મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર સત્યપાલ સિંહે મુંબઈ આવીને કહ્યું...
મુંબઈની પ્રેસ-ક્લબમાં મહારાષ્ટ્ર શિવશંભુ વિચાર મંચ દ્વારા ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહની સાથે મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કરનારા રામગિરિ મહારાજે પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા કરી હતી. (તસવીર : શાદાબ ખાન)
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઇન્ડિયન પોલીસ સર્વિસના નિવૃત્ત અધિકારી સત્યપાલ સિંહે ગઈ કાલે મુંબઈમાં કહ્યું હતું કે સરાલા દ્વીપના મઠાધિપતિ રામગિરિ મહારાજે પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણી સાચી ન હોય તો સત્ય શું છે એ વિશ્વ સમક્ષ લાવવું જોઈએ, ઇસ્લામના સ્કૉલરો અને મૌલાનાઓએ જણાવવું જોઈએ કે રામગિરિ મહારાજે કહ્યું છે એ સત્ય નથી. મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં રામગિરિ મહારાજ સામે ૬૭ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હોવાનું સોગંદનામું બૉમ્બે હાઈ કોર્ટમાં નોંધાવ્યાના એક મહિના બાદ મુંબઈ પોલીસના
પોલીસ-કમિશનર રહી ચૂકેલા સત્યપાલ સિંહ મુંબઈ આવ્યા હતા. મુંબઈમાં ગઈ કાલે આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં સત્યપાલ સિંહે કહ્યું હતું કે ‘જેહાદના નામે રામગિરિ મહારાજને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી આવે છે ત્યારે કેટલાક લોકો સક્રિય થાય છે. આપણું કામ આવા લોકોને ઓળખીને જનજાગૃતિ લાવવાનું છે.’
રામગિરિ મહારાજ પણ આ પ્રેસ-કૉન્ફરસમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આપણા બંધારણે દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર આપ્યો છે. મારા નિવેદન કે ટિપ્પણીથી કોઈની લાગણી દુભાઈ હોય તો એ તેમની સમસ્યા છે.’