બારના મૅનેજર, વેઇટર સહિત ૯ જણની ધરપકડ
ઘાટકોપરના નાઇન્ટી ફીટ રોડ પર આવેલી હેડક્વૉર્ટર્સ બાર ઍન્ડ રેસ્ટોરાં.
ઘાટકોપર-ઈસ્ટમાં નાઇન્ટી ફીટ રોડ પર આવેલા હેડક્વૉર્ટર્સ બાર ઍન્ડ રેસ્ટોરાંમાં શનિવારે પિતા સાથે કામસર ગયેલા ૪૦ વર્ષના હર્ષ લાલનનું મારપીટ દરમ્યાન મૃત્યુ થયું હોવાની ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં સોમવારે સાંજે નોંધાઈ હતી. આ મામલે પોલીસે હર્ષની મારપીટ કરનારા બારના મૅનેજર, વેઇટર સહિત ૯ લોકોની ધરપકડ કરી છે. અંધેરી-ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ પરની રત્નતંરગ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના કિરણભાઈ પુત્ર હર્ષ સાથે હેડક્વૉર્ટર્સ બારના મૅનેજર સંતોષ શેટ્ટીને મળવા ગયા હતા. કલાકો સુધી બેસ્યા બાદ સંતોષ ન આવતાં હર્ષ તેની પૃચ્છા કરવા માટે બારના કૅશ-કાઉન્ટર પર ગયો હતો અને એ જ વખતે સંતોષ આવ્યો હતો અને હર્ષની મારપીટ કરવામાં આવી હતી. હર્ષને બચાવવા જતાં પિતા કિરણભાઈની પણ મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
હર્ષના પિતા પણ હુમલામાં ઘાયલ થયા હતા એટલે તેમની ફરિયાદ પર અમે હત્યાનો ગુનો નોંધીને મૅનેજર, વેઇટર સહિત ૯ જણની ધરપકડ કરી એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિરણભાઈ અને તેમનો પુત્ર હર્ષ શનિવારે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ હેડક્વૉર્ટર્સ બાર ઍન્ડ રેસ્ટોરાંના મૅનેજર સંતોષ શેટ્ટીને મળવા માટે ગયા હતા. ત્યાં જઈને સંતોષને ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો નહોતો એટલે આશરે ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ હર્ષે ૧૦ વાગ્યાની આસપાસ બાર-મૅનેજરને સંતોષ વિશે પૂછ્યું હતું. આનાથી ગુસ્સે થયેલા મૅનેજરે હર્ષ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું હતું અને પછી મૅનેજર અને ત્યાં રહેલા સાત-આઠ વેઇટરોએ હર્ષને લાતો અને હાથેથી માર માર્યો હતો. એ સમયે કિરણભાઈ હર્ષને બચાવવા જતાં તમામે મળીને તેમને પણ માર માર્યો હતો. ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ હર્ષને રાજાવાડી હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી સારવાર લીધા બાદ હર્ષ ઘરે પહોંચ્યો હતો અને ઊંઘમાં જ તેનું મૃત્યુ થયું હતું. આ મામલે કિરણભાઈએ પોતાની ફરિયાદ પહેલાં અંધેરીના ડી. એન. નગર પોલીસમાં નોંધાવી હતી. જોકે આ કેસ અમારા પોલીસ-સ્ટેશનની હદમાં બન્યો હોવાથી કેસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ મામલે અમે બારના મૅનેજર સંતોષ શેટ્ટી સહિત શાહિદ અન્સારી, પટ્ટુસ્વામી ગૌડા, ભગવાન સિંહ, સુનીલ રવાણી, રાજેશ યાદવ, સોહેલ હુસેન અને અમર પાટીલની ધરપકડ કરી છે.’
ADVERTISEMENT
કિરણભાઈ બારના મૅનેજર સંતોષ પાસે પૈસાની માગણી કરવા બારમાં આવ્યા હતા એમ જણાવતાં ઘાટકોપર ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) શૈલેશ પાસલવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંધેરીમાં જગ્યાની મૅટરમાં સંતોષે કિરણભાઈ પાસે પૈસા લીધા હતા જે પાછા ન આપતાં બન્ને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો હતો. દરમ્યાન શનિવારે પોતાના પૈસા લેવા માટે બાપ-દીકરો આવ્યા ત્યારે સંતોષ બારમાંથી બહાર નીકળી ગયો હતો, પરંતુ તેની રાહ જોઈને બાપ-દીકરો બારમાં જ બેસી રહ્યા હતા, જ્યારે સંતોષ બારમાં આવ્યો ત્યારે તેમની વચ્ચે થયેલી દલીલમાં મારપીટ થઈ હતી.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)