ભિવંડીનું આ ગણેશ મંડળ આ વખતે ગણરાયાને બિરાજમાન નથી કરી શક્યું. એનું કહેવું છે કે કોરોનાનાં સતત બે વર્ષ અમે જમા રહેલા ભંડોળને જરૂરિયાતમંદો અને વૅક્સિનમાં વાપર્યું હોવાથી ફંડ બચ્યું નહોતું અને હાલમાં જ લોકોના ધંધા પાટે ચડ્યા હોવાથી વર્ગણી પણ નહોતી મળી
Ganeshotsav
ડ્રીમ કૉમ્પ્લેક્સ સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં ગયા વર્ષે ગણરાયાની પધરામણી કરવામાં આવી હતી ત્યારની ફાઈલ તસવીર.
કોરોના મહામારીનાં બે વર્ષ બાદ લોકો ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અનેક ગણેશ મંડળો મોંઘવારી અને ગણેશોત્સવમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર જીએસટી લાગવાથી પરેશાન છે. હિન્દુ-મુસ્લિમની એકતાના પ્રતીકરૂપે છેલ્લાં ૧૭ વર્ષથી સામાજિક સમરસતા જાળવીને જાહેરમાં ગણેશોત્સવની ઉજવણી કરે છે એવા એક મંડળે આ વર્ષે આસમાની મોંઘવારીનો ફટકો લાગતાં ગણેશોત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે.
કલ્યાણ-ભિવંડી રોડ પર ભિવંડી તાલુકામાં કોનગાંવ ખાતે આવેલા ડ્રીમ કૉમ્પ્લેક્સ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ-કોનગાંવની સ્થાપના ૨૦૦૩માં ગણેશ ઉત્સવની ઉજવણી માટે કરવામાં આવી હતી. છેલ્લાં ૧૭ વર્ષથી બધા ધર્મના રહેવાસીઓ આ તહેવારની ઉજવણી કરે છે. ઘણાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમો સાથે મળીને ઉજવણી કરે છે અને સામાજિક એકતા જાળવી રાખે છે એટલે થાણેના પોલીસ કમિશનરના કાર્યાલય દ્વારા છ વર્ષ પહેલાં ભિવંડીમાં સ્વર્ગસ્થ મીનાતાઈ ઠાકરે નાટ્યગૃહમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓના હસ્તે સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતા પુરસ્કાર આપીને આ મંડળને સન્માનિત કરવામાં આવ્યું હતું. ડ્રીમ કૉમ્પ્લેક્સ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કાર્યાધ્યક્ષ અહમદ પટેલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોના જેવી મહામારીનો સામનો છેલ્લાં બે વર્ષથી લોકો કરી રહ્યા છે. કોરોના સમયગાળામાં દરરોજ કમાઈને પરિવારનું પેટ ભરતા અનેક લોકોની કફોડી હાલત થઈ હતી. લોકોની નોકરી છૂટી ગઈ હતી અને ખાવાના વાંધા થવા લાગ્યા હતા. આ પરિસ્થિતિને જોઈને અમારા મંડળે જમા રાખેલું જેટલું ભંડોળ હતું એનાથી લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ, ધાન્ય અને બીજા વર્ષે વૅક્સિનની વ્યવસ્થા કરી આપી હતી. આમ મંડળનું બધું ભંડોળ વપરાઈ ગયું હતું. આ વર્ષે મંડપ બાંધવાથી લઈને મૂર્તિ, ડેકોરેશન સહિત અન્ય તમામ વસ્તુઓ ઘણી મોંઘી થઈ ગઈ છે. મંડળના સભ્યોને આ વિસ્તારના ઉદ્યોગકારો, દુકાનદારો અને નાગરિકો પાસેથી વર્ગણી જમા કરવામાં મુશ્કેલી પડી રહી હતી, કારણ કે કોરોનાને કારણે નાગરિકો સહિત વેપારીઓ, દુકાનદારો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાથી દાતાઓ પણ સહાય કરી શકે એમ નહોતા. દર વર્ષે અહીં દસે દિવસ વિવિધ કાર્યક્રમો, ભંડારો, સ્પર્ધા વગેરે યોજતાં હતાં; પરંતુ આ વખતે મોંઘવારીને કારણે મંડળે ગણેશની સ્થાપના કરી નથી. આગામી વર્ષે ભંડોળ ભેગું કરીને ફરી બાપ્પાની સ્થાપનાની તૈયારી કરીશું. આ સંદર્ભે અમે પોલીસને પણ પત્ર લખીને જાણ કરી છે. જોકે ગણપતિ બિરાજમાન કરાયા ન હોવાથી ગણેશભક્તો ખૂબ ભાવુક પણ થયા છે.’