મુલુંડના ૫૫ વર્ષના વેપારીને હની ટ્રૅપમાં ફસાવીને એક યુવતી સહિત ત્રણ યુવકોએ ૭.૧૫ લાખ રૂપિયા પડાવી લીધા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મુલુંડમાં રહેતા અને ચશ્માંનો વ્યવસાય કરતા એક વેપારીની દુકાને આવીને એક યુવતીએ પહેલાં ફ્રેન્ડશિપ કરી હતી. ત્યાર બાદ યુવતીએ પોતાનો પતિ ત્રાસ આપતો હોવાનું કહીને વેપારીને મળવા માટે બોલાવ્યો હતો. વેપારી યુવતીને મળવા માટે ગયો ત્યારે ત્યાં હાજર ત્રણ લોકો તે વેપારીને જબરદસ્તી ભિવંડીની એક લૉજમાં લઈ ગયા હતા. ત્યાં પોલીસ-ફરિયાદ સાથે નામ ખરાબ કરવાની ધમકી આપીને તેમણે આશરે ૭.૧૫ લાખ રૂપિયાની માલમતા પડાવી લીધી હતી. અંતે આ ઘટનાની જાણ વેપારીએ શ્રીનગર પોલીસને કરતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મુલુંડ-વેસ્ટમાં મોતીલાલનગર વિસ્તારના એક હાઇરાઇઝ ટાવરમાં રહેતા અને થાણેના વાગળે એસ્ટેટમાં ઑપ્ટિકલની દુકાન ધરાવતા ૫૫ વર્ષના રાકેશ બિંદ (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર મે ૨૦૨૨માં તેમની દુકાનમાં વાઇ-ફાઇનું કનેક્શન નાખવા માટે પૂનમ વસંતલાલ મૈર્યો ઉર્ફે પૂનમ સમીર માંજરેકર અને આદિત્ય જયપ્રકાશ ગુપ્તા આવ્યાં હતાં. ત્યાર બાદ પૂનમે વેપારીનો નંબર લીધા પછી રોજ ગુડ મૉર્નિંગ અને ગુડ નાઇટ જેવા મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસમાં તેમની વચ્ચે સારી મિત્રતા થઈ જતાં પૂનમે વેપારીને કહ્યું કે મારો પતિ ત્રાસ આપે છે અને મને કોઈ વસ્તુ નથી અપાવતો. એટલે વેપારીએ તેને ઍક્ટિવા સ્કૂટર લઈ આપ્યું હતું. આ ઉપરાંત કપડાં પણ લઈ આપ્યાં હતાં. દરમિયાન, આ વર્ષે બીજી એપ્રિલે પૂનમે વેપારીને ફોન કરી ફરવા જવા માટેનું કહીને ઐરોલી બ્રિજ નજીક બોલાવ્યો હતો. ત્યાં સવારે ૧૧ વાગ્યે પહોંચતાં પૂનમ સાથે અન્ય ત્રણ લોકો હાજર હતા. તેઓ વેપારીને જબરદસ્તી ભિવંડીના માનકોલી વિસ્તારની એક લૉજમાં લઈ ગયા હતા. ત્યાં તેને બાંધીને છોડવા માટે ધમકી આપીને પૈસા માગવામાં આવ્યા હતા. ત્યાર બાદ આશરે બે લાખ રૂપિયા લીધા પછી વેપારીને છોડીને બીજા પૈસાની માગણી કરવામાં આવી હતી. અંતે ૧૧ મેએ પૂનમ પોતે ૫૦,૦૦૦ રૂપિયા લેવા માટે આવી હતી અને ન આપવા બદલ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી.એટલે વેપારીએ શ્રીનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. વેપારી પાસેથી અત્યાર સુધીમાં પૂનમ સહિત રાહુલ યાદવ, આદિત્ય ગુપ્તા, સમીર માંજરેકરે ૭.૧૫ લાખ રૂપિયાની માલમતા જબરદસ્તી પડાવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
શ્રીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ કબાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અમુક પૈસા અને માલમતા જપ્ત પણ કરવામાં આવ્યાં છે. વધુ તપાસ હાથ કરવામાં આવી રહી છે.’