બપોરે ફરીથી પોલીસે બધી જ રેલિંગ પાછી લગાવીને રસ્તો ક્રૉસ કરવાની જેટલી જગ્યાઓ હતી એ બધી જ બંધ કરી દીધી હતી.
ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર રોડની વચ્ચે ડિવાઇડરની બાજુમાં લગાડવામાં આવેલી ડબલ રેલિંગ.અને ઘાટકોપર-વેસ્ટમાં ગઈ કાલે ગંગાવાડી પાસે લાગેલી રેલિંગ ક્રૉસ કરીને આવી રહેલો એક યુવાન.
આજે નરેન્દ્ર મોદીના રોડ-શોને લીધે સોમવારથી જ સુરક્ષાનાં કારણોસર પોલીસે ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર મહાત્મા ગાંધી રોડ તરફ જવાના રસ્તા સુધી આખા રોડની વચ્ચે ડબલ રેલિંગ બેસાડીને રાહદારીઓ માટે રોડના એક ભાગથી બીજા ભાગમાં જવા માટેનાં ક્રૉસિંગ બંધ કરી દીધાં છે. એને લીધે રાહદારીઓએ તેમના ઘરે કે ઑફિસમાં જવા માટે ૨૫૦ મીટરથી ૫૦૦ મીટર ફરીને રોડ ક્રૉસ કરવો પડે છે. સિનિયર સિટિઝનો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો આને કારણે સૌથી વધુ તકલીફ ભોગવી રહ્યાં છે. આથી કંટાળીને રોષે ભરાયેલા રાહદારીઓ અને વાહનચાલકોએ ગઈ કાલે સવારે અમુક ભાગોમાં રેલિંગને એની જગ્યા પરથી હટાવીને/તોડીને તેમનો રસ્તો બનાવી લીધો હતો. જોકે બપોરે ફરીથી પોલીસે બધી જ રેલિંગ પાછી લગાવીને રસ્તો ક્રૉસ કરવાની જેટલી જગ્યાઓ હતી એ બધી જ બંધ કરી દીધી હતી.
વડા પ્રધાન જેવી હસ્તી ઘાટકોપરમાં આવે એ અમારું સદ્ભાગ્ય છે, પણ તેમની સુરક્ષાનાં પગલાંરૂપે બે દિવસ પહેલાંથી જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે એ મુંબઈ જેવા શહેરના નાગરિકો માટે હાર્ડ લાઇફ બની જાય છે એમ જણાવીને એક સિનિયર સિટિઝન રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટનો લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ સૌથી વ્યસ્ત રાજમાર્ગ છે. આ રાજમાર્ગ પર રોડ ક્રૉસ કરવો એટલે જાનને જોખમમાં નાખવા સમાન છે. આ રાજમાર્ગ પર બે દિવસ પહેલાં રેલિંગ નાખીને ક્રૉસિંગ બંધ કરી દેવાથી અમારા માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. અમારાથી પણ કફોડી હાલત દિવ્યાંગોની થઈ જાય છે. ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સને પરવાનગી છે કે નહીં એની પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. અનેક ભાગોમાં રેલિંગ મૂકીને યુ ટર્ન પણ બંધ કરી દીધા છે.’
ADVERTISEMENT
ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર રોડની બન્ને બાજુ લગાવવામાં આવેલી રેલિંગ.
આવી જ પરિસ્થિતિ મહાત્મા ગાંધી રોડની છે એમ જણાવતાં સ્થાનિક દુકાનદારોએ ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા આતુર છીએ. અમારા આંગણે તેઓ આવી રહ્યા છે એ અમારા સૌભાગ્યની વાત છે, પરંતુ સુરક્ષા માટે લગાવવામાં આવેલી આ રેલિંગને લીધે અમારી દુકાનોમાં ગ્રાહકો આવી શકશે કે કેમ એની અમને શંકા છે. અમને પોલીસ તરફથી આજે દુકાનો બંધ રાખવાની કોઈ જ સૂચના આપવામાં આવી નથી. જોકે નરેન્દ્ર મોદીના રોડ-શોને લીધે રોડ પર ભીડ રહેશે પણ ઘરાકી નહીં હોય.’