ટૂંક સમયમાં અમલમાં મુકાનારી આ યોજના સામે સ્થાનિક રહેવાસીઓનો વિરોધઃ પ્રશાસને આવો ઠરાવ રજૂ કર્યો ન હોવાથી સત્તાધારી-વિરોધી પક્ષ અંધારામાં
મીરા-ભાઈંદરમાં એક સોસાયટીમાં મૂકવામાં આવેલી કચરાપેટીઓ
મીરા-ભાઈંદરમાં દરરોજ અંદાજે ૪૫૦ ટન કચરો નીકળે છે, જેને ભાઈંદરમાં આવેલા ઉત્તન પરિસરમાં ડમ્પ કરવામાં આવે છે. વર્ષોથી અહીં કચરો નખાતો હોવાની સાથે એના પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી થતી એટલે કચરો સડવાથી એમાંથી છૂટતી દુર્ગંધને લીધે પરેશાન થઈ ગયેલા સ્થાનિક રહેવાસીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અહીં કચરો નાખવા સામે વિરોધ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાં અહીં લોકોએ કચરાને આગ ચાંપીને વિરોધ પણ દર્શાવ્યો હતો. આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સ્થાનિક પ્રશાસને જે સોસાયટી કે વ્યાવસાયિક સ્થળે દરરોજ ૫૦ કિલોથી વધારે ભીનો કચરો જમા થાય છે એ સુધરાઈ નહીં ઉપાડે એવી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. જે-તે સોસાયટી કે વ્યાવસાયિકે પોતાની જગ્યામાં ખાડો ખોદીને ભીના કચરાને નાખીને ખાતર બનાવવાનું એણે સૂચન કર્યું છે. સુધરાઈ જે કામ આટલાં વર્ષોમાં નથી કરી શકી એ કોઈ સોસાયટી કે બીજાઓ કેવી રીતે કરી શકશે એવો સવાલ કરીને સ્થાનિક લોકો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ યોજનાનો ઠરાવ કે પ્રસ્તાવ હજી સુધી પ્રશાસને મહાસભામાં રજૂ પણ નથી કર્યો એટલે સત્તાધારી કે વિરોધી પક્ષ આ બાબતે અંધારામાં છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રવિ પવારે કહ્યું હતું કે ઘનકચરા નિકાલના ૨૦૧૬ના નિયમ હેઠળ ભીનો અને સૂકો કચરો અલગ કરવાની સાથે ૫૦ કિલોથી વધારે ભીનો કચરો જ્યાં દરરોજ જમા થતો હોય એ સુધરાઈ નહીં ઉપાડે અને જેમને ત્યાં આવો કચરો હશે તેમણે જ એનો નિકાલ કરવાની યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવાની યોજના તેમણે બનાવી છે. જોકે આવી યોજના સુધરાઈ બનાવી રહી હોવાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ એનો વિરોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
કમિશનરને રજૂઆત કરીને વિરોધ કરાશે
મીરા રોડમાં રેલવે સ્ટેશન પાસે આવેલા શાંતિ વિહાર વિભાગ એકમાં આઠ બિલ્ડિંગ આવેલાં છે. આ બિલ્ડિંગની સોસાયટીના સેક્રેટરી કમલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચરો ઉપાડવાથી લઈને એનો નિકાલ કરવા માટે તાજેતરમાં જ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ૮૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર એક કંપનીને આપ્યું છે. આ માટે સુધરાઈ કંપનીને કચરો ઉપાડવા માટેનાં ૧૧૭ વાહનો પણ ઉપલબ્ધ કરાવવાની છે. બીજું, દરરોજ અહીં એકત્રિત થતા ૪૫૦ ટન જેટલા કચરા પર પ્રક્રિયા કરીને ખાતર બનાવવાની યોજના આટલાં વર્ષમાં સુધરાઈ નથી કરી શકી. એની સામે પચાસ કિલોથી વધારે ભીના કચરા પર પ્રક્રિયા કરવાનું લોકોને કહે એ યોગ્ય નથી. સુધરાઈ પાસે પ્રક્રિયા કરવા માટે અનેક જગ્યા છે, પણ કોઈ સોસાયટી કે હોટેલ કે ઢાબાવાળા પ્રક્રિયા કરવાનું વિચારે તો પણ જગ્યા ક્યાં છે? સુધરાઈની આવી મનમાની ચલાવી નહીં લઈએ અને આ મામલે અમે સુધરાઈના કમિશનરને રજૂઆત કરીને વિરોધ કરીશું.’
જોખમી કચરા માટે લાલ ડસ્ટબિન
પચાસ કિલો ભીના કચરાના નિકાલ ઉપરાંત સૅનિટરી પૅડ, ડાઇપર, બૅટરી અને રાસાયણિક તેમ જ જોખમી કચરો નાખવા માટે લાલ ડસ્ટબિન વિતરીત કરવાની યોજના સુધરાઈએ બનાવી છે. આથી ટૂંક સમયમાં તમામ રહેવાસીઓએ કે વ્યાવસાયિકે ભીના કચરા, સૂકા કચરા અને જોખમી કચરા માટે ત્રણ-ત્રણ ડસ્ટબિન રાખવાં પડશે. મોટા ભાગના લોકો આવાં ડસ્ટબિનનો ઉપયોગ નહીં કરે એટલે આવા લાલ ડસ્ટબિન પાછળનો ખર્ચ નકામો જવાની શક્યતા લોકોએ વ્યક્ત કરી છે.
યોજનાનો ઠરાવ નથી કરાયો
કોઈ પણ યોજના બનાવતી વખતે પ્રશાસન દ્વારા એનો ઠરાવ તૈયાર કરીને સત્તાધારી અને વિરોધી પક્ષને વિશ્વાસમાં લઈને મહાસભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. જોકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પચાસ કિલો ભીનો કચરો ઉપાડવામાં ન આવવા બાબતનો કોઈ ઠરાવ પ્રશાસને રજૂ નથી કર્યો. આ બાબતે કોઈ ચર્ચા પણ નથી થઈ. કમિશનર કે ડેપ્યુટી કમિશનર સાથે હું આ બાબતે વાત કરીશ. બીજું, દરરોજ ૧૦૦ ટન કચરાનો નિકાલ થઈ શકે એ માટે વિવિધ સ્થળે નવ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવાની યોજના અમલમાં મુકાઈ રહી છે. આથી કચરાના નિકાલની થોડી મુશ્કેલી ઓછી થશે.’
જોકે ડેપ્યુટી કમિશનર રવિ પવારે ૨૦૧૬ના કચરા નિકાલના નિયમ મુજબ પ્રશાસન આવી યોજના અમલમાં મૂકી શકે છે એમ કહ્યું હતું.