મહારાષ્ટ્ર સરકારે જાણીતા ને પદ્મશ્રીથી નવાજવામાં આવેલા મૂર્તિકાર રામ સુતારને કૉન્ટ્રૅક્ટ આપ્યો : ૪૦ ટન કાંસું અને ૨૮ ટન સ્ટીલ વાપરવામાં આવશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૩ની ૪ ડિસેમ્બરે નેવી ડેએ આ પૂતળાનું અનાવરણ કર્યું હતું
મહારાષ્ટ્રના રત્નાગિરિ-સિંધુદુર્ગમાં આવેલા માલવણ ખાતેના રાજકોટ કિલ્લામાં ઊભું કરવામાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજનું ૩૫ ફુટનું પૂતળું આ વર્ષે ૨૬ ઑગસ્ટે તૂટી પડ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૩ની ૪ ડિસેમ્બરે નેવી ડેએ આ પૂતળાનું અનાવરણ કર્યું હતું. માત્ર આઠ જ મહિનામાં પૂતળું તૂટી પડતાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ વિરોધી પક્ષોએ મહાયુતિની સરકાર પર લગાવ્યો હતો અને ચૂંટણીમાં આ ઘટનાને મોટો મુદ્દો બનાવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજનું નવું ભવ્ય પૂતળું બનાવવા માટેની એ સમયે જાહેરાત કરી હતી. પદ્મશ્રી મૂર્તિકાર રામ સુતારના પુત્ર અનિલે ગઈ કાલે કહ્યું હતું કે ‘માલવણ કિલ્લામાં ૪૦ ટકા કાંસું અને ૨૮ ટન સ્ટીલમાંથી ૬૦ ફુટ ઊંચું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું બનાવવામાં આવી રહ્યું છે જે આગામી છ મહિનામાં તૈયાર થઈ જશે. શિવાજી મહારાજ હાથમાં તલવાર લઈને ઊભા હોય એવી પૂતળાની મુદ્રા હશે. આ નવું પૂતળું મૂકવા માટે ૧૦ ફુટ ઊંચાઈનું પેડસ્ટ્રલ રાજકોટ કિલ્લામાં તૈયાર કરવામાં આવશે.’

