERTISEMENT
ઇદ્રિસને સોમવાર, ૧૯ ડિસેમ્બરે અમે રાજાવાડી હૉસ્પિટલમાંથી નૅશનલ બર્ન્સ સેન્ટરમાં લઈ ગયા હતા. આ સમયે તે થોડો હોશમાં આવ્યો હતો. આ માહિતી આપતાં તેના ૨૨ વર્ષથી ઍડવોકેટની પ્રૅક્ટિસ કરતા પિતા વિજય સાહિત્યે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાં ઇદ્રિસનું ઑક્સિજન લેવલ ઓછું થતું હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ બીજા દિવસે તેનું ઑક્સિજન લેવલ ઇમ્પ્રૂવ થતાં તેને વેન્ટિલેટરમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. જોકે ફરીથી બુધવારે તેનું ઑક્સિજન લેવલ અપ-ડાઉન થતાં ડૉક્ટરે તેને વેન્ટિલેટર પર રાખવાનો નિર્ણય લીધો હતો. ગુરુવારે પાછો તેના ઑક્સિજન લેવલમાં સુધારો થયો હતો. જોકે સાંજના પાછી તેની તબિયત લથડી હતી. ત્યાર પછી મારી નજર સામે જ રાત સુધીમાં ધીરે-ધીરે કરતાં ઑક્સિજન લેવલ ઝીરો પર આવી ગયું હતું અને તેનું ડેથ થઈ ગયું હતું.’
નાનપણથી જ મારા ઇદ્રિસને ડૉક્ટર બનવાની મહેચ્છા હતી. મેં તેની નીટની પરીક્ષા પછી ન્યુ યૉર્કમાં ડૉક્ટરના ઍડમિશન માટે વ્યવસ્થા પણ કરી રાખી હતી. આ માહિતી આપતાં વિજય સાહિત્યે કહ્યું હતું કે ‘ઇદ્રિસ નાનપણથી ટૉપર હતો. અમારી ફૅમિલીમાં કોઈ પણ બીમાર પડે તો તે કહેતો કે અત્યારે ડૉક્ટરોનાં બીલ ચૂકવી દો. હું ડૉક્ટર બનીને કમાઈ લઈશ, બધાની સારવાર પણ કરીશ. અમને મળેલા સમાચાર પ્રમાણે આગ લાગી એ દિવસે પણ ઇદ્રિસે તેના સહાધ્યાયીઓની ભીનો રૂમાલ નાક પર રાખવાની, ઑક્સિજન કેમ મળી શકે એના માટે શું કરવું જોઈએ એવાં માર્ગદર્શનો આપીને અનેક વિદ્યાર્થીઓના જાન બચાવ્યા હતા. છેલ્લે અચાનક તે થાકીને પડી જતાં આગની લપેટમાં આવી ગયો હતો અને તેનો જાન ગુમાવ્યો હતો.’
અમને ગઈ કાલ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી, એમ જણાવતાં ઍડવોકેટ વિજય સાહિત્યે કહ્યું હતું કે ‘આગ પછી આજ સુધી તેના ક્લાસિસના મૅનેજમેન્ટે, સોસાયટીના કાર્યકરોએ ઇદ્રિસની ચિંતા કે પૂછપરછ કરી નથી. અમને એવી પણ જાણકારી મળી છે કે, માધવ અપાર્ટમેન્ટમાં આ અગાઉ પણ બે વાર આગ લાગી હતી. અત્યારે હું અને પરિવાર મારા એકના એક દીકરાને ગુમાવવાથી ખૂબ જ આઘાતમાં છીએ, પણ ટૂંક સમયમાં હું મારા મૃતક પુત્રને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જઈશ. મારી સાથે અંજલિ બિવાલકર અને તાનિયા કાંબલેના પરિવાર પણ કોર્ટમાં જવાનું વિચારી રહ્યા છે.’
તાનિયાની તબિયત કેમ છે?
ઍડ્વોકેટ વિજય સાહિત્યે કહ્યું હતું કે ‘ઇદ્રિસ સાથે નૅશનલ બર્ન્સ સેન્ટરમાં સારવાર લઈ રહેલી તાન્યા સંજય કાંબળેની તબિયત પણ હજુ સારી નથી. પહેલા દિવસથી તાન્યા વેન્ટિલેટર પર છે. તેને પહેલા દિવસથી તાવ ઊતરતો નથી. ગઈ કાલે પણ તેની હાલત એવી ને એવી જ હતી.’