મુંબઈમાં ગયા વર્ષે ૨,૦૫,૦૦૦ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે ૨,૧૯,૬૦૩નું થયું : જોકે મુંબઈ કરતાં વસઈ-વિરારના ગણેશભક્તો વધુ પર્યાવરણપ્રેમી
ગઈ કાલે ગિરગામ ચોપાટી પર વિસર્જન માટે લાઇનબંધ ઊભેલી ગણેશમૂર્તિઓ (તસવીર : સૈયદ સમીર અબેદી)
ગયા વર્ષે મુંબઈમાં ગણેશોત્સવમાં ૨,૦૫,૦૦૦ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું. એમાં આ વખતે ૧૪,૬૦૩ મૂર્તિઓના વધારા સાથે કુલ ૨,૧૯,૬૦૩ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી છે. આથી જણાઈ આવે છે કે મુંબઈમાં ગણપતિબાપ્પાની સ્થાપના કરવાનો ક્રેઝ વધી રહ્યો છે.
મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવમાં મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થતું હોય છે એને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), થાણે મહાનગરપાલિકા, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા અને વસઈ-વિરાર મહાનગરપાલિકાએ આ વખતે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. તમામે કુદરતી બીચ સહિતનાં સ્થળોને બદલે કૃત્રિમ તળાવમાં વધુ ને વધુ લોકો મૂર્તિઓનું વિસર્જન કરે એવી વ્યવસ્થા કરી હતી. જોકે આ પ્રયાસને ધારી સફળતા ન મળી હોવાનું જણાયું છે.
ADVERTISEMENT
૨,૧૯,૬૦૩
મુંબઈમાં ૧૧ દિવસના ગણેશોત્સવમાં આટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મૂર્તિના વિસર્જન માટે ૨૦૦થી વધુ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં હતાં. જોકે કુલ વિસર્જિત કરવામાં આવેલી મૂર્તિમાંથી આવાં તળાવોમાં માત્ર ૪૦.૨૬ ટકા એટલે ૮૮,૪૧૮ મૂર્તિ જ પધરાવવામાં આવી હતી.
૩૩,૭૦૧
વસઈ-વિરારમાં આટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાંથી ૧૯,૮૫૩ એટલે કે ૫૮.૯૧ ટકા મૂર્તિઓ ૫૮ જગ્યાએ બનાવવામાં આવેલાં ૧૦૫ કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરવામાં આવી હતી.
૧૭,૪૭૬
મીરા-ભાઈંદરમાં આ વર્ષે આટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે અહીં બનાવવામાં આવેલાં ચાર કૃત્રિમ તળાવમાં આમાંથી માત્ર ૧૯૬૮ એટલે કે ૧૧.૨૬ ટકા મૂર્તિ જ પધરાવવામાં આવી હતી.
૮૫૨૨
થાણે શહેરમાં આ વર્ષે આટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાંથી ૩૯૯૪ એટલે કે ૪૬.૮૬ ટકા મૂર્તિઓ અહીં બનાવવામાં આવેલાં ૧૫ કૃત્રિમ તળાવમાં પધરાવી હતી.