આ સિવાય ગણેશોત્સવના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગણેશોત્સવ સંકલન સમિતિના સભ્યો સાથે મીટિંગ કરી
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિના પદાધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
ગણપતિબાપ્પાના આગમનને હવે માત્ર ૧૫ દિવસ બાકી છે ત્યારે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિ સાથે વિવિધ મુદ્દા વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બેઠકનું આયોજન કર્યું હતું. એમાં તમામ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમ્યાન ૨૫, ૫૦, ૭૫ વર્ષની ઉજવણી કરી રહેલાં ગણેશોત્સવ મંડળોને સતત પાંચ વર્ષ માટે મંજૂરી આપવી જોઈએ, ગણેશોત્સવ મંડળો પાસેથી વસૂલ કરવામાં આવતો કમર્શિયલ અસેસમેન્ટ ટૅક્સ કાયમી સ્વરૂપે બંધ કરવામાં આવે, રસ્તાઓ પર તમામ બંધ સીસીટીવી કૅમેરા તરત ચાલુ કરવામાં આવે, સ્વચ્છ ભારત મિશન હેઠળ ગણેશોત્સવ દરમ્યાન નાના રસ્તાઓ પરથી કચરો દૂર કરવામાં આવે જેવી અનેક સૂચના મુખ્ય પ્રધાન દ્વારા અધિકારીઓને આપવામાં આવી હતી.
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિ સાથે મુખ્ય પ્રધાને ચોથી સપ્ટેમ્બરે સહ્યાદ્રિ ગૃહ ખાતે યોજાયેલી ગણેશોત્સવ વિશેની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જૂના ગણેશોત્સવ ઉજવનારાઓ એટલે કે આ મંડળનાં ૨૫, ૫૦, ૭૫ વર્ષ જેઓ ઊજવી રહ્યાં છે એવાં મંડળો માટે મુખ્ય પ્રધાન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવી હતી કે પાંચ વર્ષ સુધી સળંગ પરવાનગી આ મંડળને આપવામાં આવે. એ સાથે જાહેર ગણેશોત્સવ મંડળો પાસેથી વસૂલ કરવામાં આવતો કમર્શિયલ અસેસમેન્ટ ટૅક્સ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. રોડ પરના બંધ સીસીટીવી કૅમેરા રિપેર કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છ મુંબઈ મિશન હેઠળ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે ગણેશોત્સવના સમયગાળા દરમ્યાન જાહેર રસ્તાઓ અને ગલીઓમાંથી કચરો દૂર કરવામાં આવે. ગણેશોત્સવના સમયગાળામાં આવતા ભક્તોને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે એ માટે રોડની બન્ને બાજુએ પાર્ક કરાયેલાં વાહનોને કાયમી ધોરણે દૂર કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. G20ની પૃષ્ઠભૂમિમાં ગણેશોત્સવના સમયગાળા દરમ્યાન લાઇટિંગ તેમ જ આવનારા ગણેશભક્તો અને ભાવિકો માટે મોબાઇલ ટૉઇલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તેમ જ વિભાગના બોર્ડની ફરિયાદ મુજબ કમિશનરને ફરી સૂચના આપવામાં આવી હતી કે હજી સુધી વૃક્ષ કાપવાની કામગીરી પૂરી કરવામાં આવી નથી એ કરવામાં આવે. એ સાથે રાત્રે ૧૨ વાગ્યા સુધીની પરવાનગી માત્ર ત્રણ દિવસ જ હાલમાં છે, જેમાં વધુ એક દિવસ વધારવાની માગણી કરવામાં આવી છે. સંકલન સમિતિએ ધ્વનિપ્રદૂષણ અધિનિયમ હેઠળ કાર્યકરો સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાની વિનંતી કરી હતી. ભગવાન ગણેશના આગમન અને વિસર્જનના માર્ગ પર કોઈ જાતની પરેશાની ન થાય એ સાથે કેટલાક પુલો પર હાલમાં કામ ચાલુ છે એવી જગ્યાઓ પર સંબંધિત વિભાગો દ્વારા બીજો પર્યાય રસ્તો જણાવવા માટે કહેવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. સમિતિએ ગણેશવિસર્જન અને આગમન સમયે મહિલાઓ માટે મોબાઇલ ટૉઇલેટની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો અને એને મંજૂર કરવામાં આવ્યો હતો. ઑર્ગન ડોનેશન વિશે બોર્ડ દ્વારા જનજાગૃતિ ઊભી કરવી જોઈએ એ બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિના અધ્યક્ષ નરેશ દહીબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશોત્સવ દરમ્યાન મંડળો, મૂર્તિકારો અને દર્શન માટે આવતા ભાવિકોને કોઈ પરેશાની ન થાય એ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો મુખ્ય પ્રધાનની હાજરીમાં લેવામાં આવ્યા હતા. એ સાથે સંબંધિત વિભાગોને સૂચના પણ મુખ્ય પ્રધાન તરફથી આપવામાં આવી હતી.’

