પોલીસે અશ્લીલ ચાળા કરવાના, બળાત્કારના અને વિનયભંગના મામલા નોંધ્યા હોવાનું જાણવા મળ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
બદલાપુરનો બાળકીઓના વિનયભંગનો મામલો ગાજી રહ્યો છે ત્યારે નવી મુંબઈમાં બે દિવસમાં સગીરાઓ પર અત્યાચારના ચાર મામલા નોંધવામાં આવ્યા છે. પોલીસે અશ્લીલ ચાળા કરવાના, બળાત્કારના અને વિનયભંગના મામલા નોંધ્યા હોવાનું જાણવા મળ્યું હતું. નવી મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ ખારઘરમાં રહેતી ૧૦ વર્ષની કિશોરી ૨૦ ઑગસ્ટે તેની ફ્રેન્ડ સાથે સ્કૂલના પ્રોજેક્ટ માટે કાર્ડબોર્ડ ખરીદવા દુકાનમાં ગઈ ત્યારે સંજય ગાયકવાડ નામના આરોપીએ તેને રોકીને અયોગ્ય રીતે અડકીને અશ્લીલ હરકત કરી હતી. આ બાબતની જાણ કિશોરીએ તેની મમ્મીને કરતાં તેણે ફરિયાદ નોંધાવી હતી. ૨૦ ઑગસ્ટે જ સાગર માથને નામના આરોપીએ વાશીમાં રહેતી ૧૫ વર્ષની એક કિશોરીને એક સ્કૂલ પાસે લઈ જઈને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કિશોરી જેમ તેમ કરીને આરોપીની પકડમાંથી છટકીને ઘરે ગઈ હતી. બાદમાં કિશોરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આવી જ રીતે ૨૧ ઑગસ્ટે સાનપાડામાં રહેતી ૧૭ વર્ષની કિશોરી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધીને તેને પ્રેગ્નન્ટ કરવાના આરોપસર ફુલચંદકુમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ૨૧ ઑગસ્ટે જ APMC પોલીસ-સ્ટેશનની હદમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીનો હાથ પકડીને પોતાની તરફ ખેંચીને ‘હું તને ભગાવીને લઈ જઈશ, મને માત્ર તું જોઈએ છે’ એવી બૂમો પાડનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
૧૨ વર્ષની કિશોરીના વિનયભંગ બદલ પાડોશી યુવકની ધરપકડ
ADVERTISEMENT
મીરા રોડના કાશીગાવ વિસ્તારમાં આવેલી મહાજનવાડીમાં ગુરુવારે મોડી રાત્રે દારૂના નશામાં પાડોશમાં રહેતી ૧૨ વર્ષની કિશોરી પર બળાત્કાર કરવાના પ્રયાસ બદલ પોલીસે ૨૫ વર્ષના શરદ કનોજિયાની ધરપકડ કરી હતી. આરોપી ઑનલાઇન ફૂડ કંપનીમાં ડિલિવરી બૉય હોવાનું જાણવા મળ્યું હતું. કાશીમીરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેના જણાવ્યા મુજબ આરોપી મોડી રાત્રે ઘર પાસે પહોંચ્યો હતો ત્યારે તેણે પીડિત કિશોરીના ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો. આથી તે કિશોરીના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો હતો. જોકે એ સમયે કિશોરીના પિતા ઘરે આવી ગયા હતા. તેમણે આરોપીને ઝડપી લીધો હતો અને પોલીસને ફોન કરીને જાણ કરી હતી. કાશીમીરા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી.

