ડોમ્બિવલી, ખોપોલી, ઇગતપુરી અને જુચંદ્રા સહિત મુંબઈ અને એની આસપાસનાં ચાર સ્ટેશનો પર આ લહાવો મળી શકે છે
વડાલામાં આવેલા આઇમૅક્સ ઍડલૅબ્સના ડોમની જેમ સ્ટેશનો પર ફિલ્મ જોવા મળશે.
મુંબઈ : ટૂંક સમયમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજનનાં ચાર સ્ટેશનો પર ડોમ સિનેમામાં ફિલ્મ જોઈ શકાશે. આ સુવિધા માટે ડોમ્બિવલી, ખોપોલી, ઇગતપુરી અને જુચંદ્રા સહિત મુંબઈ ડિવિઝનમાં અને એની આસપાસનાં ચાર સ્ટેશનો રેસમાં છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે નૉન-ફેર રેવન્યુ અર્નિંગ મૉડલ હેઠળ ડોમ્બિવલી, ખોપોલી, જુચંદ્રા અને ઇગતપુરી સ્ટેશનો પર પ્રી-ફૅબ્રિકેટેડ સિને ડોમ સ્થાપવા અને ચલાવવા માટે બિડ આમંત્રિત કરી છે. આ સિને ડોમમાં ભોજન અને નાસ્તા-પાણીની સગવડ સહિત નવી રિલીઝ ફિલ્મો અને ડૉક્યુમેન્ટરી સહિતનું કન્ટેન્ટ પ્રદર્શિત કરવામાં આવશે. જોકે કોઈ કાયમી માળખાને મંજૂરી આપવામાં નહીં આવે. સિને ડોમનું સંચાલન કરનાર પાર્ટીએ જ ક્રાઉડ મૅનેજમેન્ટ કરવાનું રહેશે. પાર્ટીની જરૂરિયાત મુજબ પ્રી-ફૅબ્રિકેટેડ સિને ડોમ સેટ કરવામાં આવશે. આ માટે તેમણે અગાઉથી જરૂરી મંજૂરીઓ માટે વિગતવાર લે-આઉટ પ્લાન સબમિટ કરવાનો રહેશે. દરેક સ્ટેશનની આસપાસ ડોમ માટે ૫,૦૦૦ ચોરસ ફુટની જગ્યા અવેલેબેલ છે. જગ્યા માટે વાર્ષિક અનામત કિંમત ડોમ્બિવલીની ૪૭,૮૫,૦૦૦ રૂપિયા, જુચંદ્રાની ૩૫,૮૨,૦૦૦ રૂપિયા, ઇગતપુરીની ૧૭,૧૦,૪૦૦ રૂપિયા અને ખોપોલી માટે ૨૩,૩૧,૦૦૦ રૂપિયા છે.’
ગણપતિ ઉત્સવ માટે ફાસ્ટ ટ્રેન કૅન્સલ કરવામાં આવી
૨૮ સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જનને કારણે ચર્ની રોડ સ્ટેશન પર ભારે ભીડને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે કે ચર્ચગેટ જતી તમામ ફાસ્ટ ટ્રેનો, જે પીક-અવર્સ દરમિયાન એટલે કે સાંજે પાંચથી ૮.૩૦ વાગ્યા સુધી ચાલે છે, એમને મુંબઈ વચ્ચેનાં તમામ સ્ટેશનો પર હૉલ્ટ કરવામાં આવશે. સામાન્ય રીતે સાંજના પીક-અવર્સ દરમિયાન આ ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચે અટકતી નથી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ પર ભીડ ઘટાડવા માટે ચર્ચગેટ તરફ જતી તમામ સ્લો ટ્રેનો ૨૮ સપ્ટેમ્બરે સાંજે પાંચથી ૧૦ વાગ્યાની વચ્ચે ચર્ની રોડ સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે પર રોકાશે નહીં. આથી ચર્ની રોડ સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર બે પરથી આ સમયગાળા દરમિયાન કોઈ ટ્રેન અવેલેબલ રહેશે નહીં.
ADVERTISEMENT
આઠ મિડ-નાઇટ સ્પેશ્યલ ટ્રેન
પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ અને વિરાર સ્ટેશનો વચ્ચે ૨૮ અને ૨૯ની મધ્યરાત્રિએ આઠ ગણપતિ વિશેષ લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. વિરારથી પ્રથમ સ્પેશ્યલ ટ્રેન રાતે ૧૨.૧૫ વાગ્યે ઊપડશે અને ૧.૫૨ વાગ્યે ચર્ચગેટ પહોંચશે. વિરારથી બીજી સ્પેશ્યલ ટ્રેન રાતે ૧૨.૪૫ વાગ્યે ઊપડશે અને ૨.૨૨ વાગ્યે ચર્ચગેટ પહોંચશે. વિરારથી ત્રીજી સ્પેશ્યલ ટ્રેન રાતે ૧.૪૦ વાગ્યે ઊપડશે અને ચર્ચગેટ પર સવારે ૩.૧૫ વાગ્યે પહોંચશે અને વિરારથી ચોથી સ્પેશ્યલ ટ્રેન વહેલી સવારે ત્રણ વાગ્યે ઊપડશે અને ૪.૪૦ વાગ્યે ચર્ચગેટ પહોંચશે. એવી જ રીતે બીજી દિશામાં પ્રથમ સ્પેશ્યલ ટ્રેન ચર્ચગેટથી રાતે ૧.૧૫ વાગ્યે ઊપડશે અને ૨.૫૦ વાગ્યે વિરાર પહોંચશે. બીજી સ્પેશ્યલ ટ્રેન ચર્ચગેટથી રાતે ૧.૫૫ વાગ્યે ઊપડશે અને ૩.૩૨ વાગ્યે વિરાર પહોંચશે. ત્રીજી સ્પેશ્યલ ટ્રેન ચર્ચગેટથી રાતે ૨.૨૫ વાગ્યે ઊપડશે અને વિરાર સવારે ૪.૦૨ વાગ્યે પહોંચશે અને ચોથી સ્પેશ્યલ ટ્રેન ચર્ચગેટથી વહેલી સવારે ૩.૨૦ વાગ્યે ઊપડશે અને સવારે ૪.૫૮ વાગ્યે વિરાર પહોંચશે. આ સ્પેશ્યલ ટ્રેન ચર્ચગેટ અને વિરાર વચ્ચેનાં તમામ ઉપનગરીય સ્ટેશનો પર ઊભી રહેશે.